૧.૪૧ કરોડ રૂ.નો આવકવેરો વારંવારની આપેલ મુદત પછી પણ ના ભરનાર એવા મહેશ ગાંધીની ધરપકડ 

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

આવકવેરાના ડિફોલ્ટર મહેશ પી. ગાંધીની મહેશ ગાંધીએ વેરા પેટે રૂ. ૧.૪૧ કરોડથી વધુ રકમ ભરવાની બાકી છે. આવકવેરા ખાતા તરફથી મહેશ ગાંધીને વારંવાર નોટિસ આપવામાં આવી હોવા છતાંય તેના તરફથી કોઈ જ પ્રતિભાવ આપવામાં આવ્યો નહોતો. પરિણામે ટેક્સ રિકવરી ઑફિસરે ધરપકડ કરવાનું પગલું લેવું પડયું છે.  આજે ટેક્સ રિકવરી ઑફિસરે સિવિલ એરેસ્ટ-ધરપકડ કરી છે. તદુપરાંત તેણે નોટબંધી પછી તેના પોતાના બૅન્ક એકાઉન્ટમાં અને તેના પરિવારના સભ્યના બૅન્ક એકાઉન્ટમાં રૂ. ૧૦ કરોડથી વધુ રકમ જમા કરાવી છે. આ રકમનો હિસાબ અને તેના પરના વેરાની માગણી પણ હજી ઊભી જ છે. આવકવેરો ન જમા કરાવવા બદલ ગુજરાતમાં સિવિલ એરેસ્ટ થયાનો આ કેસ છેલ્લા વીસેક વર્ષમાં પહેલીવાર બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આવકવેરાના અધિકારીઓ તરફથી મળતી માહિતી મુજબ મહેશ ગાંધી એન્ટ્રી ઓપરેટર હોવાનું જાણવા મળી રહ્યું છે. એન્ટ્રી ઓપરેટર તરીકે રોકડા નાણાં આપી જનારાઓને ચેક આપવાનું અને ચેક આપી જનારાઓને રોકડા આપી દેવાનું કામ કરતાં હતા. તેમાંથી પોતાાનું કમિશન મેળવી લેતા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહેશ ગાંધીએ જિંદગીના મોટાભાગના વરસો સુધી આવકવેરાના રિટર્ન જ ફાઈલ કર્યા ન હોવાનું આવકવેરા ખાતાના સૂત્રોનું કહેવું છે.

આ બાબતે આવકવેરા અધિકારીઓએ તેમને નાણાં ભરીને મુક્તિ મેળવી લેવાનો વિકલ્પ આપ્યો હતો, પરંતુ મહેશ ગાંધીએ બે-ચાર લાખથી વધુ રકમ ભરવાની તૈયારી દર્શાવી નહોતી. બીજી તરફ રૂ. ૧.૪૧ કરોડના બાકી આવકવેરા સામે તે રૂ. ૫૦ લાખ જમા કરાવી દે તો તેને બાકીનો વેરો ભરવા માટે સમય આપવાની તૈયારી પણ આવકવેરા અધિકારીઓએ દર્શાવી હતી. પરંતુ તેમણે આવકવેરા પેટે કોઈપણ રકમ જમા કરાવવા તેઓ અશક્ત હોવાનું દર્શાવતા તેમની સિવિલ એરેસ્ટ કરવામાં આવી છે. સિવિલ એરેસ્ટમાં તેમને ૧૮૦ દિવસ સુધી લૉક અપમાં રાખવામાં આવે છે.

સિવિલ એરેસ્ટ થાય તે વ્યક્તિને સામાન્ય ગુનેગારોની માફક જેલમાં નથી મોકલવામાં આવતા. તેમને જૂની હાઈકોર્ટના એક ઓરડામાં લૉક અપમાં રાખવામાં આવે છે. તેને રાખવાનો તથા અન્ય ખર્ચ પણ આવકવેરા ખાતાએ જ કરવો પડે છે.

Share This Article