ચૂંટણી પ્રક્રિયાઓને વેગ આપવા માટે જામનગર સંસદીય મતવિસ્તારના ચાર મુખ્ય વિધાનસભા મતવિસ્તારોમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય (કેન્દ્રીય ચૂંટણી કાર્યાલયો) નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. છેલ્લા અઠવાડિયા દરમિયાન અનુક્રમે જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર અને દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં કેન્દ્રીય ચૂંટણી કાર્યાલયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ગઈકાલે જામજોધપુરમાં સમારંભ બાદ આજે દ્વારકામાં પણ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી (BJP) ના સ્થાનિક ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી તથા પબુભા માણેક, પક્ષના વરિષ્ઠ પદાધિકારીઓ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. આ ખાસ પ્રસંગે સાંસદ શ્રી પૂનમબેન માડમે આ કાર્યાલયોના ઉદ્ઘાટનની ખુશી વ્યક્ત કરી હતી અને ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, લોકશાહીના મહાપર્વ એવા 2024ની ચૂંટણી સૌના માટે ખાસ છે. આ અવસરે BJPની 370 અને NDAની 400 પાર બેઠક અપાવીને ગુજરાતના પનોતા પૂત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ફરી એક વાર મજબૂતીથી રાષ્ટ્રનું સુકાન સોંપાય તેવી આશા પૂનમબેન માડમે વ્યક્ત કરી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વખતના લોકશાહીના મહાર્વમાં જે પ્રમાણેનું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે જોતા લાગે છે કે સમગ્ર જીલ્લો અને શહેર મતદાન કરવા માટે થનગની રહ્યું છે. અને આ ગર્વ કરવાની વાત છે કે જે પ્રકારના કામો વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશ અને હાલારમાં થયા છે તેવા કામો ભુતકાળમાં કેન્દ્ર સરકાર દ્વારા થઈ શકે તેવું કોઈ વિચારી પણ નહોતું શકતું. મહત્વનું છે કે, કેન્દ્રીય ચૂંટણી કાર્યાલયોની સ્થાપના થકી ચૂંટણીલક્ષી પ્રવૃત્તિઓ વધુ સરળ બનાવવામાં આવશે અને તે લોકોને જોડવામાં સક્રિય ભાગ ભજવશે. ખાસ ચૂંટણીલક્ષી કામગીરી કરતી આ કચેરીઓ લોકતાંત્રિક પ્રક્રિયામાં પારદર્શિતા અને સુલભતા વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
એટલું જ નહીં, આગળ જતા જામનગર સંસદીય વિસ્તારમાં સમાવિષ્ટ અન્ય વિધાનસભા મતવિસ્તારો જેવા કે જામનગર ગ્રામ્ય, ખંભાળિયા અને કાલાવડમાં સમાન કેન્દ્રીય ચૂંટણી કાર્યાલયો ખોલવામાં આવશે. આ વિસ્તરણ લોકશાહીના માળખાને મજબૂત કરવા અને સમગ્ર પ્રદેશમાં કાર્યક્ષમ ચૂંટણી સંચાલન સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થશે.