કિર્તિદાને મોરારિ બાપુને પોતાના બાપ ગણાવ્યા છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : નિલકંઠવર્ણીનો વિવાદ રોજ વધુને વધુ વકરતો જાય છે. સાધુ-સંતો બાદ હવે કલાકારો મોરારિબાપુના સમર્થનમાં આવ્યા છે. હાસ્ય કલાકાર સાંઇરામ દવેએ કહ્યું કે, બાપુ તો મારા માટે ભગવાન છે તો, જાણીતા હાસ્ય અને ડાયરા કલાકાર માયાભાઇ આહિર અને કિર્તિદાન ગઢવીએ મોરારિબાપુને પોતાના બાપ ગણાવ્યા છે. સાથે સાથે આ ત્રણેય કલાકારોએ કહ્યું કે, બસ હવે આ વિવાદનો અંત લાવો. આપણો એક જ ધર્મ છે તેને મજબૂત કરીએ. આપણે લેવા દેવા વગરનો વિવાદ ઉભો કર્યો છે.

જાણીતા હાસ્યકલાકાર માયાભાઈ આહિરે જણાવ્યું હતું કે, મારોરિ બાપુ અમારો બાપ છે, એ કોઇ દિવસ કોઇની લાગણી દુભાવે નહીં. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પણ ધ્યાન રાખવું જોઇએ. મેં જેટલા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના નિવેદન અત્યાર સુધીમાં સાંભળ્યા તેમાં એક પણમાં વિવેકપણું જોવા મળ્યું નથી. આપણા મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે સમગ્ર રાષ્ટ્રને એક કરવા નીકળ્યા છીએ ત્યારે સામાન્ય બાબતને લઇને વિવાદને વધુને વધુ વિકરાળ ન બનાવીએ. આજુબાજુના દેશો આપણા પર આક્રમણ કરી રહ્યા છે ત્યારે સમગ્ર રાષ્ટ્રને એક થવાની જરૂર છે. દરમ્યાન હાસ્યકલાકાર સાંઇરામ દવેએ જણાવ્યું હતું કે, બાપુ મારા માટે ભગવાન છે. બાપુની કરૂણા કિન્નરો સુધી પહોંચી છે ત્યારે બાપુ માટે કેટલી સન્માનની વાત કહેવાય.

બાપુ માફી માગે તેવી કાગારોળ જાગી છે ત્યારે મને કલાકાર તરીકે મને દુઃખ થાય છે. સોશિયલ મીડિયામાં રોજ નવા નવા વીડિયો મુકીને આ વિવાદમાં ઘી હોમવાનું કામ ન કરીએ તેવી મારી પ્રાર્થના છે. આપણે રોજ નવા મેસેજ મુકીને આગને હવા દેવાનું કામ કરી રહ્યા છીએ. તો, લોકગાયક કિર્તિદાન ગઢવીએ જણાવ્યું હતું કે, હિન્દુઓનો સૌપ્રથમ ધર્મ હોય તો તે સનાતન ધર્મ છે. બાપુને કોઇ ધર્મ સાથે વાંધો વિરોધ નથી. કોઇને ઠેસ પહોંચે અને વાદવિવાદ થાય તેવું નિવેદન બાપુ ક્યારેય કરતા નથી. પ્રમુખસ્વામીનો દેહવિલય થયો ત્યારે છેલ્લી આરતીમાં બાપુને જોયા હતા. આપણે ચેતવું જોઇએ કે હિન્દુઓની વસ્તી વિશ્વમાં ખૂબ ઓછી છે. આપણે અંદરો અંદર વાદ વિવાદ કરીએ તો આનો અંત ક્યારે આવશે. બાપુ તો મારા જેવા કેટલાય કલાકારોનો બાપ છે.

 

Share This Article