લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડ સંદર્ભે વધુ ચારની ધરપકડ થઇ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ :  લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડમાં ગાંધીનગર જિલ્લા પોલીસની શહેર ક્રાઇમ બ્રાંચ અને એટીએસની મદદથી હાથ ધરાયેલી તપાસમાં બહુ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. જે મુજબ, એલઆરડી પેપર લીક કૌભાંડ પાછળ દિલ્હી સ્થિત ગેંગના નેટવર્ક અને કારસ્તાનનો આજે પર્દાફાશ થયો હતો. દિલ્હી સ્થિત ગેંગના સભ્યોએ જ ગુજરાતના આરોપીઓની મદદથી પેપર લીક કૌભાંડને અંજામ આપ્યો હતો. જેમાં ગુજરાતમાંથી ૨૫થી ૩૦ ઉમેદવારોને પાંચ-પાંચના ગ્રુપમાં દિલ્હી લઇ જવાયા હતા અને ત્યાં જુદા જુદા સ્થળોએ અને જુદી જુદી જગ્યાએ તેમને લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર અને તેના સાચા જવાબો સાથેની આન્સર શીટ શેર કરાઇ હતી. જે પેટે ઉમેદવારો તરફથી દિલ્હીની ગેંગના સભ્યોને પાંચ-પાંચ લાખ રૂપિયાનો કોરો ચેક પણ અપાયો હતો.

જે પેપર અને આન્સર શીટના જવાબો સાચા પડે પછી દિલ્હી ગેંગના સભ્યો તેમના બેંક એકાઉન્ટમાં ભરી નાણાં ટ્રાન્સફર કરવાના હતા. આ સાથે જ પોલીસે આજે પેપર લીક કૌભાંડમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરતાં આ સમગ્ર કૌભાંડમાં કુલ ધરપકડનો આંક આઠ થયો છે. પોલીસ દ્વારા આજે ધરપકડ કરાયેલા આરોપીઓમાં અરવલ્લીના બાયડના પરબડીનો પ્રીતેશ નટવરલાલ પટેલ, મહેસાણાના મેદવનો નરેન્દ્ર પૃથ્વીરાજ ચૌધરી, બનાસકાંઠાના વડગામનો અજયસિંહ મફતસિંહ પરમાર અને ઉત્તમસિંહ હરિસિંહ ભાટીનો સમાવેશ થાય છે. પોલીસે આ આરોપીઓની વિરૂધ્ધમાં બહુ મહત્વના અને નક્કર પુરાવાઓ પણ કબ્જે કર્યા છે અને તેમની પૂછપરછના આધારે કૌભાંડની મહત્વની કડીઓ મેળવી હતી. જેના આધારે આજે સ્પષ્ટ થઇ ગયું હતું કે, એલઆરડી પેપર લીક કૌભાંડમાં દિલ્હી અને ગુડગાંવ સ્થિત ગેંગ અને નેટવર્કનું ખતરનાક કારસ્તાન સામે આવ્યું છે.

જેણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની પરીક્ષાનું પેપર મેળવી ગુજરાતમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનો સંપર્ક કરી પેપર લીકના સમગ્ર ષડયંત્રને અંજામ આપ્યો હતો. આ નવા ડેવલપમેન્ટ અંગે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, ગત તા.૨૯મી નવેમ્બરની રાત્રે યશપાલસિંહ સોલંકી સાથે ઉપરોકત પકડાયેલા ચાર આરોપીઓ નાના ચિલોડા ખાતે એકત્ર થયા હતા અને તેમની સાથે એલઆરડીની પરીક્ષા આપવાવાળા અન્ય વિદ્યાર્થીઓ ત્રણ ઇનોવા અને એક તુફાન ગાડી મળી કુલ ચાર વાહનોમાં દિલ્હી જવા રવાના થયા હતા. તા.૩૦મી નવેમ્બરે આ તમામ ગાડીઓ ગુડગાંવ પહોંચી હતી અને ત્યાંથી તેમને ઉતારી ગુજરાતની ગાડીઓ ત્યાં જ મૂકી અન્ય ગાડીઓમાં બેસાડી દિલ્હી લઇ જવાયા હતા. પેપર લીક કરતી ગેંગના સભ્યો દ્વારા ગુજરાતના આ પરીક્ષાર્થી ઉમેદવારોને પાંચ-પાંચના ગ્રુપમાં અલગ-અલગ જગ્યાએ લઇ જવાયા હતા અને જયાં ઉમેદવારોને લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર વાંચવા માટે આપ્યું હતું અને તેની આન્સર શીટ બતાવી હતી. બે કલાક સુધી પેપર વાંચવા માટે આપ્યા બાદ દિલ્હીની ગેંગના સભ્યો દ્વારા ફરીથી ઉમેદવારોને પાંચ-પાંચના ગ્રુપમાં તેમની કારોમાં ગુડગાંડ લાવવામાં આવ્યા હતા. ત્યાંથી ફરી પાછી ગુજરાતની ગાડીઓમાં આ ઉમેદવારો ગુજરાત આવવા નીકળી ગયા હતા. આમ, દિલ્હી સ્થિત ગેંગ, તેના ખતરનાક કાવતરાનો પર્દાફાશ થયો હતો.

Share This Article