અમદાવાદ: ગીર પંથકમાં સિંહોના મોત મામલે ગુજરાત હાઇકોર્ટના આકરા વલણ અને ગંભીર ચેતવણી બાદ હવે રાજય સરકાર પણ હરકતમાં આવી છે. આજે સુરત ખાતે એક કાર્યક્રમમાં હાજરી દરમ્યાન રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગીરમાં સિંહોના મોત મામલે ચિંતા વ્યકત કરી હતી અને હૈયાધારણ આપી હતી કે, સિંહોના જતન અને રક્ષણ મામલે સરકાર કૃતનિશ્ચયી છે. આ મુદ્દે સરકાર સહેજપણ કચાશ કે કસર નહી રાખે. સરકાર તમામ પ્રકારે સિંહોના રક્ષણ અને જતન માટેની કામગીરી કરી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત જિલ્લાના કામરેજ ખાતે ઉમાંમંગલ હોલમાં આયોજિત નગરપાલિકા પ્રશિક્ષણ શિબિર-૨૦૧૮માં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગીરમાં સિંહોના નિપજેલા મૃત્યુ મામલે રાજ્ય સરકાર અત્યંત ગંભીર છે.
ચાર સિંહમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ(સી.ડી.વી.) જોવા મળ્યા હતા. ગીરના સિંહોના સંરક્ષણ માટે રાજ્ય સરકાર કૃતનિશ્ચયી હોવાનું રૂપાણીએ દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ સિંહોના ફેફસાને નુકસાન પહોંચાડી તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટાડી દે છે. સિંહોમાં વ્યાપેલા વાઈરસ સામે તેમને સંરક્ષિત કરવા અમેરિકાથી ખાસ વેક્સીન મંગાવાઈ છે. અન્ય સિંહોને ઇન્ફેકશન ન થાય તે માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં કેન્દ્રની ટીમ તથા સેન્ટ્રલ ઝૂના નિષ્ણાંતોની મદદ લેવાઈ છે.
મુખ્યમંત્રીએ રાજ્યમાં ઓછો વરસાદ પડવાને કારણે અછતની સ્થિતિનું નિર્માણ થયું હોવાનું જણાવી ઉમેર્યું કે, અછત અને ખેડૂતોની પરિસ્થિતિ મુદ્દે રાજ્ય સરકાર ચિંતિત છે. રાજ્ય સરકારે અછતગ્રસ્ત વિસ્તારોની સ્થિતિની સમીક્ષા કરી ૧૫૦ મિમિથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા રાજ્યના ૧૭ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. જેમાં કચ્છના ૧૦ અને બનાસકાંઠાના ચાર તાલુકાનો પણ સમાવેશ થાય છે. અછતની પરિÂસ્થતિમાં પણ ખેડૂતોને શકય એટલી મહત્તમ મદદ કરવાનું આશ્વાસન તેમણે આપ્યું હતું.