અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, સુશાસનના ચાર સ્થંભ પારદર્શીતા, સંવેદનશીલતા, નિર્ણાયક્તા અને પ્રગતિશીલતા જેવા સુશાસનના ચાર સ્થંભો દ્વારા અંતરીયાળ વિસ્તારના નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભો પૂરા પાડવા માટે રાજય સરકારે યોજેલ સેવા સેતુ કાર્યક્રમ સાચા અર્થમાં લોકાભિમુખ કાર્યક્રમ બની ગયો છે. સેવા સેતુના માધ્યમ દ્વારા રાજયના પ્રજાજનોને યોજનાકીય લાભો તાલુકા કે જિલ્લા કચેરીએ ગયા વગર ગ્રામ્યકક્ષાએ મળતા થાય, તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ આ નવતર અભિગમને રાજ્યમાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા વ્યક્તિલક્ષી રજુઆતોના સ્થળ પર નિકાલ થાય તે હેતુથી શરૂ થયેલ રાજ્ય વ્યાપી સેવા સેતુના ચોથા તબક્કાનો આજથી પ્રારંભ થયો છે. મહેસાણા જિલ્લાના સાંગણપુર ખાતેથી આ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ઉમેર્યું હતું કે, સેવા સેતુ કાર્યક્રમમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોની સેવાઓ જેવી કે, આવકના દાખલા, જાતિ દાખલા, આધાર કાર્ડ, રેશન કાર્ડ, ક્રિમિલેયર પ્રમાણપત્ર, વિધવા સહાય, જમીન માપણી નવી નોંધ દાખલ કરવી, મા અમૃતમ, વાત્સલ્ય કાર્ડ જેવી અનેકવિધ સેવાઓ સ્થળ પર જ તાત્કાલિક આપવામાં આવી રહી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ઉમેર્યું હતું કે, રાજય સરકાર દ્વારા અનેકવિધ વિભાગો હેઠળની રજૂઆતોના નિકાલ માટેની સઘન અને સુદ્રઢ વ્યવસ્થાનું આયોજન કરાયું છે. તેમણે ઉમેર્યું હતું કે, ખેડુતો માટે રાજ્ય સરકારે ૮ કલાકને બદલે ૧૦ કલાક વીજળી આપી જેમાં સરકારને રૂ.૨૫૦ કરોડનો ખર્ચ કરવો પડી રહ્યો છે. ખેડુતોના હિત માટે રાજ્ય સરકાર રૂ.૪૫૦૦ કરોડની વીજસબસીડી આપી રહી છે. સાંસદ જયશ્રીબહેન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર છેવાડાના માનવીને વિવિધ સુવિધાઓ અને સવલતો પ્રાપ્ત થાય તે દિશામાં સેવા સેતુના માધ્યમથી કામ કરી રહી છે. સાંસદએ આગામી અઠવાડીયામાં યોજાનાર અભયમ્ મહિલા સંમેલન અને ૨૮ ઓગસ્ટે યોજાનાર દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમની માહિતી આપી હતી.
૨૮ ઓગષ્ટે સવારે ૧૧ કલાકે પાલાવાસણા ડા.બાબા સાહેબ આંબેડકર સ્ટેડીયમ ખાતે યોજાનારા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોત, રાજ્યના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમાર, જિલ્લા પ્રભારી મંત્રી વિભાવરીબહેન દવે, દંડક ભરતસિંહ ડાભીની ઉપસ્થિતિમાં ૩૦૦૦ દિવ્યાંગોને ૩.૨૧ કરોડના સાધન સહાયનું વિતરણ થવાનું છે. જિલ્લા કલેકટર એચ.કે.પટેલે જણાવ્યું હતું કે, તાલુકાકક્ષાએ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ૮ થી ૧૦ ગામોના પ્રજાજનો કેમ્પ યોજીને જુદા-જુદા અધિકારીઓની સમિતિ દ્વારા આવકના દાખલા, જાતિના દાખલા, આધાર કાર્ડ, રેશન કાર્ડ, ક્રિમીલીયર પ્રમાણપત્ર, વિધવા સહાય, સરકાર દ્વારા અપાતી અન્ય સહાયો, જમીન માપણી, નવી નોંધ દાખલ કરવી, મા અમૃતમ કાર્ડ તથા મા વાત્સલ્ય કાર્ડ જેવી અનેકવિધ સેવાઓ સ્થળ ઉપર તાત્કાલિક આપવામાં આવશે.
સરકારના પ્રયોગથી પ્રજાને કાર્યક્ષમ વહીવટીતંત્રની અનુભૂતિ થઇ રહી છે. મહેસાણા જિલ્લામાં અગાઉ યોજાયેલ ત્રણ તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં હકારાત્મક રીતે નિરાકરણ કરવામાં આવ્યું હતું સેવા સેતુ કાર્યક્રમના ત્રણ તબક્કાઓમાં ૪૧૧૭૩ અરજીઓ શહેરી વિસ્તાર અને ૧૬૮૨૪૩ અરજીઓનો ગ્રામ્ય વિસ્તારમાં નિકાલ કરાયો છે. ચોથા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમમાં સાંગણપુર, ધોળાસણ, જેતલપુર, ભાકડીયા, ગેરતપુર, જગુદણ, કોચવા અને દીતાસણ ગામના લાભાર્થીઓએ વિવિધ સેવાનો લાભ મેળવ્યો હતો. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી સહિત મહાનુભાવોના હસ્તે વિવિધ સેવાઓના પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. નાયબ મુખ્યમંત્રીએ ગ્રામજનોની પીવાના પાણીની સુવિધા માટે નવીન બોરનું ખાતમુર્હુત કર્યું હતું. ગ્રામજનો અને વિવિધ સંસ્થાઓ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. સાંસદએ સાંગણપુર ગામના કોમ્યુનિટી હોલ માટે ૫ લાખ અનુદાનની જાહેરાત કરી હતી.