અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે એક દિવસની યાત્રાએ ગુજરાતમાં આવી પહોચ્યા હતા. ત્રણ કાર્યક્રમના ભાગરૂપે પહોંચેલા મોદી તરત જ કાર્યક્રમમાં વ્યસ્ત બની ગયા હતા. સુરત વિમાનીમથકે પહોંચ્યા બાદ તેમનુ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત ભાજપના અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ મોદી હેલિકોપ્ટર મારફતે વલસાડના જુજવા ખાતે પહોંચ્યા હતા. જ્યાં મોદીએ સૌથી પહેલા તો ૬૦૦ કરોડના પાણી પુરવઠા યોજના અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ સભા સ્થળે પહોંચ્યા હતા.
હજારો લોકોએ મોદીનુ મોબાઇલ ટોર્ચથી સ્વાગત કર્યુ હતુ. મોદીએ ૬૦૦ કરોડના અસ્ટોલ પાણી પુરવઠા યોજનાનુ ખાતમુહુર્ત કર્યુ હતુ. ત્યારબાદ મોદીએ ગ્રામીણ આવાસ યોજના હેઠળ ૧૧૫૫૫૧ લાભાર્થીઓને ઇ-ગૃહ પ્રવેશ આપ્યો હતો. બે લાખ લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી જાડાઇને તેમની સાથે વાત કરી હતી. મોદીના કાર્યક્રમને લઇને પહેલાથી જ તમામ તૈયારી કરી લેવામાં આવી હતી. સવારમાં જુદા જુદા કાર્યક્રમમાં ભાગ લીધા બાદ મોદી ૨-૨૫ વાગ્યે જૂનાગઢ પોલીસ ટ્રેનીંગ કોલેજ મેદાન ખાતે આવી પહોંચશે. જૂનાગઢમાં તેઓ રૂ.૨૭૫ કરોડના ખર્ચે બનેલી ૩૦૦ બેડ ધરાવતી અદ્યતન સિવિલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. આ સાથે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પોલીટેકનીક ઇન એગ્રો પ્રોસેસીંગ બિલ્ડીંગ, નવી ફિશરીઝ કોલેજની ગર્લ્સ હોસ્ટેલનું પણ ઉદ્ઘાટન કરશે. તો, સોરઠ જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નવા મિલ્ક પ્રોસેસીંગ પ્લાન્ટનું લોકાર્પણ અને જૂનાગઢ મહાનગરપાલિકાના ત્રઇ વિકાસ કામોના ભૂમિપૂજન-લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરસભાને સંબોધન કરશે.
વડાપ્રધાન એક જ દિવસમાં જૂનાગઢમાં રૂ.૪૫૦ કરોનડા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ- ભૂમિપૂજન સંપન્ન કરવાના છે. જૂનાગઢમાં આ કાર્યક્રમો પૂર્ણ કરી તેઓ ગાંધીનગર જવા રવાના થશે. ગાંધીનગરમાં સાંજે ૬-૦૦ કલાકે યોજાનારા ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પીએમ ઉપસ્થિત રહેશે અને વિદ્યાર્થીઓને પદવી અને મેડલ્સ એનાયત કરી દીક્ષાંત પ્રવચન પણ આપશે. ત્યારબાદ વડાપ્રધાન સાંજે ૭-૩૦ વાગ્યે રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં તેઓ ભાગ લેશે. જેમાં ટ્રસ્ટના પ્રમુખ કેશુભાઈ પટેલ અને એલ.કે.અડવાણી પણ હાજર રહેશે.
આ પછી ભાજપના સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરવા ડિનર ડિપ્લોમસી યોજાશે. જેમાં ૨૦૧૯માં યોજાનારી લોકસભા ચૂંટણી સાથે વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે પરામર્શ કરી વડાપ્રધાન મોદી ભાજપના નેતાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. ત્યારબાદ રાત્રિ ભોજન લઇ ૯.૦૦ વાગે પીએમ અમદાવાદ હવાઇમથકેથી ભારતીય વાયુદળના વિમાનમાં દિલ્હી જવા રવાના થશે. વડાપ્રધાનના આવતીકાલની મુલાકાતને લઇ રાજય સરકાર, ભાજપના નેતાઓ અને તંત્રના અધિકારીઓએ જરૂરી તમામ તૈયારીઓ કરી રાખી છે. મોદીની ગુજરાત યાત્રા પર વિપક્ષી કોંગ્રેસ પાર્ટીની પણ નજર કેન્દ્રિત થઇ ગઇ છે. અગાઉ મોદી પહોંચે તે પહેલા જ સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી હતી. સાથે સાથે ટ્રાફિકની વ્યવસ્થામા પણ ફેરફાર કરવામાં આવ્યા હતા. મોદીના કાફલાના માર્ગ પર કેટલીક ખાસ વ્યવસ્થા કરાઇ હતી.