જામનગર: ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા પ્રેરીત તેમજ આઇ.સી.ડી.એસ. જીલ્લા પંચાયત જામનગર દ્વારા આયોજીત સ્થાનિક સ્વરાજની ચૂંટાયેલી મહિલાઓ અને અન્ય મહિલાઓને મહિલા વિષયક કાયદાઓ અને મહિલા સશક્તિકરણ અંગેની યોજનાઓની જાણકારી મળી રહે તે હેતુ માટેની કાયદાકીય જાગૃતિ શિબિર ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલીયાની અધ્યક્ષતામાં જામનગરના ટાઉનહોલ ખાતે યોજાઇ હતી.
આ કાયદાકીય શિબિરમાં બહેનોના અધિકારો વિશે માર્ગદર્શન આપતા ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલીયાએ જણાવ્યુ હતુ કે, મહિલાઓ શિક્ષણ થકી પોતાના અધિકારોને ઓળખી સમાજમાં થતાં મહિલા શોષણને અટકાવવા જાગૃત થવુ જોઇએ. આ બાબતે ભારતના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૧ માં મહિલા અને બાળ વિકાસની રચના કરી હતી તેમજ ૨૦૦૫ માં ગુજરાત રાજ્ય મહિલા આયોગની રચના કરવામાં આવી હતી. આયોગની રચના થયા બાદ અત્યાર સુધીમાં અંદાજીત ૧૮૦૦૦ મહિલા શોષણ સબંધિત પ્રશ્નોનો સમાધાન મહિલા આયોગ દ્વારા કરવામાં આવેલ છે. મહિલાઓને ઝડપી ન્યાય મળે તે ઉદેશથી ગુજરાતમાં રાજ્ય સરકારના પ્રયત્નો દ્વારા ૨૭૦ જેટલી નારી અદાલતો કાર્યરત છે અને આ નારી અદાલત દ્વારા ૨૫૦૦૦ પ્રશ્નોનું સમાધાન થયેલ છે. આ ઉપરાંત અભયમ હેલ્પ લાઇન ૧૮૧ દ્વારા મહિલાઓ પર થતા અત્યાચારનું તાત્કાલીક નિવારણ આવે તે માટે ૨૪ કલાક કાર્યરત રહે છે. તેનાથી મહિલાઓ પર થતા અત્યાચારોમાં ઘણો ઘટાડો નોંધાયેલ છે, જે સરાહનીય છે.
આ શિબિરમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય સુષ્મા શાહુએ મહિલાઓને શિક્ષિત થઇ પોતાના અધિકારોની જાણકારી મેળવી અને મહિલા શોષણ અટકાવવા જરૂરી માર્ગદર્શન અને કાયદાકીય કલમોની જાણકારી આપી હતી. સાથે જ મહિલાઓએ પોતાની જવાબદારી સમજી પોતાના બાળકોને વધારેમાં વધારે સમય ફાળવી બાળકોને ગુન્હાહીત પ્રવૃતિમાં ન ધકેલાય તેની કાળજી લેવા અનુરોધ કર્યો હતો.
નારી શક્તિ રાષ્ટ્ર શક્તિ બને તે દિશામાં રાજ્ય સરકારના પ્રયત્નોને પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીએ બિરદાવ્યા હતા અને રાજ્ય સરકારની મહિલા સુરક્ષા, મહિલા સશક્તિકરણ તેમજ મહિલાઓને લગતી વિવિધ રાજ્ય સરકારની યોજનાઓને બિરદાવી હતી. જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીકે મહિલાઓને પોતાના અધિકારોને લગતા કાયદાઓની વિસ્તૃત માહિતી આપી હતી. આ શિબિરમાં જીલ્લા પંચાયત દ્વારા સગર્ભા બહેનોને કાળજી લેવા અંગેના કેલેન્ડરનું વિમોચન કરવામાં આવેલુ હતુ અને સગર્ભા બહેનોને તે કેલેન્ડરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ.