મોદીએ માતા હીરાબાને મળી ફરી વખત મેળવેલા આશીર્વાદ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રીથી બન્યા બાદ દેશના વડાપ્રધાન બનવા છતાં નરેન્દ્ર મોદી દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન હોવાછતાં એક પુત્ર તરીકેની ફરજ તેઓ કયારેય ચૂકતા નથી. વાયબ્રન્ટ ગુજરાતના ઉદ્‌ઘાટન સહિતના અનેક ભરચક કાર્યક્રમો અને ટાઇટ શીડ્‌યુલ વચ્ચે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના માતા હીરા બાને ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને મળવા પહોંચી ગયા હતા અને તેમને ચરણવંદન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. મોદીએ માતા હીરા બાના ખબર અંતર પૂછયા હતા અને બાદમાં હજીરા ખાતે તેમના નિયત કાર્યક્રમ માટે નીકળી ગયા હતા. માતા-પુત્રના મિલનની ઘટના આજે ફરી એકવાર સમાચાર માધ્યમમોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બની રહી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૧૭મી જાન્યુઆરીથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આજે તેમના ગુજરાતમાં રોકાણના ત્રીજા અને અંતિમ દિવસે તેઓ તેમના વ્યસ્ત શેડ્‌યુલમાંથી સમય કાઢીને હજીરા જતા પહેલા ગાંધીનગર સ્થિત તેમનાં માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. મોદીએ તેમના માતા હીરા બાના ખબર અંતર પૂછી હળવી ગુફતગૂ કરી હતી. વડાપ્રધાનનો માતાને મળી, તેમને પગે લાગી આશીર્વાદ મેળવવાનો તેમનો આ આગવો અંદાજ સમાજ અને સમગ્ર દેશમાં પુત્રધર્મની અનોખી પ્રેરણા પૂરી પાડે છે કે, માણસ ગમે તેટલા ઉંચા હોદ્દા કે સ્થાન પર સન્માનિત થાય પરંતુ પુત્ર આખરે માતા માટે પુત્ર જ રહે છે અને માતાના આશીર્વાદ થકી જ તેનું અસ્તિત્વ છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ ગુરુવારે ગાંધીનગર ખાતે ટ્રેડ શોનું ઉદ્‌ઘાટન કર્યું હતું, તેમજ અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું લોકાર્પણ તેમજ શોપિંગ ફેસ્ટિવલને ખુલ્લો મૂક્યો હતો. મોદીએ રાત્રિ રોકાણ ગાંધીનગર ખાતે રાજભવનમાં કર્યું હતું. એ પછી ગઈકાલે તેઓએ નવમી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્‌ઘાટન કર્યું હતું. મોદીનાં માતા વૃદાંવન બંગલો વિભાગ- ૨ રાયસણ, ગાંધીનગર ખાતે રહે છે. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે મોદી ગુજરાત મુલાકાત વખતે તેમના માતાના મળીને તેમના ખબર અંતર પૂછતા હોય છે. બે દિવસના વાઇબ્રન્ટ સમિટના વ્યસ્ત શેડ્‌યૂલના કારણે તેઓ માતાને મળી શક્યા ન હતા એટલે આજે સવારે તેઓ માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. પીએમ મોદીના ભાઈ ગાંધીનગરમાં જ રહે છે. મોદીનાં માતા હીરાબા મોદીના ભાઈ સાથે અહીં રહે છે. વૃંદાવન બંગલોની આસપાસ તાજેતરમાં જ સફાઈ કરવામાં આવી હતી. ગુરુવારથી જ બંગલાની આસપાસ સાફ સફાઈ કરવામાં આવી ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે મોદી ગમે તે ઘડીએ તેમનાં માતાને મળવા માટે વૃંદાવન બંગલોની મુલાકાત લેશે અને અપેક્ષા મુજબ, મોદી માતાને મળી તેમના આશીર્વાદ મેળવી આગળના કાર્યક્રમ માટે રવાના થઇ ગયા હતા.

Share This Article