અમદાવાદ : ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના કોંગી ધારાસભ્ય ભગવાન બારડને સૂત્રાપાડા કોર્ટે ખનીજ ચોરીના ચકચારભર્યા કેસમાં બે વર્ષ અને ૯ મહિનાની આકરી સજા ફટકારી છે. કોર્ટના આ ચુકાદાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો, બીજીબાજુ, રાજકીય વર્તુળમાં પણ આ સમાચારને પગલે ભારે ગરમાવો આવી ગયો હતો. ખાસ કરીને કોંગ્રેસના વર્તુળમાં ભારે ચિંતાની લાગણી ફરી વળી હતી.
જો કે, નીચલી કોર્ટના આ હુકમ સામે કોંગી ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા હવે ઉપલી અદાલતમાં અપીલ કરાય તેવી શકયતા છે. ૧૯૯૫માં સરકારી ગૌચર જમીનમાંથી ૨.૮૩ કરોડની ખનીજ ચોરીના ચકચારભર્યા કેસમાં સૂત્રાપાડા કોર્ટે ચુકાદો જાહેર કરી ધારાસભ્ય ભગવાન બારડને બે વર્ષ અને નવ મહિનાની સખત કેદની સજા ફટકારી હતી. જેને પગલે રાજકીય વર્તુળમાં ભારે ચકચાર મચી ગઇ છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના કોંગી ધારાસભ્ય ભગવાન બારડને ખનીજ ચોરીનાં ગુનામાં સુત્રાપાડા કોર્ટે સજા ફટકારતાં કોર્ટ પ્રાંગણમાં પણ વકીલો-પક્ષકારોમાં પણ આ જ ચુકાદાની ચર્ચા નજરે પડતી હતી.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૯૫માં સુત્રાપાડાની સરકારી ગોચર જમીનમાંથી ૨.૮૩ કરોડની ખનીજ ચોરીના ચકચારભર્યા પ્રકરણમાંકોંગી ધારાસભ્ય ભગવાન બારડ સહિતના સંબંધિત લોકો સામે આઈપીસી-૩૭૯ અને ૪૨૦ મુજબ ગુનો નોંધાયો હતો. જે ગુનામાં આજે સુત્રાપાડાની જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ૨ વર્ષ ૯ મહિનાની સજા ફટકારી છે. આમ કોંગી ધારાસભ્યને સજા મળતા કોંગ્રેસમાં પણ ચુકાદાને લઇ ઘેરા પ્રત્યાઘાત સામે આવ્યા હતા.