ટાઈટલ જરા અજૂકતુ લાગશે…પણ વાત એની જ કરવાની છે…તમે સાંભળ્યુ હશે કે જ્યારે કોઈ તકલીફમાં હોય ત્યારે સ્વજનો તેને હમદર્દી આપે છે. હમદર્દી એટલે એવા બે ચાર શબ્દો જેમાં કહેનાર એવું કહે કે ચાલ્યા કરે… જીવન છે પણ તમે ઘણા કાઠ્ઠા છો હો…કે આવી પરિસ્થિતિમાં પણ અડીખમ રહ્યાં. તમારી જગ્યાએ બીજુ કોઈ હોત તો હિંમ્મત હારી ગયુ હોત. બસ અહીંથી શરૃ થાય છે આખી યાત્રા…આવો જોઈએ.
કાજલનાં લગ્ન નિરજ સાથે ત્રણ વર્ષ પહેલા થયા. મોટાઘરમાં સ્વચ્છંદી રીતે ઉછરેલી કાજલ જ્યારે મધ્યમવર્ગીય નિરજનાં પરિવારમાં આવી ત્યારે ખૂબ ડરેલી હતી. તેની લાઈફસ્ટાઈલ હવે પહેલા જેવી સામાન્ય રહેવાની નહોતી. પિતાનાં ઘરની જાહોજલાલી અને નોકર ચાકર અહીં ઉપલબ્ધ નહોતા. અહીં તો ઘરનું તમામ કામ જાતે જ કરવાનું હતુ. એવુ નહોતુ કે તેને ખબર નહોતી …તેણે પોતાની જાતે જ આ લગ્ન માટે હા પાડી છે.
નિરજ તેને પહેલી નજરે જ ગમી ગયો હતો. લગ્નનાં બે ચાર દિવસમાં જ તેનાં સાસરિયા સમજી ગયા હતા કે કાજલને કંઈ પણ આવડતુ નથી. તેમણે બીજા એડજસ્ટમેન્ટ કરીને પણ ઘરમાં કામવાળી રાખી લીધી. વિચાર્યું કે ધીરે ધીરે બસ રસોઈ શીખી જાય તો પણ બસ છે. ખાસ કરીને કાજલનાં સાસુએ પુરતુ ધ્યાન રાખ્યુ કે કાજલને સાસરીમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. કાજલ મોટા ભાગનો સમય તેના રૂમમાં જ રહેવા લાગી. તેને ઘરનાં લોકો પેમ્પર કરવા લાગ્યા કે બેટા શું પ્રોબલેમ છે…તને કંઈ જોઈતુ કરતુ હોય તો કહેજે…ત્યારે કાજલ કહીં ના બોલે અને પછી તેની ફ્રેન્ડને કોલ કરે અને રોયા કરે કે જોને મને કેટલી તકલીફ છે.
કાજલની આવી કહેવાતી તકલીફ દિવસે દિવસે વધતી રહી…નિરજ તથા ઘરનાં સર્વે તેની તમામ સગવડોનું ધ્યાન રાખતા. લગ્નનાં ત્રણ વર્ષ પછી પણ કાજલ ઘરમાં મહેમાનની જેમ જ રહેતી. નિરજે તેને ખૂબ સમજાવવાની કોશિશ કરી પણ તે કોઈની સાથે ભળવા માગતી નથી. તેણે પહેલ કરીને ઘરનાં સભ્યો સાથે ભળવાની કોશિશ જ ન કરી. હવે કાજલ બધાને ફોન કરી કરીને કહે છે કે જુઓને મારા જીવનમાં કેટલી તકલીફ છે…આ તો હું જ સહન કરી શકું બાકી આવા ઘસાટીયા ઘરમાં રહેવું સહેલી વાત નથી. આ ઘરમાં તો એસી પણ નથી અને હોટલથી કંઈ ખાવાનું પણ ના મંગાવી શકાય. આપણે કહીએ કે કંઈ નવુ ખાવુ છે તો સાસુ જાતે જ બનાવીને આપી દે પણ બહારથી ન મંગાવા દે. મેં છોકરો શોધવામાં બહુ ઉતાવળ કરી દીધી. લગ્નનાં ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા છતાં મને ક્યાંય વિદેશ ફરવા પણ નથી લઈ જઈ શક્યો અરે એ તો છોડો આજ સુધી મારા માટે કોઈ સારી સાડી પણ લાવ્યો નથી. બોલો હું શું કરું ….કેવી રીતે આખી જીંદગી આવા ઘરમાં આવા લોકો સાથે વિતાવું….? તેની ચારેક બહેનપણીઓ જ્યાં સુધી તેની આ કહેવાતી તકલીફને છાવરે નહીં ત્યાં સુધી કાજલને મજા ન આવે….
આ એક એવી વૃત્તિ છે જેને તમે બહારથી જોશો તો કોઈ તકલીફ નથી. આ પ્રકારનાં લક્ષણો એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર ન આવીને નવી વસ્તુનો સ્વીકાર ન કરીને ઉભી કરેલી બાબતો હોય છે. આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકોને રોજેરોજ કોઈની હમદર્દી મેળવવા જોઈએ છે. જો કોઈ હમદર્દી ન આપે તો વ્યાકૂળ થઈ જાય છે અને પોતાની જાતને જ હમદર્દી આપે છે. આ વસ્તુ વ્યક્તિની આદત ક્યારે બની જાય છે તેની તે વ્યક્તિને પણ ખબર રહેતી નથી. તમને તો આવી કોઈ આદત નથી ને…વિચાર કરી જો જો…
-પ્રકૃતિ ઠાકર