અમદાવાદ : ગીર સોમનાથ જિલ્લાના જસાધાર રેન્જના ફેરડા વિસ્તારમાંથી ચાર માસના સિંહબાળનો મૃતદેહ મળતાં ભારે ચકચાર મચી ગઇ હતી. હજુ ગીરપંથકમાં દલખાણિયા અને જસાધાર રેન્જમાં ૨૩ સિંહોના મોતનો મામલો શમ્યો નથી અને હજુ થોડા દિવસ પહેલાં જ ત્રણ સિંહબાળના મોતને લઇ ભારે ચકચાર મચી હતી ત્યારે આજે જસાધાર રેન્જમાં ફરેડા વિસ્તારમાંથી ચાર મહિનાના વધુ એક સિંહબાળનો મૃતદેહ મળતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો. એક પછી એક સિંહબાળના મોતની ઘટનાને લઇ હવે રાજય સરકાર, સ્થાનિક વનવિભાગ અને તંત્રના અધિકારીઓ સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. તો, બીજીબાજુ, સિંહોના મોતનો ગંભીર સિલસિલો અટકવાનું નામ નહી લેતાં વન્યજીવ પ્રેમી સહિતના પ્રજાજનોમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાવા પામી છે.
ગીર પંથકમાં ૨૩ સિંહોના મોત મામલે ખુદ ગુજરાત હાઇકોર્ટે ગંભીર નોંધ લઇ સુઓમોટો રિટ દાખલ કરી હવે કોઇ વધુ સિંહ કે સિંહબાળના મોત ના થાય તેની ખાસ તકેદારી રાખવા અને અસરકારક પગલાં લેવા રાજય સરકાર સહિતના સત્તાવાળાઓને મહત્વના આદેશો જારી કર્યા હતા પરંતુ આ આદેશો બાદ પણ તાજેતરમાં ત્રણ સિંહબાળના મોત સામે આવ્યા હતા.
એ ઘટનાના વિવાદ અને ચકચાર હજુ શમ્યા નથી ત્યાં આજે ફરીથી જસાધાર રેન્જમાં ફરેડા વિસ્તારમાંથી ચાર મહિનાના વધુ એક સિંહબાળનો મૃતદેહ મળતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક વનવિભાગ, પોલીસ અને તંત્રના અધિકારીઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને જરૂરી તપાસ હાથ ધરી હતી. વનવિભાગના અધિકારીઓએ સિંહબાળના મૃતદેહને પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જા કે, પ્રાથમિક અનુમાનમાં કોઇ બિમારીને લીધે સિંહબાળનું મૃત્યુ થયાનું જણાવાઇ રહ્યું છે તેમછતાં વનવિભાગના અધિકારીઓ ચોક્કસ કારણની તપાસ કરી રહ્યા છે. બીજીબાજુ, ગીર પંથકમાં એક પછી એક સિંહોના મોતનો સિલસિલો જારી રહેતાં વન્યજીવ પ્રેમીઓ સહિત રાજયના પ્રજાજનો અને નાગરિકોમાં તંત્ર સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે અને તેમના પરત્વે ઉગ્ર આક્રોશની લાગણી વ્યકત કરી રહ્યા છે.