મધ્યાહન ભોજનની યોજનાના કામોમાં કામ દીઠ મર્યાદા રૂા.૫૦ હજાર કરવામાં આવી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સરકારની વિવેકાધીન યોજના, પ્રોત્સાહક યોજના અને એટીવીટી યોજના તથા ધારાસભ્યોની ગ્રાન્ટના લોકોપયોગી કામો સુવિધાઓનો વ્યાપ વધારવાનો પ્રજાભિમુખ નિર્ણય કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે નવા કામોના ઉમેરા સાથે કેટલાક પ્રવર્તમાન કામોની મર્યાદા વધારવાના દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે.

ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મંત્રીઓ સર્વ ગણપતસિંહ વસાવા, પ્રદિપસિંહ જાડેજા અને જયદ્રથસિંહ પરમારની બનેલી સમિતિ સમક્ષ આવાં કામોની યાદીમાં સુધારા-વધારા કરવા માટે મળેલી રજૂઆતોનો સાનુકૂળ-સકારાત્મક પ્રતિસાદ આપતાં વિજયભાઇ રૂપાણીએ લોકોપયોગી કામો અને સુવિધાનો વ્યાપ વધારવાનો આ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર વિવેકાધીન યોજના અને પ્રોત્સાહક યોજના હેઠળ જાહેર સ્નાનઘર, પ્રાથમિક શાળાઓમાં આર.ઓ.પ્લાન્ટ, પ્રાર્થના-સમુહ કવાયત જેવી સામુહિક પ્રવૃત્તિઓ માટે સાદા શેડ જેવા કામો ઉમેરવામાં આવ્યા છે. તમામ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂા.૭ લાખની મર્યાદામાં આંગણવાડીના કામો તેમજ ગામ દીઠ એક પક્ષીઘરના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એટીવીટી યોજના હેઠળ પ્રાથમિક શાળાઓમાં આર.ઓ. પ્લાન્ટ, જાહેર કુવાઓની સંરક્ષણ દિવાલ અને પ્રોકટેશન નેટ, સ્મશાનગૃહના કામો, પ્રાથમિક શાળાઓમાં પ્રાર્થના-સમુહ કવાયત જેવી સામુહિક પ્રવૃત્તિઓ માટે સાદા શેડના કામો, ગ્રામ પંચાયતમાં તેમજ જાહેર રસ્તાઓ અને જાહેર સ્થળોએ પેવરબ્લોકના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત વિવેકાધીન યોજના હેઠળ મધ્યાહન ભોજનની યોજનાના કામોમાં કામ દીઠ મર્યાદા રૂા. ૨૫ હજારથી વધારીને રૂા.૫૦ હજાર કરવામાં આવી છે તેમજ પ્રાથમિક શાળાઓમાં લાઇબ્રેરીમાં પુસ્તકો અને કબાટ ખરીદવાની રૂા.૫૦ હજારની મર્યાદામાં વધારો કરીને રૂા. ૧ લાખ કરવામાં આવી છે.

આ યોજનામાં સરકારી હોસ્પિટલોમાં નિદાન તેમજ સારવારના સાધનો પૂરા પાડવાની એક વારની મર્યાદા દૂર કરવામાં આવી છે.

Share This Article