મહાનુભાવોના વક્તવ્યોના ‘બાયસેગ’ પ્રસારણ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું
ધોરણ ૧૦ તથા ધોરણ ૧ર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ માર્ચ મહિનામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાવાની છે ત્યારે વિદ્યાર્થીઓ પુરા આત્મવિશ્વાસ અને ઉત્સાહ સાથે પરીક્ષાઓ આપે તે માટે પ્રેરક માર્ગદર્શનનું શિક્ષણ વિભાગે આયોજન કર્યું છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ‘’Exam Warriors’’ પુસ્તક દ્વારા વિદ્યાર્થીઓમાં પરીક્ષા સંદર્ભે માર્ગદર્શન સાથે આત્મવિશ્વાસનો સંચાર કર્યો છે ત્યારે રાજ્ય સરકારે પણ વિદ્વાન વક્તાઓના વક્તવ્યો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરક માર્ગદર્શન પુરૂં પાડવા પ્રયાસ કર્યો છે.
આ પ્રયાસ અંતર્ગત ગુજરાત માધ્યિમક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરે ધોરણ ૧૦ અને ધોરણ ૧રની પરીક્ષાના વિદ્યાર્થીઓને પ્રેરક માર્ગદર્શન મળી રહે તે માટે મહાનુભાવોના પ્રેરક વક્તવ્યનું આયોજન કર્યું છે. આ વક્તવ્યો ‘બાયસેગ’ના માધ્યમથી ‘વંદે ગુજરાત’ ચેનલ ૧૦ અને ૧ર પરથી પ્રસારિત કરવામાં આવેલ. અગાઉ જે મહાનુભાવોના વક્તવ્યો પ્રસારિત થયેલ તેમાં જય વસાવડા, ભવેન કચ્છી, અજય ઉમટ, કૃષ્ણકાંત ઉનડકટ તથા કનૈયાલાલ ભટ્ટનો સમાવેશ થાય છે. હવે તા. ૭મી માર્ચના રોજ ૧૧-૦૦ થી ૧ર-૦૦ કલાક દરમિયાન દેવેન્દ્ર પટેલનું વક્તવ્ય પ્રસારિત કરવામાં આવશે.
આ મહાનુભાવોએ પ્રેરક ઉદાહરણો, પ્રસંગો વગેરેના નિરૂપણ સાથે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીઓ સંબંધે માર્ગદર્શન પુરૂં પાડયું હતું. ‘બાયસેગ’ દ્વારા ‘વંદે ગુજરાત’ ચેનલ પર આ વક્તવ્યોનું પ્રસારણ થતાં રાજ્યના વિદ્યાર્થીઓએ તેનો લાભ લીધો હતો.