ગાંધીનગરઃ ગુજરાતમાંથી રક્તપિત્તના કાયમી નિર્મૂલન માટે પ્રયત્નશીલ આરોગ્ય વિભાગ દ્વારા તા.૨૦ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન ૧૨ જિલ્લાઓમાં અસરકારક તપાસ અભિયાન હાથ ધરાશે. અગ્રસચિવ અને આરોગ્ય કમિશનર ડૉ. જયંતી એસ. રવિએ ગાંધીનગરમાં જણાવ્યું હતું કે, રક્તપિત્તનું ઉચ્ચ પ્રમાણદર ધરાવતા વડોદરા, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને મહિસાગર તથા સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાઓમાં રક્તપિત્તના વણશોધાયેલા દર્દીઓને શોધી કાઢીને તેમની સારવાર શરૂ કરવા તથા રક્તપિત્તનો ચેપ બીજાને ન લાગે તે અટકાવવા માટે આરોગ્ય વિભાગના ૨૯,૬૪૬ લોકોની બનેલી ટીમો ૪૪ લાખથી વધુ ઘરોની મુલાકાત લઇને રક્તપિત્ત નિર્મૂલન માટેની સઘન કામગીરી કરશે.
રક્તપિત્ત નિર્મૂલન માટે રાજ્યકક્ષાની સંકલન સમિતિની બેઠકમાં આ અભિયાનના આયોજનની સમીક્ષા કરતાં આરોગ્ય કમિશનર ડૉ. જયંતી એસ.રવિએ જણાવ્યું હતું કે, હવે સારવારથી સો એ સો ટકા સાજા થઇ શકાય છે એવા રક્તપિત્તના રોગના લક્ષણો જેવા કે; ચામડી ઉપર ચાઠું દેખાય જેમાં સંવેદનાનો અભાવ જેવું જણાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો. રાજ્ય સરકાર તરફથી આ માટે વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધ છે.
નાયબ નિયામક (રક્તપિત્ત) ગિરીશભાઇ ઠાકરે રક્તપિત્ત નિર્મૂલન અભિયાન વિષે માહિતી આપતાં જણાવ્યું હતું કે, વડોદરા અને સુરત ઝોનના ૧૨ જિલ્લાઓની ર કરોડથી વધુ વસતીને સઘન તપાસ હેઠળ આવરી લેવા જિલ્લા, તાલુકા અને ગ્રામીણ કક્ષાએ માઇક્રો આયોજન કરવામાં આવ્યું છે. ડોર-ટુ-ડોર સર્વે પછી ખાસ કરીને ડાંગ જિલ્લામાં આગામી સપ્ટેમ્બર મહિનામાં પુન: સ્પેશિયલ સર્વે કરાશે. સારવાર પછી રક્તપિત્ત મટી ગયું હોય એવા દર્દીઓ માટે ઓકટોબર-૨૦૧૮ દરમિયાન પુન:સ્થાપન માટે સર્જરી કેમ્પ યોજાશે.