ચોથા દિવસની કથામાં પ્રવેશ કરતી વખતે બાપુએ કહ્યું કે મારા ભાવનગર પાસેના સમઢીયાળામાં એક પહોંચેલી સ્ત્રી-ગંગાસતી,જેણે એક પદ લખ્યું: શીલવંત સાધુને પાનબાઈ વારે-વારે નમીએ… તો અહીં પણ હું શીલવંત સાધુને વારંવાર પ્રણામ કરું છું કારણકે બળવંત નહીં શીલવંતને પ્રણામ કરવા જોઈએ.શીલવંતની પાછળ બળ,પ્રતિષ્ઠા,ધન અનુગામી બનીને આવે છે.બાપુએ કહ્યું કે ઓમ સત્ય છે અને રામનામ પણ સત્ય છે,આથી બંને એક જ છે! અને રસથી દૂર રહીએ એ કૃષ્ણથી દૂર રહેવા જેવું છે.આપણી સન્યાસી પરંપરાના એક યુગમાં ગાવા વગાડવા અને નૃત્ય કરવા પર પ્રતિબંધ હતો પણ અહીં ગુરુકુળમાં સંગીત શાસ્ત્રનો પણ સ્વીકાર છે,જેનો આનંદ છે.
બાપુએ કહ્યું કે સત્ય પ્રતાપી હોય છે અને પ્રેમ પ્રભાવી હોય છે.
આ સાથે ગુજરાતીના કૃષ્ણ દવેની એક કવિતા કહેતા બાપુએ કહ્યું:
ઘણી મૂરઝાતી પળને ગુલાલ કરી તે;
એક સ્માઇલ આપીને કમાલ કરી તે;
કેવી મધથી ય મીઠી ધમાલ કરી તે!
પતંજલિ વિશ્વવિદ્યાલયના મંચ પર નરસિંહ મહેતાને યાદ કરી અને જ્યારે રાસ રચ્યો ત્યારે બાપુએ વ્યાસપીઠ પરથી ઉતરીને વ્યાસપીઠની મર્યાદા અને મંચના વિવેક સાથે સંગીત સભર તાલ પર ઝૂમ્યા, સમગ્ર હોલના તમામ શ્રોતાજનો તેમજ બાબા રામદેવ પણ બાપુની સાથે રાસમાં જોડાયા હતા.બાપુએ જણાવ્યું કે ઘણા પૂછે છે કે કથા શા માટે અને ક્યાં સુધી કરશો? પિકાસો નામના એક ખૂબ વિખ્યાત ચિત્રકાર રંગ અને કેનવાસ પર ચિત્ર બનાવી રહ્યા હતા એ વખતે એક બુદ્ધિજીવીએ આવીને પૂછ્યું કે ચિત્ર શા માટે બનાવો છો?પિકાસો ચિત્રમાં ડૂબી ગયેલો,કોઈ જવાબ ન મળ્યો.વારંવાર પૂછ્યું ત્યારે બંને હાથથી માથું પીટીને પિકાસોએ ઉપર જોયું એ વખતે એક પક્ષી ઉડીને આવ્યું,એ વખતે પિકાસોએ કહ્યું ત્યાં પંખીને કેમ નથી પૂછતા, કેટલા માટે ઉડે છે!પહાડોને કેમ નથી પૂછતા કે તારા પર આટલી વનસ્પતિ કેમ છે?કોયલને શા માટે નથી પૂછતા કે તું શા માટે ટહુકે છે? હું પણ દુનિયાને કહું છું કે કથા શું કામ કરું છું ?કારણ કે કથા જ જીવન છે.
બાપુએ જણાવ્યું કે ભરત યોગવિદ્યાના પ્રતીક છે. અને પતંજલિના અષ્ટાંગ યોગ ભરતમાં દેખાય છે: સિયરામ પ્રેમ પિયૂષ પૂરન હોત ન જનમુ ભરત કો;
મુનિમન અગમ જમ નિયમ સમ દમ બિષય બ્રત આચરત કો;
દુ:ખદાહ દારિદ દંભ દૂષન સુજસ મીસ અપહરત કો;
કલિકાલ તુલસિ સે સઠિન્હ હઠિ રામ સનમુખ કરત કો.
ભરત ન જન્મ્યા હોત તો પતંજલિ એ કહેલા યમ, નિયમ,આસન આદિ વ્રત કોણ નિભાવત? ભગવાન રામે ભરત દ્વારા ગુરૂ વશિષ્ઠને પુછાવ્યું કે બ્રહ્મ કોણ છે?અને વસિષ્ઠ મહારાજ કંઈ બોલ્યા નહીં,ફરી બીજી વખત પૂછ્યું તો પણ જવાબ ન મળ્યો અને જ્યારે ત્રીજી વખત પૂછવામાં આવ્યું ત્યારે વસિષ્ઠે રામની સામે જોઈ અને કહ્યું કે આ બ્રહ્મ છે. સાધુની વ્યાખ્યા કઈ એવું પૂછવાથી કહ્યું કે સત્યમેવ વ્રતં યસ્ય.આ વસિષ્ઠનો જવાબ હતો.જેના જીવનનું વ્રત સત્ય છે.બાપુએ કહ્યું કે મારી સમજ મુજબ જેનો વિચાર પણ સત્ય છે અને સત્ય માટે પંચશીલ છે.દીન અને ગરીબ પર સદા કૃપા કરવી.ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે સાધુને કોની-કોની સાથે જોડવો જોઈએ? ત્યારે જવાબ આપ્યો કે સંતને બિટપ,સરિતા,ગિરિ,ભૂમિ એટલે કે વૃક્ષ,વહેતી નદી,પર્વત અને ધરતી સાથે જોડવો જોઈએ.