જૂનાગઢના ભવનાથ તળેટીના ભકિતમય અને પરંપરાગત મહાશિવરાત્રીના મેળાનો આજે મહા વદ નોમના પવિત્ર દિને ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે વિધિવત પ્રારંભ થયો હતો. મેળાના પ્રારંભ પ્રસંગે ભવનાથ મહાદેવ મંદિર અને ત્રણેય અખાડામાં પુજા-આરતી કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંતો મંહતો અને પદાધિકારીઓ- વહિવટી તંત્રના અધિકારીઓ તેમજ ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
સવારે ૯ કલાકે ભવનાથ મહાદેવના મંદિરે પરપંરાગત રીતે ધ્વજાપુજા શાસ્ત્રોકત વિધિથી કરવામાં હતી. આ પ્રસંગે મહંત શ્રી ભારતીબાપુ, શ્રી હરિગીરીજી મહારાજ, શ્રી ઇન્દ્રભારતી બાપુ, શ્રી પ્રેમગીરીજી મહારાજ, શ્રી મુકતાનંદબાપુ તેમજ મેયર આદ્યશકિતબેન મજમુદાર, જયોતીબેન વાછાણી, ધારાસભ્ય ભીખાભાઇ જોશી, પુર્વ મેયર જીતુભાઇ હીરપરા, યોગેન્દ્ર પઢીયાર, કનકબેન વ્યાસ, નિર્ભય પુરોહિત, ભરત કારેણા, હરેશ પરસાણા, સંજય કોરડીયા સહિતના પદાધિકારીઓ તેમજ કલેકટર ડો.રાહુલ ગુ્પ્તા, એસ.પી. નિલેશ જાજડીયા, પ્રાંત અધિકારી જવલંત રાવલ, આસી. કમિશનર નંદાણીયા સહિતના અધિકારીઓ અને ભાવિકો ઉપસ્થિત રહયા હતા.
ભવનાથ મહાદેવના મંદિરે ધ્વજાપૂજા બાદ જૂના અખાડા ખાતે ભગવાન ગુરૂ દત, આહવાન અખાડા ખાતે ગણેશજી અને અગ્નિ અખાડા ખાતે ગાયત્રીમાતાની પુજા અર્ચના કરવામાં આવી હતી. ભારતી આશ્રમ અને ઇન્દ્રભારતીબાપુના આશ્રમે પણ પુજા અર્ચના કરવામાં આવી હતી. મહંત શ્રી શેરનાથ બાપુના આશ્રમે અન્નપુર્ણા અન્નક્ષેત્રનો પ્રારંભ હરિગીરીબાપુ અને કલેકટર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.