અમદાવાદ: અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં ઉલ્લેખનીયરીતે વધારો થયો છે. વરસાદની સિઝન પૂર્ણ થવા આવી છે ત્યારે સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં જુદા જુદા રોગના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થયો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસોમાં ઉલ્લેખનીય વધારો થયો છે. સાદામેલેરિયાના કેસોની વાત કરવામાં આવે તો માત્ર સપ્ટેમ્બરના ૧૫ દિવસના ગાળામાં જ સાદા મલેરિયાના ૬૦૨ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે ઝેરી મેલેરિયાના ૭૦ કેસ નોંધાયા છે.
ડેન્ગ્યુના ૮૫ કેસ સપાટી ઉપર આવ્યા છે. આવી જ રીતે પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો ઝાડા-ઉલ્ટી, કમળા, ટાઇફોઇડ અને કોલેરાના કેસો પણ સપાટી ઉપર આવ્યા છે. સપ્ટેમ્બર ૨૦૧૮માં હજુ સુધી બહેરામપુરા, વટવા, શાહપુર અને જમાલપુર વોર્ડમાં એક એક મળીને કુલ ૦૪ કોલેરાના નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થવિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાના અટકાયતીના પગલારુપે પાણીના મુખ્ય સોર્સ અને ઘરોમાંથી ચાલુ માસ દરમિયાન ૧૮૦૨૯ રેસિડેન્ટ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે તથા હાઈરિસ્ક વિસ્તારો અને કેસો નોંધાયેલા હોય તેવા વિસ્તારોમાંથી ચાલુ માસમાં ૧૫૦૮ જેટલા પાણીના સેમ્પલ બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા છે.
સપ્ટેમ્બર મહિનામાં હજુ સુધી ૫૧૨૧૧૦ ક્લોરિન ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. મોબાઇલ મેડિકલ વાન મુકીને સારવાર આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ચાલુ માસમાં ૧૧૮ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે. જલ્દી અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. હેલ્થ ફ્લાઇંગ સ્કોવોર્ડ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં તપાસ કરવામાં આવી છે. ૧૫મી સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીમાં ૧૧૮ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા બાદ ઉંડી તપાસ કરવામાં આવી રહી છે જે પૈકી પાંચ નમૂના પ્રમાણિત જાહેર થયા છે જ્યારે ૧૧૩ નમૂના તપાસવાના બાકી રહ્યા છે.