મહેસાણા : ખેરાલુ તાલુકાના પાંછા ગામે દારૂબંધીને લઈને ગ્રામજનોએ એક અનોખો અને કડક નિર્ણય લીધો છે. રાત્રે યોજાયેલી ગ્રામસભામાં સમસ્ત ગામે વ્યસનમુક્તિનો શપથ લેવાયો હતો. આ બેઠકમાં નક્કી કરાયું કે જો કોઈ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં પકડાશે તો તેને પહેલા જાહેરમાં ખાસ બનાવવામાં આવેલા ‘પાંજરા’માં પૂરવામાં આવશે અને ત્યારબાદ કાયદેસર કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવશે.
ગ્રામસભામાં લેવાયેલા ઠરાવ મુજબ, ગામમાં દારૂ પીવાનું કે વેચાણ કરવાનું સંપૂર્ણપણે બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ નિર્ણય અમલમાં મૂકવા માટે ગામમાં ખાસ એક ‘પાંજરું’ બનાવવાનો ઠરાવ પણ પસાર થયો છે, જેથી દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા શખ્સને જાહેરમાં રાખી અન્ય લોકો માટે ચેતવણીરૂપ ઉદાહરણ ઉભું કરી શકાય.
આ બેઠકમાં સરપંચ સહિત ગામના આગેવાનો હાજર રહ્યા હતા. તેમણે ગ્રામજનોને ખાતરી આપી હતી કે આ નિર્ણયનો કડક અમલ કરાશે અને કોઈને પણ છૂટછાટ આપવામાં નહીં આવે. ખાસ કરીને યુવાનોને વ્યસનથી દૂર રાખવા માટે આ પગલું જરૂરી હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું.
સમસ્ત પાંછા ગામને વ્યસનમુક્ત બનાવવા માટે યુવાનો અને વડીલો એકજૂટ બન્યા છે. ગ્રામજનોએ જણાવ્યું કે દારૂના કારણે અનેક પરિવારો બરબાદ થયા છે અને સામાજિક સમસ્યાઓ વધી રહી છે. આથી ગામના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે.
ગ્રામસભાના આ નિર્ણયને લઈને વિસ્તારમાં ચર્ચા શરૂ થઈ છે. એક તરફ કેટલાક લોકો તેને વ્યસન સામે અસરકારક પગલું માને છે, જ્યારે બીજી તરફ કાયદાકીય દ્રષ્ટિએ તેની અમલવારી કેવી રીતે થશે તે મુદ્દે પણ ચર્ચા થઈ રહી છે. તેમ છતાં, પાંછા ગામના ગ્રામજનોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે ગામને વ્યસનમુક્ત બનાવવા માટે કોઈપણ હદ સુધી જવા તેઓ તૈયાર છે.
