અમદાવાદ : મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગઢ ગામ પાસે જંગલ વિસ્તારમાં તાજેતરમાં એક વાઘ હોવાની પુષ્ટિ ખુદ રાજય સરકાર અને વનવિભાગ દ્વારા કરાયા બાદ હવે ગઢ ગામ પંથકમાં ત્રણ વાઘ દેખાયા હોવાના સ્થાનિક ગ્રામજનોએ દાવો કર્યો હતો. જા કે, ગ્રામજનોના આ દાવાને પગલે થોડી ઉત્તેજના ફેલાઇ હતી પરંતુ તેમાં બહુ તથ્ય નહી હોવાનું વન્યપ્રેમી અને નિષ્ણાતો માની રહ્યા છે.
કારણ કે, જા ત્રણ વાઘ હોય તો આટલા બધા દિવસ સુધી તે વાત છૂપી રહે નહી. વનવિભાગના અધિકારીઓએ ગ્રામજનોના દાવાને લઇ હવે વાઘની સંખ્યા અને તેના આંકને લઇ ખરાઇની દિશામાં તપાસ તેજ બનાવી છે. લુણાવાડાના ગઢ ગામ પાસેના જંગલ વિસ્તારમાં ત્રણ વાઘ દેખાયા હોવાનો ગ્રામજનોએ દાવો કરતા વન વિભાગ દોડતુ થઇ ગયું હતું. ત્રણ વાઘે મળીને ચાર બકરાનું મારણ કર્યું હતું. જ્યારે એક બકરાને જંગલમાં ખેંચી ગયા હતા. ગઢ ગામનો એક માણસ ખેતરમાં બકરા ચરાવવા માટે ગયો હતો. તે સમયે ત્રણ વાઘે અચાનક જ બકરાઓ પર હુમલો કરી દીધો હતો.
જેથી બકરા ચારનાર વ્યક્તિ ઝાડ પર ચડી ગયો હતો અને ગામ લોકોને ફોન કરીને બોલાવી લીધા હતા. બકરા ચરાવવા ગયેલા વ્યક્તિ પાસે કેમેરાવાળો મોબાઇલ ન હોવાથી તે ત્રણ વાઘનો ફોટો પાડી શક્યો ન હતો. એક મોટા વાઘની સાથે બે નાના વાઘ હોવાનો દાવો તેના દ્વારા કરવામાં આવ્યો હતો. જા કે, આ સમગ્ર મામલે આરએફઓ રોહિત પટેલે જણાવ્યું હતું કે, જંગલમાં ત્રણ વાઘ હોવાની શક્યતાને નકારી શકાય નહી. અલબત્ત, આ વાતની ખરાઇ કરવા માટે વનવિભાગ દ્વારા આ જંગલ વિસ્તારમાં ૧૦ નાઇટ વિઝન કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે અને પેટ્રોલીંગ પણ વધુ સઘન બનાવી દેવાયું છે. વાઘની સંખ્યા અને આંકની સાથે સાથે તેની એકેએક મુવમેન્ટ-હરકત જાણવા અને કેમેરામાં કેદ કરવાના વનવિભાગના પ્રયાસો છે કે જેથી સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઇ શકે.