તર્કથી કંઇ સિધ્ધ થતું નથી,અનુભૂતિથી થાય છે.વિચાર,ઉચ્ચાર,આચાર,વ્યવહાર અને સ્વિકાર-સત્યની આ પંચધારા છે.કર્મ નીતિથી,રીતિથી અને પ્રીતિથી કરો.
છઠ્ઠા દિવસની કથા પ્રારંભે વિશ્વવિદ્યાલયના બાળકો દ્વારા તુલસીના ગ્રંથમાંથી રામ સંકીર્તન બાદ બાબા રામદેવે જણાવ્યું કે અહીં પહેલી વખત રામકથા અને હનુમાન ચાલીસા તેમજ રામના ગુણગાન થયા અન્યથા અહીં યોગ અને ગાયત્રી મંત્રનું પઠન થાય છે અહીં સંગીત અને ગઈકાલે રાસ પણ થયો જે ખૂબ ગમ્યું સાથે સાથે એ પણ જણાવ્યું કે રામ વિશે પૂછાય છે કે રામ બ્રહ્મ છે કે નહીં. પણ હું કહું છું કે અન્ય કંઇ પણ ન માનો તો પણ રામ આપણો બાપ છે.
રામ અષ્ટાંગયોગ,સાંખ્યયોગ,દર્શનયોગ,મોક્ષ અને સંન્યાસ યોગ-તમામ યોગ રામમાં સમાયેલા છે. બાપુએ કથાના આરંભે જણાવ્યું કે વિશ્વામિત્ર એ પણ કહ્યું હતું કે રામ માતા છે પિતા છે બંધુ બાપ,સખા સર્વસ્વ રામ છે.તેને માપો નહીં પણ પામવાનું શીખો.મીઠા ઝાડના મૂળ ન ખોદાય. રામ બાબતમાં,વેદ બાબતમાં અને ગંગાના મૂળ જાણવાની પણ કોશિશ થાય છે.પણ ઘણા તત્વો એવા હોય છે કે એ ક્યારે આવ્યું એ કોઈ કહી શકતા નથી.બુદ્ધે વેદનો વિરોધ કર્યો તો તુલસીદાસજી પણ નારાજ થયા.ઘણી વખત એવું બને છે કે સૂરજથી વધારે રેતી ગરમ હોય છે! તીર્થંકર ચાલ્યો જાય છે અને તિર્થ રહી જાય છે.જે રીતે રામદેવ બાબાએ કહ્યું કે સ્તુતિથી પ્રીતિ વધે છે હું કહું કે પ્રીતિથી પરમાત્મા પ્રગટ થાય છે.વાલ્મિકીએ જણાવ્યું કે રામ શ્રુતિના સેતુનો પાલક છે તો જે વેદનું પાલન રામ કરે એ વેદ રામની નિંદા કેમ કરી શકે?ઘણી ક્રાંતિ કોઈ વિશિષ્ટ સ્થાનથી શરૂ થતી હોય છે કારણ કે રામ અજન્મા,અનિહ,અકથ,અનંત,અકર્તા છે અને તેની માયા જ સર્જન પાલન અને વિસર્જન કરતી હોય છે રસનો સમૂહ રસો વૈ સહ: અથવા તો કૃષ્ણ છે.
બધા જ રસનો જન્મ શાંત રસથી થાય છે અને એનો અંત પણ શાંતરસ માં આવે છે.શિવજી ધ્યાનમાં અને કથા સમાધિમાં જ કરી ને ધ્યાન એ શાંતરસ છે.બાપુએ જણાવ્યું કે ત્રીજી વખત હું વ્યાસપીઠથી ઉતરી અને નૃત્ય કર્યું:પહેલી વખત ગિરનારમાં ગુરુદત્તની કથા વખતે એ વખતે પણ ચોથું નોરતું,બીજીવાર મુક્તિનાથની કથામાં રાસ કરેલો એ વખતે પણ ચોથું નોરતું હતું અને ગઇકાલે પણ ચોથું નોરતું!વારંવાર મને રોકવાનો મેં પ્રયત્ન કર્યો,પણ અંદરથી જ ધક્કો આવ્યો અને હું વ્યાસપીઠ પરથી ઉતરી અને જાણે ડાન્સિંગ કથા કરતો હોય એવું લાગ્યું.અહીં પતંજલિ પીઠ છે એટલે કોઈક તો છે જ!
