સાબરમતી પર ૨૫૦ મીટર લાંબો બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ
મેટ્રો પ્રોજેકટમાં મહત્વપૂર્ણ કામગીરીની વાત કરીએ તો, ઈસ્ટ વેસ્ટ કોરીડોર માટે સાબરમતી નદી પર ૨૫૦ મીટર લાંબો બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. સાબરમતી નદી પર બ્રિજ તૈયાર કરવા શાહપુર શંકરભુવન નજીક નદીમાં ટેમ્પરરી બ્રિજ તૈયાર કરી તેની મદદથી પ્લેટફોર્મ તૈયાર કરાયું છે. આ પ્લેટફોર્મ પરથી મેટ્રો માટે બ્રિજ તૈયાર કરાશે. શંકરભુવનથી દિનેશ હોલ સુધી નદીના પટમાં બ્રિજ માટે ૬ પિલર તૈયાર કરાશે. આ સંપૂર્ણ કામગીરી જૂન ૨૦૧૯ સુધીમાં પૂર્ણ કરવાનું મેગા કંપનીનું આયોજન છે.
અમદાવાદીઓ આ વર્ષે મેટ્રો ટ્રેનની મુસાફરી નહીં માણી શકે
મુખ્યમંત્રીની મુલાકાત અને સમીક્ષા બાદ એક વાત સ્પષ્ટ થઇ ગઇ કે, અમદાવાદીઓ આ વર્ષે તો મેટ્રો ટ્રેનની મુસાફરી માણી શકશે નહી. ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલથી થલતેજ સુધી અને નોર્થ-સાઉથ કોરિડોરમાં એપીએમસીથી મોટેરા વચ્ચે મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઓક્ટોબર-૨૦૧૮ સુધીમાં સૌથી પહેલી ટ્રેન ઈસ્ટ-વેસ્ટ કોરિડોરના વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધી દોડતી થવાનો દાવો મેગા કંપનીએ વ્યક્ત કર્યો હતો પરંતુ તે પૂર્ણ થવાની શક્યતા નહીંવત છે. જ્યારે ફેઝ-૧નું સંપૂર્ણ કામ ૨૦૧૯ સુધીમાં પૂરી કરી દેવામાં આવશે. એપેરલ પાર્કથી શાહપુર વચ્ચેના ૬.૩૩ કિલોમીટર લાંબા વિસ્તારમાં મેટ્રો દોડાવવા ખાસ ટનલ બનાવાશે. જ્યારે અન્ય તમામ વિસ્તારોમાં એલિવેટેડ કોરિડોરમાં મેટ્રો દોડશે.
ઓક્ટોબર મહિના સુધીમાં ૬૦ ટકા કામ પુરું કરી દેવાશે
આ જ પ્રકારે મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં ૧૩ એલિવેટેડ સ્ટેશન, ૪ સ્ટેશન ટનલમાં ઊભા કરાશે. જ્યારે નોર્થ-સાઉથ કોરિડોરમાં કુલ ૧૫ એલિવિટેડે સ્ટેશન ઊભા કરાશે. એપેરલ પાર્ક તેમજ ગ્યાસપુર ખાતે ડેપો અને મેઈનટેન્સ ડેપો બનાવાશે. ઓક્ટોબર ૨૦૧૮ સુધીમાં વસ્ત્રાલથી એપેરલ પાર્ક વચ્ચે મેટ્રો દોડાવવા લગભગ ૬૦ ટકા કામ પૂરું કરી દેવામાં આવ્યું છે. એલિવેટેડ કોરિડોર અને સ્ટેશન પણ તૈયાર કરી દેવાયા છે.
મેટ્રો પ્રોજેકટ કામગીરી
- ૬.૪૦ કિલોમીટર લાંબી બન્ને ટનલ વચ્ચે લગભગ ૬.૫૦ મીટર અંતર રહેશે
- ૧૦૦ મીટર એક ટનલની કામગીરી પૂર્ણ થયા બાદ બીજીની કામગીરી શરૂ થશે
- ૨.૪૦ કિલોમીટર રૂટ પર ૧.૬૫ કિલોમીટર લાંબી ટનલ બનાવાશે
- ૨૬૦ મીટરનું સ્ટેશન કાંકરિયા ખાતે બનાવાશે
- ૨૨૦ મીટરનું સ્ટેશન કાલુપુર ખાતે બનાવાશે
- ૩.૩૦ કિલોમીટર લાંબી ટનલ કાલુપુરથી શાહપુર સુધી તૈયાર કરાશે
- ૩૦૦થી ૩૫૦ મીટર અંતરે ટનલમાં હવાની અવર જવર માટે વેન્ટિલેશનની સુવિધા
- ૧.૨૦થી ૧.૪૦ મીટર લાંબા અને ૨૭૫ મિલીમીટરની થિકનેસ ધરાવતા સેગમેન્ટ
- ૬.૩૫ મીટર ટનલની બહારનો ડાયામીટર