દોસ્તો, આજે આપણે નવા દેશની વાત કરીશું. આજ કાલ આપણે એશિયાના પૂર્વીય દેશોની વાતો કરીએ છીએ, જેથી પ્રવાસીને ખ્યાલ આવે કે ક્યાં ક્યાં દેશોનું ભ્રમણ એકજ પ્રવાસમાં આવરી લેવાય તેમ છે. અને તેવો એક દેશ છે મલેશિયા. થાઈલેન્ડ નો પાડોશી આ દેશ આમતો મુસ્લિમ દેશ છે,પણ તે પ્રજા પોતાની પ્રાચીન સંસ્કૃતિને ભૂલી નથી. હજી આજે પણ તેમની ચલણી નોટ ઉપર ગણપતિનું ચિત્ર અંકિત કરેલું જોવા મળે છે. તેઓ ગર્વથી સ્વીકારે છે કે તેમના પૂર્વજો હિંદુ હતા. ખેર આદેશ પણ વિષુવવૃતની નજીક આવેલો છે, એટલે ત્યાં આખું વર્ષ ગરમ અને ભેજવાળું હવામાન હોય છે. પણ પર્વતીય પ્રદેશોમાં થોડું ઠંડુ વાતાવરણ અનુભવાય છે. શિયાળો અને ઉનાળાનો સમય પર્યટકો માટે મુખ્ય પ્રવાસન સમય છે. સામાન્ય રીતે ડીસેમ્બર થી જાન્યુઆરી એ બે માસ નવાવર્ષની ઉજવણીને આવરી લે છે.જયારે જુન થી ઓગસ્ટ માસમાં સ્કુલ વેકેશનને કારણે પ્રવાસીઓનો ધસારો રહે છે. જેમને રજાઓનો પ્રશ્ન ના હોય તેમણે સપ્ટેમ્બરથી નવેમ્બર માસમાં ત્યાં જવું હિતાવહ છે. હોટલો પણ પ્રમાણમાં સસ્તી પડે છે. લોકોની ભીડ પણ નડતી નથી અને ફરવાની પણ મજા આવેછે. ફરીથી કહેવું ના પડે કે આ દેશમાં પણ પ્રવેશ માટે વિઝાની જરૂર પડે છે. વિઝા મેળવવા તમે E- VISA માટે online અરજી કરી શકો છો. અહી પણ તમારે સામાન્ય નિયમો મુજબ પાસપોર્ટ, રીટન ટીકીટ, તમારી પાસેનું આર્થિક ભંડોળનું પ્રૂફ , વગેરે હોવા જરૂરી છે. સામાન્ય રીતે પ્રવાસન વિઝા ત્રણ મહિના માટે મળે છે.
ચાલો પ્રાથમિક વિધિ પતાવી હવે દેશમાં દાખલ થવાની સગવડો વિષે જોઈ લઈએ. મોટાભાગની એર લાઈન્સ મલેશિયાના KUL એરપોર્ટ પર તમને પહોચાડે છે. અને ત્યાંથી તમે આખા દેશમાં ફરી શકો છો. પણ જો તમે સિંગાપોર કે બેંગકોકથી આવતા હો તો તમારી પાસે રેલ્વેનો વિકલ્પ પણ છે. સિંગાપોરથી તમે દસ થી અગિયાર કલાકમાં KL પહોચી શકો છો. પણ બેંગકોકથી KL પહોચતા લગભગ ૨૪ કલાક થાય છે. આવીજ રીતે આ બંને દેશથી બસની મુસાફરી કરીને પણ મલેશિયા પહોચી શકાય છે. અરે દરિયાની મુસાફરીના શોખીનો માટે ફેરી પણ ઉપલબ્ધ છે. આમ વિવિધ રીતે તમે મલેશિયામાં પ્રવેશી શકો છો.જયારે મલેશિયામાં અંદર ફરવા માટે પણ એર, રેલ, બસ, ટેક્ષી, ભાડે મળતી કાર, બોટ, રિક્ષા વગેરે સહજ ઉપલબ્ધ છે. અને ભાવ પણ બધાના ખિસ્સાને પોસાઈ શકે તેવો છે.
હવે સ્વાભાવિક છે કે આપણને ત્યાના ચલણ વિષે પણ માહિતી હોવી જોઈએ. મલેશિયાનું ચલણ RM એટલેકે RINGGIT અને તે 1 USD માં લગભગ 4 RM નો ભાવ હોય છે. પણ હા, જો તમારી પાસે બ્રિટીશ પાઉન્ડ હોય તો તે સૌથી સારું પડે. દરેક હોટલમાં પણ તમે ટ્રાવેલર્સ ચેક વાપરી શકો છો. Visacard,Mastercard પણ ચાલે છે.
રહેવા માટે હોસ્ટેલ થી માંડી ને 5 સ્ટાર સુધીની હોટલ્સ કે રિસોર્ટ ઉપલબ્ધ છે. 3 કે 4 સ્ટાર હોટલો પણ ઘણી છે અને લગભગ બધાને પોસાઈ શકે છે. પ્રવાસીઓનો માનીતો દેશ હોવાને લીધે અહી આખી દુનિયામાંથી લોકો ફરવા આવે છે ને તેથીજ વાનગીઓની વિવિધતા પણ મળી રહે છે. જોકે સી-ફૂડ ના ચાહકો માટે અહી મજા છે.
તમારા ઈલેક્ટ્રીક ઉપકરણો માટે Univrsal Travel Adapter વસાવી લેવું જરૂરી છે. કારણ અહી મલેશિયામાં પણ 240VAC ઈલેક્ટ્રીસીટી મળે છે. આથી કન્વર્ટર તમને દરેક પ્રવાસમાં જરૂરી થઇ પડે છે. આ દેશની મુખ્ય ભાષા મલય છે. પણ અંગ્રેજીનો ઉપયોગ પણ છૂટથી થાય છે. એટલે આખા દેશમાં ક્યાય તમને ભાષાની મુશ્કેલી ઉભી નથી થતી. બસ તો લગભગ બધી માહિતી મળી ગઈ તૈયારી શરુ કરો. ક્યાં ક્યાં ફરવું અને શું શું જોવું તે તમામ માહિતી તમને આવતા અંકોમાં મળતી રહેશે. ત્યાં સુધી પ્લાન બનાવો. અને મજા કરો.