અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા લોકોને માહિતીનો અધિકાર આપતો રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ-૨૦૦૫ અમલમાં મુકાયો હતો. જે અંતર્ગત કોઇપણ વ્યકિતને આરટીઆઇ એકટ હેઠળ અરજી કરી જરૂરી કોઇપણ માહિતી મેળવવાનો અધિકાર અને સેવા બક્ષવામાં આવ્યા છે. આરટીઆઇ એક્ટનો વ્યાપકપણે ઉપયોગ થઇ રહ્યો હોઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગમાંથી માહિતી મેળવવા માટે નાગરિકોની દરરોજ ૩૦ થી વધુ અરજીઓ અમ્યુકો તંત્રને મળી રહી છે.
આરટીઆઇ અરજીઓને લઇ અમ્યુકો તંત્ર અને અધિકારીઓ-કર્મચારીઓ પણ તેની માહિતી એકત્ર કરવામાં અને તે આપવામાં સતત વ્યસ્ત રહેતા હોય છે. જેટલી અરજી તંત્રને મળે છે. જો કે, આરટીઆઇ એકટનો બીજીબાજુ, દૂરપયોગ થઇ રહ્યો હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. ખાસ કરીને મ્યુનિસિપલ તંત્રમાં આરટીઆઇ એક્ટનો કેટલાંક લેભાગુ તત્વો ઉપયોગ કરવાના બદલે દુરુપયોગ વધારે કરતાં હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ખાસ કરીને ગેરકાયદે બાંધકામના મામલે આરટીઆઇના ઓઠા હેઠળ જે તે ઝોનના એસ્ટેટ વિભાગ પાસેથી માહિતી મેળવીને તોડબાજી કરાય છે.
આ પ્રકારની તોડબાજીમાં કહેવાતા કેટલાક આરટીઆઇ એક્ટિવિસ્ટ ઉપરાંત ખુદ એસ્ટેટ વિભાગના કેટલાક ભ્રષ્ટ કર્મચારી અને અધિકારી જોડાયેલા છે. અનેકવાર મ્યુનિસિપલ બોર્ડમાં પણ આવા આરટીઆઇ એક્ટિવિસ્ટ વિરુદ્ધ શાસક પક્ષ અને વિપક્ષના કોર્પોરેટરોએ ઉગ્ર રજૂઆત પણ કરી છે. એટલું જ નહી, કેટલાક કુખ્યાત આરટીઆઇ અરજીધારકોને બ્લેક લિસ્ટ કરવાની પણ માગણી ઊઠતી રહી છે, જોકે આમાં આઘાત પમાડે તેવી બાબત એ છે કે અમુક ભ્રષ્ટ કોર્પોરેટર પણ ગેરકાયદે બાંધકામને ઉત્તેજન આપીને તેની આરટીઆઇ અરજીધારકો પાસેથી તંત્ર દ્વારા માહિતી મેળવીને રોકડી કરી રહ્યા છે, જેના કારણે મ્યુનિસિપલ તંત્રમાં આરટીઆઇનું હથિયાર સત્તાધીશો અને તંત્ર માટે માથાના દુઃખાવા સમાન બન્યું છે.
તંત્રની સત્તાવાર માહિતી મુજબ ગત નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં કુલ આવેલી ૧૦,૪૮૦ અરજી પૈકી ૧૦,૪૫૮ અરજીનો નિકાલ કરાયો હતો એટલે કે દરરોજ ૩૦ અરજી કરાઇ હતી. ૧૦,૪૫૮ અરજી પૈકી ૧૯૬૩ અરજીમાં અપીલ અધિકારી સમક્ષ રજૂઆત કરાઇ હતી. આ એવા કિસ્સા છે કે જેમાં અરજીધારકને સત્તાવાળાઓની માહિતીથી સંતોષ ન થતાં ઉપરના અપીલ અધિકારી સમક્ષ રજૂઆત કરાઇ હતી. જોકે અપીલમાં ગયેલી ૧૯૬૩ અરજી પૈકી ૧૯૨૨ અરજીનો નિકાલ કરાયો હોવાનો પણ તંત્ર દ્વારા દાવો કરાયો છે. ગત નાણાકીય વર્ષ ૨૦૧૦-૧૧થી ગત નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ સુધીમાં એટલે કે છેલ્લાં આઠ વર્ષમાં મ્યુનિસિપલ સત્તાધીશો સમક્ષ કુલ ૧.૦૫ લાખથી વધુ અરજી કરાઇ હતી, જેમાં દર વર્ષે સરેરાશ ૧૫ ટકા અરજીમાં અપીલ થઇ હતી. આમ, તંત્ર અને અધિકારીઓ-કર્મચારીઓ પણ આરટીઆઇના જવાબ આપવામાં સતત વ્યસ્ત રહેતા હોય છે.