અમદાવાદ : મેટ્રો રેલ શરૂ થાય તેની અમદાવાદીઓ ઘણાં લાંબા સમયથી આતુરતાભેર રાહ જોતા હતા. આજે સવારથી મેટ્રો રેલનો શહેરીજનો માટે સત્તાવાર રીતે પ્રાંરભ થતાં આ આતુરતાનો અંત આવ્યો હતો. મેટ્રો રેલની મુસાફરીનો રોમાંચ માણવા માટે વહેલી સવારથી લોકોએ લાઇનો લગાવી હતી. મેટ્રો રેલમાં બેસવાના ઉત્સાહમાં લોકોએ એક તબક્કે રીતસરની પડાપડી કરી હતી. મેટ્રોની રોમાંચક અને અદ્ભુત સફર માણ્યા બાદ અમદાવાદીઓ ભારે ખુશી અને ઉત્સાહની લાગણી વ્યકત કરી હતી અને મેટ્રોની સેવાના વખાણ કર્યા હતા. તાજેતરમાં જ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વસ્ત્રાલ ગામથી એપરેલ પાર્ક સુધીના મેટ્રો રેલના ૬.પ૦ કિ.મી. લાંબા રૂટનું લોકાર્પણ કર્યા બાદ આજે શહેરીજનો માટે તેનો વિધિવત્ પ્રારંભ કરાયો હતો.
શરૂઆતના નવ દિવસ માટે તમામ શહેરીજનો માટે મેટ્રોની મુસાફરી ફ્રીમાં એટલે કે, વિનામૂલ્યે રાખવામાં આવી છે, જેને લઇ આજે વહેલી સવારથી જ નાગરિકોએ મેટ્રો રેલની સફર માણવા લાંબી લાઇનો લગાવી દીધી હતી. આજે સવારે ૧૦ વાગ્યે વસ્ત્રાલ ગામ સ્ટેશનથી એપરેલ પાર્ક વચ્ચે શહેરની પ્રથમ મેટ્રો રેલ દોડતી થઇ હતી. મેટ્રો રેલના પ્રથમ તબક્કા હેઠળ વસ્ત્રાલ ગામ સ્ટેશનથી એપરલ પાર્ક સુધીનો પાઇલટ પ્રોજેકટને તંત્ર દ્વારા આજથી અમલમાં મુકાયો હતો. ગઇકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમંગ સ્કૂલના બહેરા-મૂંગા બાળકો સાથે વસ્ત્રાલ ગામથી નિરાંત ચોકડી સુધી ટ્રેનની મુસાફરી કર્યા બાદ આજે ૬૮ વર્ષીય અરવિંદ પ્રજાપતિ મેટ્રો રેલની ફ્રી ટિકિટ પાસ મેળવનાર પ્રથમ પેસેન્જર બન્યા હતા. સત્તાવાળા દ્વારા આજથી સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી વસ્ત્રાલ ગામ સ્ટેશનેથી એપરલ પાર્ક સુધી એક ટ્રેન દોડાવાઇ હતી.
આ ટ્રેન દર પ૦ મિનિટે પેસેન્જર્સને મળી રહેશે તેમજ અન્ય કોઇ સત્તાવાર જાહેરાત નહીં થાય ત્યાં સુધી વચ્ચેના એક પણ સ્ટેશને રોકાશે નહીં. શહેરીજનો આજથી નવ દિવસ સુધી મેટ્રો રેલની ફ્રી મુસાફરી કરી શકશે પરંતુ પેસેન્જર્સને ફ્રી ટિકિટ પાસ લેવી પડશે. ફ્રી ટિકિટ પાસ લેનાર પેસેન્જર્સ મેટ્રો રેલમાં મુસાફરી કરી શકશે. તંત્ર દ્વારા ર.પ કિ.મી. સુધી રૂ.પનું ભાડું અને ર.પ કિ.મી. થી ૭.પ કિ.મી. સુધીનું ભાડું રૂ.૧૦ રખાયું છે. પેસેન્જર્સ રૂ.૬૦માં દૈનિક પાસ અને રૂ.૧પ૦માં ત્રણ દિવસનો પાસ મેળવી શકશે. એએમટીએસ અને બીઆરટીએસ જેવી અન્ય જાહેર પરિવહન સેવામાં બાળકોની હાફ ટિકિટ માટે ઉંમરને ધ્યાનમાં રખાઇ છે. પરંતુ મેટ્રો રેલમાં ત્રણ ફૂટ નીચેની ઉંચાઇવાળાં તમામ બાળકો વિના મૂલ્યે પ્રવાસ કરી શકશે.
આમ મેટ્રો રેલમાં ઉંમરને બદલે ઉંચાઇ આધારિત હાફ ટિકિટ ઇસ્યુ કરાશે. આ ઉપરાંત અમદાવાદીઓ મેટ્રો રેલમાં પાણીની બોટલ અને હેન્ડ પર્સ સિવાય અન્ય કોઇ સામાન લઇને મુસાફરી કરી શકશે નહીં. દરેક કોચમાં મહિલા અને દિવ્યાંગો માટે અલગ રિઝર્વ સીટ રખાઇ છે તેમજ દિવ્યાંગો અને અશક્તો માટે કોચમાં વ્હીલચેર આવી શકે તેવી સુવિધા છે. તમામ સ્ટેશન પર ઓટોમેટિક ફેર કલેકશન ડોર હોવાથી ટિકિટ ચેકરની વ્યવસ્થા રખાઇ નથી કેમ કે ટિકિટ સ્કેન કર્યા પછી જ પેસેન્જર સ્ટેશનમાં પ્રવેશી શકશે કે બહાર નીકળી શકશે.
જોકે હાલમાં વિદ્યાર્થી, દિવ્યાંગ અને સિનિયર સિટિઝન માટે ટિકિટમાં કોઇ કન્સેશનની જાહેરાત કરાઇ નથી. મેટ્રો રેલના રૂટમાં વસ્ત્રાલ ગામથી નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઇવાડી અને એપરલ પાર્ક એમ કુલ છ સ્ટેશનનો સમાવેશ થાય છે. હાલમાં ત્રણ કોચની ટ્રેન દોડાવાશે અને એક કોચમાં ર૮૦ થી ૩૦૦ મુસાફરો મુસાફરી કરી શકશે. ટ્રેનના દરેક કોચની બંને બાજુએ આવેલી સીટમાં ૪૦ થી પ૦ મુસાફર સરળતાથી બેસી શકશે. તા.૧પ માર્ચ બાદ બીજી ટ્રેન શરૂ કરાય તેવી શક્યતા છે. ત્યારબાદ પેસેન્જર્સને દર ર૦ મિનિટે ટ્રેન મળી રહેશે. આ ઉપરાંત આજથી મણિનગર રેલવે સ્ટેશન પૂર્વથી એપરેલ પાર્ક સુધી એએમટીએસ બસની ફીડર સેવા તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાઇ છે. મણિનગર રેલવે સ્ટેશન પૂર્વથી એપરલ પાર્ક જવા પેસેન્જર્સને સવારે ૬ થી રાતના ૯ વાગ્યા સુધી દર ર૦ થી ૩૦ મિનિટમાં ફીડર બસ પણ મળી રહેશે.