ગાંઠિયા, મઠો ને દાળવડા ચટ્કાવે અમદાવાદ,
કાંકરિયા ને વસ્ત્રાપુર ની Picnic અમદાવાદ,
Multiplex ને Shopping Mallની રંગત અમદાવાદ,
ભવ્ય અને ભાતીગળ, Hot-n-Happening અમદાવાદ…
– વૈશાલી અને કુલદીપ ભટ્ટ
એ ય ને ખડીયાની પોળમાંથી નીકળીને રાયપૂરના ભજીયા ખાઈને ગાંધી સોડાશોપમાંથી સોડા પીને રિવરફ્રન્ટ પર ટહેલતા ટહેલતા સાબરમતી નદીના પાણીમાંથી ઉઠતી ઠંડી ઠંડી લહેરો જ્યારે તન બદનને અડીને જાયને ત્યારે એમ થાય કે ભાઈ..! ભાઈ…! જલ્સા તો અમદાવાદીઓ જ કરે છે.
હા,તમને એમ થશે કે આજ આ અચાનક અમદાવાદ કેમ યાદ આવી ગયું…?!? તો કે –
આજે ભારતદેશના સાતમા ક્રમના,ગુજરાત રાજ્યના સૌથી મોટા અને 1960-70ના ગાળામાં રાજ્યના પાટનગર રહી ચૂકેલા શહેર અમદાવાદનો આજે જન્મદિવસ છે,સ્થાપના દિવસ છે. છ સૈકાઓથી આ શહેર અનેક અદભુત ઘટનાઓનું સાક્ષી બની રહ્યું છે.
તો ચાલો એક આંટો મારીએ અમદાવાદનો……
ઐતિહાસિક પૃષ્ઠભૂમિ :-
૧૯મી સદી પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદી થી વસે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ થી ઓળખાતું. એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામક શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે. સોલંકીનું રાજ ૧૩મી સદી સુધી ચાલ્યું, ત્યાર બાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા કુળ દ્વારા કરવામાં આવ્યું અને ૧૪૧૧માં કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો હતો, અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી.
અમદાવાદની સ્થાપના પાછળ પણ એક સરસ મજાની દંતકથા રહેલી છે. ” કુત્તે પે જબ સસ્સા આયા,તબ અહેમદશાહને શહર બસાયા.” કહેવાય છે કે અહેમદશાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીના કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાને કુતરાનો પીછો કરતા જોયું.સુલતાન ત્યારે પોતાના રાજ્યની રાજધાની વસાવવા માટેના સ્થળની શોધમાં હતા તેમણે આ બહાદુરીના કારનામાંથી પ્રભાવિત થઈને સાબરમતીનદીના કિનારા નજીકનો જંગલવિસ્તાર પોતાના પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો અને 26મી ફેબ્રુઆરી 1411ના દિવસે એ વખતના ચાર જાણીતા અહમદ નામના સૂફી સંતો – એક શેખ અહેમદ ગંજબક્ષ ખટુ,સુલતાન અહેમદ,શેખ અહેમદ,અને મુલ્લા અહેમદ આ ચારેના હાથે અમદાવાદ શહેરનો પાયો નખાયો અને નામ અપાયું ‘ અહેમદાબાદ’ જેમાંથી અપભ્રંશ થઈને નામ પડ્યું અમદાવાદ.
ઈ.સ. ૧૪૮૭માં અહમદ શાહના પૌત્ર મહમૂદ બેગડાએ અમદાવાદની ચોતરફ ૧૦ કી.મી. પરીમીતીનો કોટ ચણાવ્યો, જેમાં ૧૨ દરવાજા અને ૧૮૯ પંચકોણી બુરજોનો સમાવેશ થાય છે. ઈ.સ. ૧૫૫૩ માં જ્યારે ગુજરાત ના રાજા બહાદુર શાહ ભાગી ને દીવ જતા રહ્યા ત્યારે રાજા હુમાયુ એ અમદાવાદ પર આંશિક કબજો કર્યો હતો. ત્યાર બાદ અમદાવાદ પર મુઝાફરીદ લોકો નો ફરી થી કબજો થાય ગયો હતો, અને પછી મુગલ રાજા અકબર એ અમદાવાદ ને પાછુ પોતાનું રાજ્ય બનાવ્યું. મુગલ કાળ દરમ્યાન અમદાવાદ, રાજ્ય નું ધગ-મગતું ઓદ્યોગિક કેન્દ્ર બન્યું જ્યાં થી કાપડ યુરોપ મોકલાતું. મુગલ રાજા શાહજહાં એ પોતાનો ઘણો સમય અમદાવાદ માં વિતાવ્યો, જે દરમ્યાન તેણે શાહીબાગ માં આવેલું મોતી શાહી મહાલ બનાવડાવ્યું. અમદાવાદ ૧૭૫૮ સુધી મુગલો નું મુખ્યાલય રહ્યું, ત્યાર બાદ તેમણે મરાઠા સામે સમર્પણ કર્યું. મરાઠા કાળ દરમ્યાન અમદાવાદ તેની ચમક ધીરે ધીરે ખોવા માંડ્યું અને તે પૂના ના પેશ્વા અને બરોડા ના ગાયકવાડ ના મતભેદ નો શિકાર બન્યું.
