ચેન્નાઇ : તમિળનાડુમાં શાસક પક્ષ અન્નાદ્રમુક અને ભાજપ વચ્ચે લોકસભા ચૂંટણીને લઇને ગઠબંધન નક્કી છે. બંને પાર્ટીના સુત્રો દ્વારા કહેવામાં આવ્યુ છે કે ગઠબંધનને લઇને ટુંક સમયમાં જ સત્તાવાર જાહેરાત કરવામાં આવનાર છે. રાજ્યમાં લકસભાની ૩૯ સીટો રહેલી છે. વર્ષ ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન ભાજપને અહીં માત્ર કન્યાકુમારી સીટ પર જીત મળી હતી. પાર્ટીએ ગઠબંધન સીટોની વહેંચણી, પ્રચાર અભિયાન અને ચૂંટણી ઢંઢેરા પર ચર્ચા કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતી બનાવી છે. જેની આજે બેઠક થઇ હતી. સુત્રોના કહેવા મુજબ એક સપ્તાહના ગાળામાં જ ભાજપ અને અન્નાદ્રમુક વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. ૧૯મી ફેબ્રુઆરી બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
ગઠબંધન હેઠળ અન્નાદ્રમુક ઓછામાં ઓછી ૨૪ સીટ પર ચૂંટણી લડશે અને ભાજપની સાથે અન્ય નાની પાર્ટીઓને પણ સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. રામદોસના પીએમકે, વિજયકાંતના ડીએમડીકે, જીકે વાસનની તમિળ મનીલા કોંગ્રેસ અને અન્ય કેટલીક પાર્ટીને ભાજપમાં સામેલ કરવામાં આવી શકે છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે રાજ્યના મુખ્યપ્રધાન ઇકે. પલાનિસામીના નજીકના લોકો ભાજપ પ્રમુખ અમિત શાહના સંપર્કમાં છે. પલાનિસામીના નજીકના સાથી અને પ્રધાન એસપી વેલુમણિ તેમજ પી. થંગામણિ અમિત શાહના સંપર્કમાં હોવાના હેવાલ મળી રહ્યા છે.
ભાજપના કેટલાક લોકોએ કહ્યુ છે કે વાતચીતનો સિલસિલો થોડાક મહિના પહેલા શરૂ કરવામાં આવ્યો હતો. એક નેતાએ કહ્યુ છે કે બંનેના ભાવિ એકબીજા સાથે જાડાયેલા છે. મોદી સરકાર દ્વારા બજેટમાં લોકપ્રિય જાહેરાત કરવામાં આવ્યા બાદ અન્નાદ્રમુક ખુશ છે. મદુરાઇ રેલીમાં મોદી ડીએમકે પર લાલઘુમ દેખાયા હતા. અનામતના મુદ્દાને ડીએમકે દ્વારા કોર્ટમાં પડકાર ફેંકી દેવામાં આવ્યો છે. મદ્રાસ હાઇકોર્ટમાં અપીલ કરવા બદલ મોદીએ પાર્ટીની ટિકા કરી હતી.