અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સૂકો અને ભીનો કચરો અલગ કરીને કચરાગાડીને આપવા માટેની ટ્રીંગરીંગ ઇવેન્ટ યોજાઇ હતી, જેમાં તંત્રના ૪૫ હજાર જેટલા કર્મચારીઓ જોડાયા હતા. ખુદ કમિશનર વિજય નેહરા શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને સમજાવવા માટે સવારથી ફર્યા હતા અને અમ્યુકોની આ નવી ઝુંબેશને લઇ લોકોને જાગૃત અને માહિતગાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આમ તો, અમ્યુકોએ તા.૩જી ડિસેમ્બરથી શહેરીજનોને સૂકો અને ભીનો કચરો અલગ કરીને આપવાની અને સૂકા-ભીના મિક્સ કચરાને ઉપાડવામાં નહીં આવે તેવી સ્પષ્ટ તાકીદ કરી હતી. જા કે, અમ્યુકો તંત્ર દ્વારા હજુ આગામી પંદર દિવસ સુધી લોકોને આ મામલે જાગૃત કરાશે અને સૂકો અને ભીનો કચરો અલગથી આપવા સમજાવાશે. પંદર દિવસ બાદ જા નાગરિકોને તેમછતાં નહી સમજે અને સૂકો-ભીનો કચરો ભેગો કરી આપશે તો તેઓની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાશે. અમદાવાદને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની દિશામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઇકાલે મોટાપાયે ટ્રીગરીંગ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. શહેરના વિવિધ વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ લોકો સાથે સીધો સંપર્ક કર્યો હતો અને સૂકો-ભીનો કચરો અલગ કરી આપવા નગરજનોને સમજાવ્યા હતા અને જાગૃત કર્યા હતા.
શહેરમાં હાલમાં સરેરાશ ૩૭૦૦ મેટ્રીક ટન જેટલો દૈનિક કચરો પેદા થાય છે, જેને પિરાણા ડમ્પ સાઇટ પર ઠલવાય છે. જો કચરાને યોગ્ય રીતે પ્રોસેસ કરાય તો ડમ્પસાઇટ પરનું કચરાનું ભારણ ઘટાડી શકાય અને સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ શહેર આગળ આવી શકે તેવો ઉદ્દેશ્ય આ ટ્રીગરીંગ ઇવેન્ટ પાછળ રહ્યો હતો. આશરે ૧૦૦૦ મેટ્રીક ટન ભીના કચરાને પ્રોસેસ કરીને તેમાંથી ખાતર તેમજ આરડીએફ બનાવાય છે તો એમઆરએફ સેન્ટરમાં રેક પીકર્સ સૂકો કચરો છૂટો પાડી તેમાંથી ઉપયોગી સામાનને લઇ જાય છે દરમ્યાન શહેરના શાસકોએ આજથી સૂકો-ભીનો કચરો અલગ કરીને લઇ જવાના તંત્રના નિર્ણયનો લોકોએ સ્વાગત હોવાનો દાવો કર્યો છે. અમ્યુકો તંત્રએ સ્પષ્ટ તાકીદ કરી હતી કે, આગામી પંદર દિવસ સુધી સૂકો અને ભીનો કચરો અલગથી આપવા માટે લોકોને સમજાવશે. ત્યારબાદ મિક્સ કચરો આપનારા સામે દંડાત્મક કાર્યવાહી કરાશે. જા કે, કેટલી પેનલ્ટી લેવાશે તે હવે પછી નક્કી થશે. અલબત્ત, મિક્સ કચરો લઇ જતી કચરાગાડી પકડાશે તો તેના કોન્ટ્રાક્ટર સામે આજથી જ પેનલ્ટી લેવાશે.
કચરાગાડીઓએ શહેરમાંથી કેટલો સૂકો અને ભીનો કચરો મળીને કુલ કેટલો કચરો એકઠો કર્યા તેનો રિપોર્ટ પણ મેળવાશે. બીજીબાજુ, શહેરના ખોખરા સહિતના વિસ્તારોમાં નગરજનોને અમ્યુકો તંત્ર પાસે સૂકા અને ભીના કચરા માટે અલગ-અલગ ડસ્ટબીન ફાળવવા માંગણી કરી હતી. સત્તાવાળાઓ દ્વારા શહેરભરમાં અગિયાર લાખ પેમ્ફલેટનું વિતરણ કરાયું હોવા છતાં અમુક વિસ્તારમાં તંત્રના સોમવારથી સુકો-ભીનો કચરો અલગ કરીને આપવાનો જાહેરાત છતાં કેટલાક વિસ્તારમાં લોકોને જાણ નહી થઇ હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી.