અભિનેતા મનોજ બાજપેયીની ફિલ્મ ‘ઇન્સ્પેક્ટર ઝેન્ડે’ 5 સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ. આ ફિલ્મનું નિર્માણ ઓમ રાઉત દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં મનોજ બાજપેયીએ જણાવ્યું હતું કે તેમને સામાન્ય માણસનું પાત્ર ભજવવાનું આટલું ગમે છે. તેમણે કહ્યું, “મને આવા પાત્રો ભજવવાની મજા આવે છે. મને તેમની સાથે એક જોડાણ લાગે છે. મને લાગે છે કે મેં તેમને પહેલા ક્યાંક જોયા છે, ક્યારેક મુંબઈ લોકલમાં મુસાફરી કરતી વખતે, કોઈ ડોક્યુમેન્ટરીમાં કે બીજે ક્યાંક. જ્યારે અમે થિયેટર કરી રહ્યા હતા, ત્યારે અમને સામાન્ય લોકોને કાળજીપૂર્વક જોવાનું શીખવવામાં આવતું હતું”.
મનોજે આગળ કહ્યું, “પછી મેં એક વાર દિગ્દર્શકને કહ્યું કે જો આપણે આવું કરીએ તો લોકો પૂછી શકે છે કે તમે અમને કેમ જોઈ રહ્યા છો. પછી દિગ્દર્શકે મને કહ્યું કે એક અભિનેતાએ લોકોને એવી રીતે જોવું જોઈએ કે તેમને ખબર પણ ન પડે. તેને પોતાના જીવનનો ભાગ બનાવવો જોઈએ. અમે કલાકારો પણ એવું જ કરીએ છીએ. અમે અમારૂ અને બીજાના જીવનનું ધ્યાનથી નિરીક્ષણ કરતા રહીએ છીએ. તેથી જ્યારે પણ મને આવું પાત્ર મળે છે, ત્યારે મને લાગે છે કે મેં તેને ક્યાંક જોયું છે. હું તેની સાથે જોડાઈ શકું છું અને મને કેમેરા સામે તેને ભજવવાની મજા આવે છે.”
ફિલ્મ વિશે વાત કરીએ તો, ‘ઇન્સ્પેક્ટર ઝેન્ડે’ સાચી ઘટનાઓથી પ્રેરિત છે. આ ફિલ્મમાં અભિનેતા મનોજ બાજપેયી અને જીમ સર્ભ મુખ્ય ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મ કુખ્યાત સીરિયલ કિલર ચાર્લ્સ શોભરાજ પર આધારિત છે. ફિલ્મમાં મનોજ બાજપેયી ઇન્સ્પેક્ટર મધુકર ઝેન્ડેનું પાત્ર ભજવતા જોવા મળશે. તેમજ, અભિનેતા જીમ સર્ભ એક ચાલાક ગુનેગાર કાર્લ ભોજરાજનું પાત્ર ભજવી રહ્યા છે, જે ‘સ્વિમસૂટ કિલર’ તરીકે ઓળખાય છે. ફિલ્મમાં પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. ચિન્મય ડી. માંડલેકરે તેને લખ્યું અને દિગ્દર્શિત કર્યું છે.