કબીરસાહેબે ભલે એમ કહ્યુ હોય કે, पोथी पढ-पढ जग मुआ, पंडित भया न कोइ, ढाई आखर प्रेम का पढे सो पंडित होय । આ દોહરો કદાચ પ્રેમનાં જ્ઞાનીની, પ્રેમનાં જાણકાર પંડિતની વ્યાખ્યા કરતો હશે. પણ, પ્રેમનાં પારખા કરનાર પ્રેમીની નહીં. પ્રેમની પ્યાલી જેણે પી લીધી છે, એ પછી પંડિત નથી થઈ શકતો કે નથી પંડિત રહી શકતો. પ્રેમની પિયાલી પીનારાં તો “પંડિત” નહીં પણ “ખંડિત” થતાં હોય છે. પોતાનાં “સ્વ” ને ત્યજીને, પિયુની આંખમાં “મંડિત” થતાં હોય છે. નિજને વિલુપ્ત કરીને, પિયુનાં શ્વાસમાં પુલકિત થતાં હોય છે અને પિયુનાં સ્પર્શથી નિરંતર પ્રદિપ્ત થતાં હોય છે. પ્રેમનાં પંડિતો તો સાક્ષીભાવે પ્રેમનાં તત્વને તર્કની ટેકણ લાકડી લઈને પ્રેમનાં પૃથ્થકરણમાં ખોવાઈ ગયા છે. અને જેણે પ્રેમ કર્યો છે એ પ્રેમીઓ એકમેકમાં સાંગોપાંગ પરોવાઈ ગયા છે. એકબીજામાં બન્ને એટલી હદ્દે એકરસ અને તલ્લીન થઈ ગયા છે કે, બારિક તેજનો લિસોટો બની ગયા લાગે છે. જ્યારે બે પ્રેમીઓ એકમેકમાં સમાઈ જાય છે ત્યારે જ એ પ્રેમની સાંકડી ગલીમાં પ્રવેશ કરી શકે છે.
એટલે જ કબીરદાસે પછી એક દોહરામાં કહેલું કે:
प्रेम गली अति संकरी, तामें दोऊ न समाई, जब मैं था तब हरि नहीं, अब हरि है मैं नाहीं । ખરેખર તો પ્રેમ એ “સાહેબ” માંથી ‘દાસ” બનવાની ઘટનાનું નામ છે. સાહેબ બનીને ક્યારેય તમે કોઈનો “સાયબો” ના બની શકો ! પિયુનાં જે દાસ હોય છે એ જ એને મન ખાસ હોય છે. અને પિયુને સતત એવા દાસની જ તલાશ હોય છે. એવા દાસની જ પ્યાસ હોય છે. सदा – सदा जो बना रहे है अपने पियु का दास…. एकदिन वो बन जाता है अपने पियु की सांस ।
“પ્રેમ” શબ્દ ભલે અઢી અક્ષરનો રહ્યો, પણ એનો સ્થુળ ઘાટ કે વિસ્તાર તો એક વેંતથી પણ નાનો છે…! આ એક વેંતનાં માપનો કોઈ ઉલ્ટો અર્થ ના કરશો…નહીં તો પિયુની આંખમાંથી ભૂંડાયનાં પડશો…!!! આ એક વેંત એટલે કે : પ્રેમ – પિયુની આંખથી શરૂ થાય છે તો પિયુનાં હ્ર્દયમાં વિરાજીને વિરામ પામે છે. આંખની ઉપરનાં કપાળ અને મસ્તિષ્ક અને મગજમાં તો કાવાદાવા, છેતરપિંડી અને નફા-નુકશાનની ગણતરીનું સામ્રાજ્ય હોય છે. મસ્તિષ્કવાળાનો પ્રેમની મસ્તી, પ્રેમની વસતિ, અને પ્રેમની હસ્તીમાં કોઈ ગજ વાગતો નથી.
મગજવાળા માણસો પ્રેમનાં પંથ પર એક ગજ પણ ના ચાલી શકે ! એ રીતે જ પિયુનાં હ્રદયની નીચે નો વિસ્તાર પણ કામ, શ્રૃંગાર, સંતતિ અને દૈહિક સુખ માટેનો છે. નાભિ નીચેનો વિસ્તાર પ્રેમીઓને નર-માદામાં રૂપાંતરિત કરી દે છે. મૂર્ખ છે એ લોકો જે બે સાથળ વચ્ચેનાં અંગને પ્રેમ માની બેઠા છે…! એની માને…! આ ગજબનું કહેવાય, કેમ કે પ્રેમ ત્યાં વસતો જ નથી. પ્રેમ તો પિયુનાં હ્રદયમાં વસે છે યુગોયુગોથી, અને ક્યારેય ત્યાંથી ખસતો જ નથી….પણ, ગણતરીબાજ, ચાલાક પ્રેમી આટલી વાત સમજતો જ નથી !!
Guest Author
~ ઇલિયાસ શેખ