ગાંધીનગર : વીજળીના કડાકાભડાકા સાથે ધીમી ધારે વરસાદ પડ્યો હતો. ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક લો-પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત થવાથી અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં ભેજવાળા પવન ખેંચાઈને આવ્યા છે. અરબ સાગરમાં સર્જાયેલી પેટર્નના કારણે વરસાદી ઝાપટું પડવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 90થી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના દસાડામાં 3 ઈંચ, રાજકોટના ઉપલેટામાં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કમોસમી વરસાદે તારાજી સર્જી છે.
આ ઉપરાંત અમરેલી શહેરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બપોર બાદ વાતાવરણ પલટાયું છે. વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો છે. અમરેલી શહેર ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદના પગલે ખેડૂતોના ચહેરા પર ચિંતાના વાદળો છવાયા છે. અમરેલીના વડિયામાં સળંગ બીજા દિવસે વરસાદી વાતાવરણ હતું. વીજળીના કડાકાભડાકા સાથે ધીમી ધારે વરસાદ પડ્યો હતો.
હાલ જૂનાગઢ, ગીર, સોમનાથ, દીવ, અમરેલી, ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી સહિત ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. રાજકોટના ધોરાજીમાં પાટણવાવમાં એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ઓસમ ડુંગર પર ધોધમાર વરસાદ વરસ્યો હતો, વરસાદને કારણે પાટણવાવ જળબંબાકાર થયું હતું. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા. ઉપલેટાના તલંગણા ગામમાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી ચોમાસુ પાકને ભારે નુક્સાન થયું છે.