લોકસભા ચૂંટણી લડવાનો હાર્દિક પટેલે સંકેત આપ્યો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલે આ વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી લડવાનો સંકેત આપ્યો છે. લોકસભા ચૂંટણી માટે હાર્દિક પટેલે તૈયારઓ પણ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. એવી અટકળો પણ તીવ્ર બની રહી છે કે, હાર્દિક પટેલ પોરબંદર અથવા તો અમરેલી સીટ ઉપરથી ચૂંટણી લડી શકે છે. આ બંને સીટો ઉપર પાટીદાર સમુદાયના લોકો સૌથી વધારે છે. જિગ્નેશ મેવાણીની જેમ જ તે કોંગ્રેસના સમર્થનથી અપક્ષમાં ચૂંટણી લડી શકે છે. મેવાણીએ વર્ષ ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. ગયા વર્ષે જુલાઈ મહિનામાં હાર્દિક ૨૫ વર્ષનો થયો હતો અને હવે તે ચૂંટણી લડવા માટે યોગ્ય છે. કોંગ્રેસ પાર્ટીના લોકોનું કહેવું છે કે, જ્યાંથી હાર્દિક ચૂંટણી લડશે ત્યાંથી જ ઉમેદવાર ઉતારવામાં આવશે નહીં.

હાર્દિકે પોરબંદરથી ચૂંટણી લડવાની તૈયારી કરી હોવાનું જાણવા મળ્યું છે. હાર્દિક પટેલે હાલમાં કોંગ્રેસથી થોડી દૂરી બનાવી છે, કારણ કે વિધાનસભા ચૂંટણી દરમિયાન હાર્દિકે કોંગ્રેસ સાથે મળીને પોતાના પસંદગીના વ્યક્તિઓને ટીકીટ અને પાટીદારોને અનામત આપવા અંગે ચર્ચા થઈ હતી. પરંતુ કોંગ્રેસ હાર્દિક સાથેના ગઠબંધનમાં નિષ્ફળ રહી હતી. આમ તે ભાજપમાં પ્રવેશે એવી પણ એક ચર્ચા ચાલી રહી છે. હાર્દિક પટેલ અનામત આંદોલનના નેતા તરીકે સાડા ત્રણ વર્ષથી કામ કરી રહ્યો હતો.

પરંતુ તાજેતરમાં કેન્દ્ર સરકારે ૧૦ ટકા ઈબીસી અનામત આપતા હાર્દિકના અનામત આંદોલન પર પૂર્ણિવરામ મુકાઈ ગયું અને હાર્દિક પટેલ જે પાટીદારોના નેતા તરીકે ઉભરી આવ્યો હતો તે જ પાટીદારોમાં હાર્દિક હાલ જનસમર્થન ગુમાવી ચૂક્યો છે.  આમ હાર્દિક પાસે હવે કોઈ મુદ્દો ન રહેતા હાર્દિકે ખેડૂતો અને યુવાઓના નામે ફરીવાર લોકજુવાળ ઉભો કરવાનો પ્રયાસો કર્યા હતા. પરંતુ નિષ્ફળતા મળતા પોતાની રાજકીય મહત્વકાંક્ષા સંતોષવા હાર્દિકે મમતા બેનર્જી અને અખિલેશ યાદવ જેવા નેતાઓ સાથે ઘરોબો કેળવ્યો હતો. બીજી બાજુ ગુજરાત કોંગ્રેસના વડા અમિત ચાવડાએ કહ્યું છે કે, હાર્દિક પટેલ તરફથી કોઇ સત્તાવાર દરખાસ્ત મળી નથી.

Share This Article