એ વખતથી માંડીને આજ સુધી અમદાવાદે દરેક ગુજરાતી અને દેશ અને દુનિયાના લોકોના દિલમાં પણ પોતાનું એક આગવું સ્થાન જમાવ્યું છે.
અંગ્રજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું. અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યાં. કાપડની મિલૉને લીધે અમદાવાદ પૂર્વનું ‘માંચેસ્ટર’ પણ કહેવાતું હતું. મે ૧૯૬૦ થી નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ. હાલ ગાંધીનગર નવું પાટનગર બનવા છતાં અમદાવાદની મહત્તા એવી જ છે, સામાન્ય રીતે આજકાલ ગાંધીનગરને ગુજરાતનું રાજકીય પાટનગર અને અમદાવાદને વાણિજ્યિક પાટનગર કહેવામા આવે છે.
જીવનશૈલી અને માણસો :-
અમદાવાદની સાચી ઓળખ એની પોળ છે. પોળના ઉલ્લેખ વિના અમદાવાદની ઓળખ અધૂરી ગણાય છે. UNOએ અમદાવાદની પોળોને ‘ Living Heritage ‘ તરીકે ઓળખાવી છે.પોળ એટલે કોઈ એક જ્ઞાતિ સમૂહ કે ધંધાના માણસોને રહેવા માટે ફાળવવામાં આવતો કે વાસવાયેલો વિસ્તાર.એ વખતની આ સુવિધા કુટુંબને સલામતી અને પરસ્પર સબંધ આપે છે.અમદાવાદમાં 165 પોળ આવેલી છે.
અમદાવાદમાં રહેતા માણસો પણ આવા જ આગવા છે. સ્વભાવે એકદમ practical હોવાને લીધે અમદાવાદીઓ ચાલાક અને હોશિયાર તરીકેની છાપ ધરાવે છે.પોતાના કામ સિવાય કોઈની સાથે નિસબત ના રાખનાર અમદાવાદી નરમ અને ઋજુ દિલનો એક કડક મિજાજી માણસ છે.
ખાણી-પીણી અને ખરીદી :-
અમદાવાદનું નામ પડે ને ખાણી-પીણી અને ખરીદી યાદના આવે એવું બને ખરું…!!!
ખાવાના શોખીન એવા અમદાવાદીઓ પાસે ઘણી બધી વેરાયટી અને સ્થળ ઉપલબ્ધ છે.પણ માણેકચોકની તો વાત જ ન્યારી છે.
માણેકચોકના ઝવેરી બજારમાં તમે સાંજના સમયે જાવ એટલે તમને જ્વેલરી માર્કેટ ધીરે ધીરે ખાણીપીણીના સ્વર્ગમાં બદલાતુ જોવા મળશે. ચોકમાં પ્રવેશો એટલે તમને ડાબી બાજુ રાણીનો હજીરો અને જમણી બાજુ બાદશાહનો હજીરો જોવા મળે. અહીંના સ્વાદિષ્ટ ફૂડની ખુશ્બુ, ખાસ કરીને બટરની આગળ પડતી સ્મેલને કારણે ખાવા-પીવાનો કોઈપણ શોખીન પોતાની જાતને રોકી નથી શકતો. અમદાવાદમાં ખાણી-પીણીના શોખીન માટેનું કોઈ સ્વર્ગ હોય તો તે માણેકચોક.
અહીંની ખાસિયતો છે પાવ-ભાજી, કુલ્ફી, આઈસક્રીમ, ઢોંસા, ચાટ, સેન્ડવિચ અને ઠંડી છાશ. ખાણીપીણીની આ જગ્યા એવી છે કે ત્યાં તમે જે માંગો એ તમને મળે છે. આ બજાર આખુ વર્ષ મોડી રાત સુધી ધમધમે છે.બાબા માણેકની સમાધીની બાજુમાં જ આવેલી લારી માણેક સેન્ડવિચ તેની ચોકલેટ સેન્ડવિચ માટે આખા શહેરમાં પ્રખ્યાત છે. માણેક સેન્ડવિચ ચોકલેટ, પાઈનેપલ, વેજિટેબલ, ફ્યુઝન વગેરે 50થી વધુ પ્રકારની સેન્ડવિચ બનાવે છે.
આમ ખાવા પીવાની બાબતમાં અમદાવાદીઓ જેવું સુખ ભાગ્યે જ કોઈ ભોગવે છે.
