છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ અને નુકસાન હિમાચલ પ્રદેશમાં થવા પામ્યું છે. વાદળ ફાટવાથી અને અતિવૃષ્ટિ ને કારણે પ્રાપ્ત માહિતી મુજબ હિમાચલ પ્રદેશમાં ૪૦ લોકોનાં મોત નિપજયા છે અને લાખો રુપિયાની ખુવારી થઈ છે. પૂજ્ય બાપુની રામકથા અમેરિકામાં લિટલ રોક ખાતે ચાલી રહી છે અને તેમને આ સમાચાર પ્રાપ્ત થતાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. તેમના પરિવારજનોને રુપિયા ૬ લાખની સહાય અર્પણ કરી છે. આ વિતિય સેવા કથાના મનોરથી પરિવાર દ્વારા કરવામાં આવશે અને ટ્રસ્ટ દ્વારા રાહત ફંડ માં પહોંચાડવામાં આવશે.
બીજી બાજુ બે દિવસ પહેલા તેલંગણા રાજ્યની દવાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને ભયાનક આગ લાગી હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૪૪ લોકોનાં કરુણ મોત નિપજયા છે. પૂજ્ય બાપુએ ઉપરોક્ત ઘટનામાં માર્યા ગયેલાઓને પણ રુપિયા ૬,૬૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. મુખ્યમંત્રી રાહત ફંડ માં જમા કરાવી દેવામાં આવશે.
ગાંધીનગર નજીક એક કાર કેનાલમાં ખાબકતાં ત્રણ લોકોનાં મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પણ રુપિયા ૪૫,૦૦૦ની સહાય મોકલવામાં આવશે. જામનગરમાં સલાયા નજીક બે યુવકનાં પાણીમાં ડૂબી જતાં મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પણ રુપિયા ૩૦,૦૦૦ની સહાય મોકલવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.