ચૂંટણીને લઇ મહિલા કોંગ્રેસ દાવેદારી નોંધાવવા સક્રિય છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : આગામી તા.ર૩ એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ગુજરાત મહિલા કોંગ્રેસમાં પણ થનગનાટ જોવા મળ્યો છે. રાજ્યમાં ૪૮ ટકા મહિલાઓના મત હોવા છતાં મહિલાઓને રાજકીય પ્રતિનિધિત્વ આપવાના મામલે ભાજપ અને કોંગ્રેસ આ બંને મુખ્ય રાજકીય પક્ષ નિષ્ફળ નીવડ્‌યા છે, જોકે જ્યાં સુધી ગુજરાત મહિલા કોંગ્રેસનો પ્રશ્ન છે તો મહિલા કોંગ્રેસે રાજ્યની તમામ ર૬ બેઠક પર દાવેદારી નોંધાવી છે. મહિલા કોંગ્રેસ તરફથી આ વખતે લોકસભા ચૂંટણીમાં મહિલા ઉમેદવારોને પૂરતી પ્રાધાન્યતા આપવા પણ માંગ કરવામાં આવી છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપે ચાર મહિલાને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસમાંથી એકમાત્ર દાહોદ બેઠક પરથી ડો.પ્રભા તાવિયાડને ટિકિટ મળી હતી.

આ વખતે દાહોદ બેઠક પર ફરી ચૂંટણી લડવાની ઇચ્છા ડો.પ્રભા તાવિયાડે દર્શાવી હોવાનું ગુજરાત મહિલા કોંગ્રેસનાં પ્રમુખ ગાયત્રીબહેન વાઘેલાએ જણાવ્યું હતું. ગુજરાત મહિલા કોંગ્રેસનાં પ્રમુખે વધુમાં ઉમેર્યું હતું કે, પોરબંદરથી ડો.ઉર્વશીબહેન મણવર, અમરેલીથી ગેનીબહેન ઠુમર, ભાવનગરથી ઇલાબહેન ગોહિલ તેમજ દાહોદથી હાલનાં ધારાસભ્ય ચંદ્રિકાબહેન બારૈયાએ પણ લોકસભાની ચૂંટણી લડવા દાવેવારી નોંધાવી છે.

બનાસકાંઠા લોકસભા બેઠક માટે પૂર્વ  સાંસદ સ્વ.મુકેશ ગઢવીનાં ધર્મપત્ની ક્રિષ્નાબહેન ગઢવી અને ખેડામાંથી સજ્જનબહેને પણ ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવી છે. આમ, લોકસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસના મહિલા ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જાવા મળી રહ્યો છે તો સાથે સાથે કોંગી હાઇકમાન્ડ દ્વારા આ વખતે ચૂંટણીમાં મહિલા ઉમેદવારોને પૂરતી પ્રાધાન્યતા અપાવી જાઇએ તેવી લાગણી પણ ઉઠી છે.

 

Share This Article