WPL 2024: માઈક્લ ક્લિન્ગર અદાણી ગુજરાત જાયન્ટ્સનાં નવા હેડ કોચ બન્યા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સિઝન અગાઉ ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ ક્રિકેટર માઈકલ ક્લિંગરની અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીવાળી ગુજરાત જાયન્ટ્સનાં હેડ કોચ તરીકે વરણી કરવામાં આવી છે. વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝન બેંગલુરુ અને નવી દિલ્હીમાં યોજાશે. આ ટૂર્નામેન્ટનો પ્રારંભ 23 ફેબ્રુઆરીથી એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમથી થશે. માઈકલ ક્લિંગર પૂર્વ ભારતીય ક્રિકેટર મિતાલી રાજ સાથે મળીને કામ કરશે, જેઓ ટીમનાં મેન્ટર અને સલાહકાર છે. જ્યારે નૂશીન અલ ખદીર ટીમની બોલિંગ કોચ તરીકે કાર્યરત રહેશે.

ક્લિંગરે હાલમાં જ વિમેન્સ બીગ બેશ લીગમાં ચોથા ક્રમે રહેનારી સિડની થંડર ટીમનાં આસિસ્ટન્ટ કોચ તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત તેઓ થંડર સાથે હાલમાં સંકળાયેલા ફોબે લિચફિલ્ડ સાથે કામ કરી ચૂક્યા છે, તેઓ મેલબોર્ન રેનેગેડ્સની પુરુષ ટીમ સાથે 2019 થી 2021 દરમિયાન હેડ કોચ તરીકે સેવા આપી ચૂક્યા છે.

ક્લિંગર પુરુષ બિગ બેશ લીગમાં દિગ્ગજ ખેલાડી તરીકે જાણીતા બન્યા બાદ 2019માં નિવૃત્ત થયા હતા. ક્લિંગરે નિવૃત્તિ લીધી ત્યારે તેઓ બિગ બેશના હાઈએસ્ટ રન સ્કોરર હતા. તેમના રમતનાં વિવિધ પાસા સાથેનો અનુભવ ગુજરાત જાયન્ટ્સની ટીમ માટે લાભદાયી રહેશે.

હેડ કોચ તરીકે નિમણૂંક મેળવ્યા બાદ, માઈકલ ક્લિંગરે કહ્યું કે,”ગુજરાત જાયન્ટ્સ ટીમ પાસે વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનમાં કંઈ ખાસ કરી બતાવવાની તક રહેલી છે. હું ભારતમાં મહિલા ક્રિકેટ ક્ષેત્રે ક્રાંતિ લાવનારી દિગ્ગજ ખેલાડી મિતાલી રાજ સાથે કામ કરવા માટે ઉત્સુક છું. અદાણી સ્પોર્ટ્સ લાઈન, મિતાલી રાજ અને અન્ય ટીમ સાથે મળીને અમે ટીમને સફળતાનાં શિખરે પહોંચાડવાનો પ્રયાસ કરીશું.”

ક્લિંગરની નિમણૂંક વિશે ટીમની મેન્ટર અને સલાહકાર મિતાલી રાજે કહ્યું કે,”માઈકલનાં ટીમ સાથે જોડાવવા પર ગુજરાત જાયન્ટ્સનાં ખેલાડીઓ પાસે મેદાન પર શ્રેષ્ઠ પ્રદર્શન કરાવવામાં મદદ મળશે. બેટર તરીકેની તેમની વિશેષતાનો લાભ ગુજરાત જાયન્ટ્સની અમુક યુવા ખેલાડીઓની રમતમાં સુધાર માટે કરી શકાશે. અમે ક્લિંગરને ડ્રેસિંગ રૂમમાં સાથે કામ કરવા ઉત્સુક છીએ. તેમના હેડ કોચ તરીકે સફળતાનાં માર્ગે આગળ વધવાની આશા છે.” અદાણી સ્પોર્ટ્સ લાઈનનાં સીબીઓ સંજય અદેસરાએ કહ્યું કે,”માઈકલ ક્લિંગર એ ગુજરાત જાયન્ટ્સ અને અદાણી સ્પોર્ટ્સ લાઈન ફેમિલી માટે મહત્ત્વપૂર્ણ જોડાણ છે.  ક્લિંગર બિગ બેશ લીગમાં કોચ અને ખેલાડી તરીકે ક્ષમતા દેખાડી ચૂક્યા છે. ક્લિંગર ટીમને આગામી સિઝન ઉપરાંત વિમેન્સ પ્રીમિયર લીગમાં આવનારા વર્ષોમાં મદદરૂપ થશે. તેઓ મિતાલી રાજ સાથે મળીને કામ કરશે અને બંને દિગ્ગજ ટીમને શ્રેષ્ઠતાનાં માર્ગે આગળ વધારશે.”

Share This Article