MOVIE REVIEW: અદભૂત સિનેમેટિક એક્સપિરીયંસ કરાવે છે ગુજરાતી હોરર-કોમેડી ફાટીને?

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

Movie Review ⭐⭐⭐⭐

અમદાવાદઃ ગુજરાતી ફિલ્મો હવે ઝીણું કાંતવામાં મહારત મેળવી રહી છે. દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં કેવા પ્રકારના પ્રયોગો સફળ રહેશે, કેવા પ્રકારની ટેકનિક્સ કારગત સાબિત થશે, કેવી વિષય-વસ્તુ વાસ્તવિક મનોરંજન પૂરૂં પાડવામાં ખરી ઉતરશે, તેવી ઝીણામાં ઝીણી બાબતોને મેકર્સ ધ્યાને લઈ રહ્યાં છે. અને આવી જ  બારીકાઈથી બનેલી ફિલ્મનો સિનેમેટિક અનુભવ કરવો હોય તો તમારે 31 જાન્યુઆરીએ રીલીઝ થયેલી ફિલ્મ ફાટી ને?ને થિયેચરમાં જઈને જોવી રહી…!

રાઇટર-ડિરેક્ટર ફૈસલ હાશમીની ફિલ્મે તેની હોરર-કોમેડી સ્ટોરીને લઇને રીલિઝ પેહલાં જ ખૂબ જ ચર્ચા જગાવી દીધી હતી. જોકે, ચર્ચા પ્રમાણે ફિલ્મ કેટલાંક મહત્વના પાસાઓ પર ખરી પણ ઉતરી છે.

ફિલ્મના મુખ્ય કલાકારો હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા અનુક્રમે પરમલાલ અને પદમલાલ નામના બે મિત્રો ઓસ્ટ્રેલિયામાં કેટલાંક સંજોગોને આધિન કોપ્સની જોબ કરતાં જોવા મળી રહ્યાં છે. આ બન્ને મેલબોર્નમાં આવેલી એક ભૂતિયા હવેલીમાં એક ટાસ્કને પૂરૂં કરવા માટે જાય છે અને ત્યાંથી શરૂ થાય છે હોરર-કોમેડી ફિલ્મની રોમાંચક ડરાવતી અને હસાવતી યાત્રા. આ પહેલા હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યાની જોરદાર એન્ટ્રીનો પાર્ટ પણ જોવા જેવો છે.

ફિલ્મમાં પરમલાલ (હિતુ કનોડિયા)નું પાત્ર પોતાના પર્સનલ લાઇફમાં કેટલીક સમસ્યાઓથી ઘેરાયેલુ છે. તે તેની પત્ની (મોના થીબા- કેમિયો)થી ડિવોર્સ લે છે અને ત્યારબાદ તેની દીકરીની કસ્ટડી મેળવવા માટેના તેને આપેલા ટાસ્કને પુરૂં કરવા ભૂતિયા હવેલીમાં જાય છે અને આ કામમાં તેનો સાથ આપે છે પદમલાલ (સ્મિત પંડ્યા). આ બન્નેની કોમિક ટાઇમિંગ દર્શકોને પેટ પકડીને હસાવે છે.

અહીં ડરાવી દેતા ભૂતનો ઉલ્લેખ કરવો જરૂરી છે, જેનું પાત્ર ભજવ્યું છે આકાશ ઝાલાએ. તો બીજી તરફ હેમિન ત્રિવેદીએ ભજવેલા બાબા ભૂતમારીનાનું પાત્ર હોરર-કોમેડી જેનરના ત્રાજવામાં એક સરખી રીતે તોલવામાં સફળ રહ્યું છે. આ ઉપરાંત, ચેતન દૈયાની સરપ્રાઇઝ એન્ટ્રી પણ છે.

અદભૂત સિનેમિટિક એક્સપીરિયંસ માટે અને તેમાં પણ જ્યારે ફિલ્મ હોરર હોય ત્યારે તેનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ દમદાર હોવું જોઇએ. આ ફિલ્મની સાઉન્ડ ડિઝાઇન એ.આર. રહેમાનના સ્ટુડિયોમાં કરવામાં આવ્યું છે. ડોલ્બી એટમોસ સાઉન્ડ સાથેના ફિલ્મના દ્રશ્યો ફિલ્મને માણવાનો અદભૂત અનુભવ પુરો પાડે છે.

ફિલ્મના ગીતોની વાત કરીએ તો આઘો ખસ ઉમેશ બારોટે અને પંખીડાને જાવેદ અલીએ ગાયું છે. આઘો ખસમાં તમને અદભૂત કોરિયોગ્રાફી જોવા મળે છે, જ્યારે પંખીડામાં એક પિતાનો તેની દીકરી માટેનો અખૂટ પ્રેમ જોવા મળે છે, જે દરેક પિતાને પોતાની દીકરી માટે થતી લાગણીઓને રજૂ કરે છે. જોકે આ ફિલ્મમાં ચાર ગીતો છે.

ફિલ્મનો કોમેડી ક્લાઇમેક્સ દર્શકોને થિયેટરની બહાર જતા પણ હસાવતો રહે તેવો છે. ક્લાઇમેક્સમાં જાણીતા ગુજરાતી ગીત પાદરની ઓબલી હેઠે…માં મહિલાના વેશમાં ભૂત સાથેનો ડાન્સ દર્શકોને ખડખડાટ હસાવે છે અને સૌથી અંતે માવાને લઇને ફિલ્મમાં એક નવો ટર્નિંગ પોઇન્ટ જોવા મળે છે. તે પણ ખડખડાટ હસાવે છે. 

ફાટી ને? ફેમિલી એન્ટરટેનર છે, તેને જોવાનો ખરી મજા પરિવાર સાથે આવી શકે તેમ છે.

ચાલો.. હવે આપનો ખબરપત્રી અહીંથી અટકી આપની રજા લે છે,

ખબરપત્રીઃ ફાટી ને?ને 5માંથી મળે છે 4 સ્ટાર . 

Share This Article