ભારતનો અવાજ શિખર બેઠકમાં બુલંદ રહ્યો હતો. આતંકવાદ, જળવાયુ પરિવર્તન, ફરાર આર્થિક અપરાધીઓની સામે કાર્યવાહી કરવા માટે વિશ્વ સમુદાય દ્વારા એકતા દર્શાવવા માટેની રજૂઆત ભારત દ્વારા જારદાર રીતે કરવામાં આવી હતી. આ તમામ મુદ્દા પર ભારતે ચિંતા વ્યક્ત કરી હતી. આવા તમામ મુદ્દા પર સભ્ય દેશો ભારતની સાથે ઉભેલા દેખાયા હતા. શિખર બેઠકના ભાગરૂપે ભારતે દ્ધિપક્ષીય બેઠકો પણ યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા સહિતના જુદા જુદા દેશોના વડા સાથે દ્ધિપક્ષીય બેઠક યોજવામાં સફળ રહ્યાહતા. જેમાં તમામ સંવેદનશીલ મુદ્દા છવાયા હતા. ભારતની દ્ધિપક્ષીય અને ત્રિપક્ષીય બેઠક પણ મહત્વપૂર્ણ રહી છે. મોદીએ સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે ત્રાસવાદ આજે માનવતા સામે સૌથી મોટા પડકાર તરીકે છે.
આ ગાળા દરમિયાન વેપાર અને ચાર્જ જેવા મુદ્દા પર અમેરિકા સાથે ચાલી રહેલી ખેંચતાણનો મુદ્દો પણ ચમક્યો હતો. આ ખેંચતાણને દુર કરવા માટે અમેરિકાના વલણમાં નરમી પણ જોવા મળી હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી વચ્ચેની બેઠક પણ ઉપયોગી રહી હતી. બંને દેશો વચ્ચે ટેરિફને લઇને ઉભા થયેલા વિવાદનો ઉકેલ આવવા માટેની આશા પણ જાગી છે. શિખર બેઠકના ભાગરૂપે મોદીની ટ્રમ્પ સાથેની સફળ બેઠક રહી હતી. મોદી સાથે વાતચીતથી કલાકો પહેલા જ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે ભારત દ્વારા અમેરિકી નિકાસ પર વધારી દેવામાં આવેલા ચાર્જ અમંરિકાને સ્વીકાર્ય નથી.
ભારતે આ ચાર્જ પરત લેવા જોઇએ. મતભેદને દુર કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. બેઠકમાં સારી બાબત એ રહી હતી કે ટ્રમ્પના શરૂઆતી કઠોર તેવર છતાં દ્ધિપક્ષીય વાતચીત સાનુકુળ માહોલમાં યોજાઇ હતી. વાતચીતમાં બંને દેશોનાએ વેપાર ચાર્જ જેવા જટિલ મુદ્દાઓને ઉકેલવા માટે વાણિજ્ય પ્રધાનોની ટુંકમાં બેઠક યોજવાની જાહેરાત કરી હતી. ભારતે અમેરિકા સાથેની વાતચીતમાં ઇરાન પાસેથી તેલ ન ખરીદવા માટેની અમેરિકાની ઇચ્છાના સંબંધમા પણ પોતાની વાત જોરદાર રીતે રજૂ કરી હતી. પોતાની ઉર્જા ક્ષેત્રની જરૂરિયાતો અને અન્ય મુદ્દા પણ રજૂ કર્યા હતા. અમેરિકા અને ઇરાન પરમાણુ કાર્યક્રમને લઇને એટલા આક્રમક બનેલા છે કે બંને દેશો વચ્ચે યુદ્ધ સુધીની સ્થિતી ઉભી થઇ ગઇ છે