તુ હૈ યહા પર બસ વહી હૈ સબૂત ઉસકા,
ખુદા હૈ કી નહીં વો ખુદા પે છોડ દે!
તમન્ના સબકી હોતી હૈ કી વો મિલ જાયે
વો ક્યોં કિસે મિલ જાયે
વો ખુદા પે છોડ દે!
તર્ક કરનારાઓ સત્તામાં શઠતા અને લુચ્ચાઈ ન હોવી જોઈએ કારણકે તર્કથી કંઈ જ સિદ્ધ થતું નથી પણ અનુભૂતિથી જ થાય છે,તર્કથી ભૌતિકતા સિદ્ધ થતી હશે આધ્યાત્મિકતા થતી નથી.ભગવાન રામે વસિષ્ઠને પાંચ પ્રશ્ન પૂછ્યા: બ્રહ્મ કોણ છે ?સાધુ કોણ?સેવા કોને કહેવાય?કર્મનો હિસાબ શું છે અને જીવ અને શિવનો ભેદ બતાવો.
બાપુએ વચ્ચે જણાવ્યું કે અહીં પરમાર્થ નિકેતન આશ્રમમાં મુંબઈથી ૧૦૦ જેટલી ગણિકાઓ કાલે આવી રહી છે જે મને મળવા માટે અહીં આવશે ત્યારે બાબા રામદેવજી એની વ્યવસ્થા પણ કરશે અને આવું કરવું રહ્યું.આ સાધુ નહીં કરે તો કોણ કરશે? સાધુ સમાજ ચૂકી ના જાય,કારણ કે સમયની આ માંગ છે.
બાપુએ જણાવ્યું કે સાધુની વ્યાખ્યામાં સત્યના પાંચ પ્રકાર:વિચારસત્ય,ઉચ્ચારસત્ય,આચારસત્ય, વ્યવહાર સત્ય અને સ્વીકાર પણ સત્ય એ સત્યના પાંચ રૂપ છે.જેમ ગઇકાલે જણાવ્યું હતું કે સત્ય પ્રતાપ છે પ્રેમ પ્રભાવ છે અને કરુણા પ્રસાદ છે. સાધુએ છે જે કાયમ કરુણા દ્વારા ક્રોધને પ્રેમથી પોતાના કાબુમાં રાખે છે.દીન-હીન પર કરુણા કરે છે અને ઇન્દ્રિયોનું દહન પણ નહીં દમન પણ નહીં કેવળ દર્શન કરે છે.જીવ અને શિવમાં ભેદ બતાવતા વશિષ્ઠ કહે છે કે જીવ બધું જ ભૂલી જાય છે પણ ભૂલી જવા જેવી વસ્તુ યાદ રાખે છે અને શિવ એ છે જે બધું જ યાદ રાખે છે પણ ચાર વસ્તુ ભૂલી જાય છે નિજગુણ- પોતાની મહાનતા, કોઈએ કરેલુ અહિત, પોતાના દાસના દોષો અને કોઈને કંઈ આપેલું છે એ ભૂલી જાય છે.ચોથો પ્રશ્ન કર્મ વિશે કરેલો વશિષ્ઠ કહે છે રાજકુમારો!કર્મયોગી ત્રણ પ્રકારના હોય છે જે પણ કરો નીતિથી કરો,રીતિથી- એટલે કે વિધિથી કરો અને પ્રીતિ એટલે કે પ્રેમથી કરો.પાંચમો પ્રશ્ન હતો સેવાના પ્રકાર. બાપુએ કહ્યું કે સેવા ત્રણ પ્રકારની હોય છે:એક એવી સેવા જેમાં સેવક અને સેવ્ય બન્નેને કોઇ ક્લેશ ન થાય એ સાધારણ સેવા છે. બીજી જે સેવ્ય અથવા સેવક બેમાંથી એકને સુખ આપે છે એ મધ્યમ સેવા છે અને જેમાં બન્નેને સુખ મળે એ શ્રેષ્ઠ સેવા છે તો આ ગુરુકુળની પ્રસાદી ભગવાન રામે મેળવી અને આપણને આપેલી છે.