કોમેડી ડ્રામા જોનર ધરાવતી ગુજરાતી ફિલ્મ મહારાણી આજની વર્કિંગ વુમનના વ્યસ્ત જીવનમાં એક હોમ આસિસ્ટંટનું હોવું કેટલું મહત્વપૂર્ણ છે તે કથા વસ્તુ પર આધારિત છે. ફિલ્મ મહારાણી ખૂબ જ સામાજિક સંદેશ આફે છે, ખાસ કરીને મેટ્રોપોલિટન શહેરોમાં વર્કિંગ કપલ માટે હોમ આસિસ્ટંટ વિનાની લાઇફ કેટલી હદે પ્રભાવિત થાય છે તે પાસાને ઉજાગર કરે છે.
મહારાણી ફિલ્મમાં બેંકમાં નોકરી કરતી વર્કિંગ વુમન (માનસી પારેખ) અને તેની મેઇડ ‘રાણી’ (શ્રદ્ધા ડાંગર)ના પાત્રો કેન્દ્રમાં જોવા મળી રહ્યાં છે. માનસી મુંબઈમાં તેના નવા ઘરમાં શિફ્ટ થાય છે ત્યારથી લઇને રાણી તેમના ઘરે કામ કરી રહી છે. બન્નેની વચ્ચે લાગણીઓ અને વિશ્વાસ પારસ્પરિક છે. પરંતુ કેટલીક સ્થિતિ બન્ને વચ્ચે અંતર લાવી દે છે. રાણી વારંવાર કામ પર મોડી આવતી હોવાથી માનસી ઓફિસે વારંવાર મોડી પહોંચે છે. છેવટે માનસી રાણીનું કામ છોડાવી દે છે. અને પછી સર્જાય છે નવી મેઇડ મેળવવાની દોડધામ. જે દર્શકોને પેટ પકડીને હસાવે છે. જોકે, લાગણીસભર દ્રશ્યોની પણ એક આગવી મજા હોય છે, જે દર્શકોના આંખના ખૂણાને ભીના કરી દે છે. માનસી અને રાણી ઉપરાંત માનસીને પતિ, સાસુ, દીકરી, મમ્મી, ઓફિસના કુલિગ્સના પાત્રો પણ ફિલ્મની સ્ટોરીને આકાર આપવામાં મહત્વપૂર્ણ રહ્યાં છે. ખાસ કરીને, ફિલ્મનો ક્લાઇમેક્સ માણવા જેવો છે.
ફિલ્મનું કથાબીજ 2024માં આવેલી સફળત્તમ મરાઠી મૂવી નાચ ગા ઘુમાનું છે. ફિલ્મની સ્ટોરી રામ મોરી અને હાર્દિકે લખી છે. રામ મોરીની વિશેષતા રહી છે, તેમની વાર્તાઓના કેન્દ્રમાં મહિલા સશક્તિકરણ રહેલું હોય છે. આ બન્ને રાઇટર્સે એક વર્કિંગ વુમન અને મેઇડ વચ્ચેની વાતચીત અને લાગણીઓને ખૂબ જ સરસ રીતે રજૂ કરી છે. જે વાસ્તવિક લાગે છે. ફિલ્મમાં માનસી પારેખ, શ્રદ્ધા ડાંગર, ઓજસ રાવલ, તર્જની ભડલા, સંજય ગોરડિયાના પાત્રો મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે.
ડિરેક્ટર વિરલ શાહે ફરીથી એકવાર એક મહિલાના મનની વાતને બખૂબીથી પડદા પર રજૂ કરી છે. જોકે, અહીં એક નહીં પણ બે મહિલાની વાત છે. એક મહિલા કે જે બેંકમાં નોકરી કરી છે, તે વર્કિંગ વુમન છે તો મેઇડ પણ વર્કિંગ વુમન જ કહેવાય. તેને પણ રોજીંદા પડકારોનો સામનો કરીને પોતાનું કામ કરવાનું હોય છે. આ સમગ્ર ઘટનાને ખૂબ જ સારી રીતે દર્શાવી છે. ફિલ્મમાં પાર્થ ભરત ઠક્કરનું મ્યુઝિક છે. ટાઇટલ રાઇમીગ તમને વિષય પ્રવેશ કરાવે છે, તો મહારાણી ગીત મનમાં થનગનાટ પેદા કરે છે.
ટૂંકમાં, મહારાણી – દરેક વર્કિંગ વુમનની સમસ્યાઓ અને લાગણીઓને રજૂ કરે છે, ભલે પછી તે મહિલા ઓફિસમાં કામ કરતી હોય કે મેઇડ હોય.
મહારાણીને થિયેટરમાં જઇને જોવાય તેવી મનોરંજનથી ભરપૂર ફિલ્મ છે.
આ ફિલ્મને ખબરપત્રી તરફથી મળે છેઃ⭐⭐⭐⭐