જોવાલાયક સ્થળો :-
અમદાવાદના એક એક વિસ્તારમાં એક એક જોવાલાયક સ્થળ છે પરંતુ એમાંથી ગાંધી આશ્રમ,કાંકરિયા તળાવ,હઠીસિંહના ડેરા,સાયન્સ સીટી,સિદી સૈયદની જાળી અને રિવરફ્રન્ટ જોયા વગર જો તમે અમદાવાદથી પાછા આવો તો તો તમારો અમદાવાદ સુધીનો ફેરો અફળ જાય.આવા આનંદ સાથે કંઈક અલગ જ અનુભૂતિ કરાવતા સ્થળો એકવાર ખરેખર જોવા જેવા છે
મહત્વ :-
★સરદાર પટેલે અમદાવાદથી જ રાજકીય ક્ષેત્રમાં જંપલાવ્યું.
★ મહાત્મા ગાંધીએ સાબરમતી નદીના પશ્ચિમ તીરે (કોચરબ) આશ્રમની સ્થાપના કરી જે આજે કસ્તુરબા આશ્રમ તરીકે ઓળખાય છે. અને બીજો આશ્રમ વાડજ નજીક સાબરમતી વિસ્તારમાં સ્થાપ્યો જે આજે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે.
★ અંગ્રજોના શાસન કાળ દરમિયાન ગાંધીજીના લીધે અમદાવાદ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય મથક બની રહ્યું.
★ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ ૧૯૨૦ માં અમદાવાદ માં કરી.
★ ડો. વિક્રમ સારાભાઈ નો ઉછેર અમદાવાદમાં થયો અને સારાભાઈ ઉદ્યોગ અમદાવાદમાં વિકસ્યો. તેમના સહયોગથી ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઈસરો), ટેક્ષટાઇલ સંશોધન કેન્દ્ર (અટીરા) અને ભૌતિક પ્રયોગ શાળા (પી.આર.એલ.) અમદાવાદમાં સ્થપાયા.
★ કસ્તુરભાઈ લાલભાઈ અને લાલભાઈ દલપતભાઈ જેવા ઉદ્યોગપતિઓના પ્રયત્ન અને સહયોગથી ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં એલ.ડી. એન્જીનીયરીંગ અને એલ.ડી. આર્ટસ્ કોલેજો અને બીજી સંસ્થાઓ સ્થપાઇ.
ભારત અને એશિયાની પ્રથમ કક્ષાની સંસ્થા ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (આઇ.આઇ.એમ.) અમદાવાદમાં આવેલી છે. તે સિવાયની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇન, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યુટ્ ઓફ્ કોમ્યુનિકેશન એન્ડ્ ઇન્ફ્ર્મેશન ટેકનોલોજી (DA-IICT) અને પ્લાઝમા અનુસંધાન સંસ્થાન (IPR) પણ અમદાવાદમાં આવેલ છે.
★ અમદાવાદ આજે અન્ય મેટ્રો શહેરો જેવા કે મુંબઈ, દિલ્લી(દિલ્હી), કોલકત્તા, ચેન્નાઈ ની સમકક્ષ બની ગયેલ છે.
આવા અદભુત અને આગવા અમદાવાદની મુલાકાત એકવાર તો કરવી જ રહી…. તો આવો અમદાવાદ એ જ સાથે માણીએ વૈશાલી અને કુલદીપ ભટ્ટની કવિતા અભિનવ અમદાવાદ….
ષષ્ઠ શતિએ વંદન તુજને અભિનવ અમદાવાદ,
હૈયું જાણે ગુજરાત નું, મહાનગર અમદાવાદ,
રાષ્ટ્ર ની નવરચના માં અગ્રીમ અમદાવાદ,
ભવ્ય અને ભાતીગળ, Hot-n-Happening અમદાવાદ
BRTS ની દ્રુતગતી થી વિકસતું અમદાવાદ,
Flyovers થી સુશોભિત, નવનિર્મિત અમદાવાદ,
S.G., C.G., અને Satellite પર જળકે અમદાવાદ,
ભવ્ય અને ભાતીગળ, Hot-n-Happening અમદાવાદ…
ગાંઠિયા, મઠો ને દાળવડા ચટ્કાવે અમદાવાદ,
કાંકરિયા ને વસ્ત્રાપુર ની Picnic અમદાવાદ,
Multiplex ને Shopping Mall ની રંગત અમદાવાદ,
ભવ્ય અને ભાતીગળ, Hot-n-Happening અમદાવાદ…
ભારતીય પ્રબંધ સંસ્થા (IIM) નું અધિષ્ઠાન અમદાવાદ,
ISRO થી અંતરીક્ષ નું અભિયાન અમદાવાદ,
NID, Nirma, CEPT નું પ્રતિષ્ઠાન અમદાવાદ,
ભવ્ય અને ભાતીગળ, Hot-n-Happening અમદાવાદ
Guest Authors: વૈશાલી અને કુલદીપ ભટ્ટ
(સંકલન અને લેખન :- યુગ અગ્રાવત )
છબી સૌજન્યઃ અમ્યુકો
મારા વ્હાલા અમદાવાદને અને અમદાવાદવાસીઓને નગરના જન્મદિવસના વધામણાં આપવા અહિં ક્લિક કરોઃ