વાલિયામાં દીપડી તેમજ બે મોરના વીજળીકરંટથી મોત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના મોખડી ગામ નજીક એક ખેતરમાં મોરનો શિકાર કરવા આવેલ દીપડીને વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે દિપડીની સાથે બે મોરને પણ વીજ કરંટ લાગતા તેમના પણ મોત નિપજતા સ્થાનિક વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બીજીબાજુ, વન્યજીવ પ્રેમીઓમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી.   આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વાલિયા તાલુકાના મોખડી ગામની સીમમાં હરેન્દ્ર વાસદિયાના ખેતરમાં એક દીપડી શિકારની શોધમાં આવી ચઢી હતી.

દરમિયાન દીપડીએ મોરનો શિકાર કરવા તેના ઉપર તરાપ મારતા મોર અને દિપડી બંન્નેવને હાઈવોલ્ટેજ ડીપીનો વીજ કરંટ લગતા ઘટના સ્થળે જ મોર અને દીપડીનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં અન્ય એક મોરને પણ વીજ કરંટ લાગતા તે પણ મોતને ભેટ્યો હતો. આ બનાવની જાણ મોખડી ગામમાં થતા ઘટના સ્થળે ગ્રામજનોના ટોળા ઉમટી પડ્‌યા હતા. આ ઘટના અંગે નેત્રંગ વન વિભાગમાં જાણ કરતા વન વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આવી હતી.

વન વિભાગ દ્વારા તપાસ કરતા મરણ જનાર દીપડી આશરે ચારથી પાંચ વર્ષની હોવાનું માલુમ પડ્‌યું હતું. વન વિભાગે મૃત દીપડી અને બે મોરના મૃતદેહને નેત્રંગ વન વિભાગની કચેરી ખાતે લઈ જઈ તેમનું વેટરનરી ડોક્ટર પાસે પોસ્ટ મોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને પગલે વન્યજીવ પ્રેમીઓમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરેલી જાવા મળી હતી.

Share This Article