અમદાવાદ : ગુજરાત રાજયમાં લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થવાનો વિવાદ વધુ ને વધુ ગરમાતો જાય છે ત્યારે આ ઘટનાને પગલે આક્રોશિત લાખો ઉમેદવારો તરફથી સુજય ઠુંમર નામના પરીક્ષાર્થીએ વડાપ્રધાન કાર્યાલયને પત્ર લખ્યો છે અને ઉમેદવારોની વેદના ઠાલવી છે. પત્રમાં તેણે ૯ લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાનું પેપર ફૂટી જવાની ઘટનામાં સંડોવાયેલા અને જવાબદાર નેતાઓ તથા અધિકારીઓને ખુરશી તાત્કાલિક છોડાવવાની ઉગ્ર માંગણી કરી છે. જેને લઇ હવે સમગ્ર રાજકારણ વધુ ગરમાયું છે.
નવી દિલ્હી સ્થિત વડાપ્રધાન કાર્યાલય(પીએમઓ)ને કરેલી ફરિયાદમાં સુજય ઠુંમરે લખ્યું છે કે, લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા યોજાનારી પરીક્ષા રદ કરવાને કારણે ઉમેદવારને પડેલી મુશ્કેલી અને નુકસાનીની જવાબદારી નક્કી કરવા અને ફી પરત કરવા અંગે- સાહેબશ્રી, ગુજરાત સરકારના લોકરક્ષક બોર્ડ દ્વારા ૦૨-૧૨-૨૦૧૮ને રવિવારના રોજ યોજાયેલી લોકરક્ષક અને કોન્સ્ટેબલની ૯૭૧૩ જગ્યા માટે પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષા આપવા માટે ૮ લાખ ૭૬ હજાર ઉમેદવારોએ પોતાના કેન્દ્ર પર સીટ નંબર પર સ્થાન મેળવી લીધું હતું, ત્યારે અચાનક જ સમાચાર મળ્યા કે પેપર લીક થઈ ગયું છે અને તમામ ઉમેદવારોએ પરીક્ષા આપ્યા વિના જ જતું રહેવાનું છે. આ સમાચારથી રાજ્યના એક જિલ્લામાંથી અન્ય જિલ્લામાં પરીક્ષા આપવા ગયેલા લાખો ઉમેદવારોના ભાવિ સાથે એક જ મિનિટમાં ચેડા થઇ ગયા હતા.
આ ઉમેદવારો પાછલા કેટલાક મહિનાથી રાત-દિવસ એક કરીને પરીક્ષાની તૈયારી કરતા હતા, ત્યારે આ પ્રકારની ઘટનાથી લાખો ઉમેદવારોને આર્થિક અને માનસિક નુકસાન ભોગવવું પડ્યું છે. આ નુકસાન પાછળ કોણ જવાબદાર છે તે સ્પષ્ટતા કરવામાં આવે. પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલા તમામ ઉમેદવારો ગરીબ પરિવારમાંથી આવે છે. જેઓ ટીકીટ માટેના પૈસા માંગીને પરીક્ષા આપવા આવ્યા હતા, ત્યારે તેમના ભવિષ્ય સાથે અચાનક જ ચેડા થઇ જાય તે કેટલા અંશે યોગ્ય છે. સરકાર દ્વારા અનેક તકેદારી રાખવા છતાં પેપર લીક થવાની ઘટના બને અને તેનો ભોગ ૯ લાખ જેટલા યુવાનોએ બનવું પડ્યું છે. જો એક પેપર ન સાચવી શકતા હોય તો જે તે વિભાગે અને જવાબદાર નેતા કે અધિકારીઓએ પોતાની ખુરશી છોડી દેવી જોઈએ એવી એક ઉમેદવાર તરીકે માંગ કરું છું અને ઉમેદવારોને નુકસાનીના વળતરમાં સરકારે લીધેલી ફી પરત કરવાની પણ માંગ છે. પીએમઓને લખાયેલા આ ફરિયાદરૂપી પત્રને લઇ હવે લોકરક્ષક દળના પેપર લીકનો મામલો અને તેને લઇને રાજકારણ ગરમાયું છે. આગામી દિવસોમાં તેના ઘેરા પ્રત્યાઘાત સામે આવી શકે છે.