અમદાવાદ : ગુજરાતની સૌપ્રથમ અને કંઇક અલગ પ્રકારના વિષયવસ્તુ સાથે આવી રહેલી સાયન્સ ફિકશન ફિલ્મ શોર્ટ સર્કીટનું ટ્રેઇલર આજે અમદાવાદમાં લોન્ચ કરવામાં આવ્યું હતું, જેને લઇ ફિલ્મના કલાકારો હીરો ધ્વનિત ઠાકર(જાણીતા રેડિયો જોકી), હીરોઇન કિંજલ રાજપ્રિય, ડિરેકટર ફૈઝલ હાશમી, સ્ટેન્ડ અપ કોમેડિયન સ્મિત પંડયા સહિતની સ્ટાર કાસ્ટ શહેરની મુલાકાતે આવ્યા હતા. આ પ્રસંગે શોર્ટ સર્કિટ ફિલ્મના હીરો ધ્વનિત ઠાકર અને હીરોઇન કિંજલ રાજપ્રિયએ જણાવ્યું હતું કે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ઇતિહાસમાં સૌપ્રથમવાર આ પ્રકારની સાયન્સ ફિકશન ફિલ્મ આવી રહી છે, જે લોકોને બહુ ગમશે. આ એક સાયન્સ ફિકશન પર આધારિત થ્રીલર ફિલ્મ છે, જેની સ્ટોરી કંઇક અલગ જ અને ફિલ્મના અંત સુધી પબ્લીકને જકડી રાખે તેવી છે.
સૌથી નોંધનીય વાત એ છે કે, આ ફિલ્મમાં સાયન્સ ફિકશનને લઇ ડિરેકટર ફૈઝલ શાહથી લઇ કલાકારો અને તમામ ટીમે બહુ મહેનત કરી છે. આ સૌપ્રથમ એવી ગુજરાતી ફિલ્મ છે કે, જેનું ટોટલી ઓડિયો મીકસીંગ દક્ષિણ ભારતમાં દેશના ખ્યાતનામ સીંગર અને સંગીતકાર એ.આર.રહેમાનના સ્ટુડિયોમાં થયું છે. એટલું જ નહી, સૌપ્રથમવાર શોર્ટ સર્કિટમાં ફિલ્મના તમામ વીએફ એક્સનું કામ ગુજરાતમાં જ પૂર્ણ કરાયું છે. જે ગૌરવ અને આનંદની વાત કહી શકાય. ઘણા સમય પછી ગુજરાતની પ્રજાને બહુ અદ્ભુત અને જબરદસ્ત ફિલ્મ જોવા મળશે, જે ઘણી સફળ રહેશે એવી અમને આશા છે.
શોર્ટ સર્કિટ ફિલ્મમાં બહુ જ અલગ પ્રકારનો રોલ કર્યો હોવાથી લોકો હવે તેને આરજે ધ્વનિતના બદલે એકટર ધ્વનિત ઠાકર તરીકે ઓળખશે તેવી આશા વ્યકત કરતાં ધ્વનિતે વધુમાં જણાવ્યું કે, આ ફિલ્મના એકશન સીન માટે તેણે ઘણી મહેનત કરી છે, જે દરમ્યાન તેને વાગ્યુ પણ છે અને ફ્રેકચર પણ થયું છે. તેણે આ ફિલ્મમાં કંઇક અલગ અને નવું કરવાનો પ્રયાસ કર્યો છે. મારા માટે આ ફિલ્મનો અભિનય અને રોલ પડકારજનક હતો. કારણ કે, લોકો મને આરજેમાંથી એકટર તરીકે ઓળખે તે માટેનો મારો બહુ મહેનતભર્યો આ પ્રયાસ છે. આ પ્રસંગે શોર્ટ સર્કિટ ફિલ્મના ડિરેકટર ફૈઝલ હાશમીએ જણાવ્યું હતું કે, ફિલ્મના ટીઝરને જોરદાર પ્રતિસાદ પહેલેથી જ સાંપડયો છે, તેને લઇ અમે ખૂબ ઉત્સાહિત છીએ. આ ફિલ્મમાં વીએફએકસ દર્શકોએ ગુજરાતી ફિલ્મમાં આજ સુધી કયારેય નહી જાયા હોય તેવા જાવા મળશે, જે પ્રેક્ષકોને બહુ જ ગમશે. સામાન્ય રીતે કોઇપણ સાયન્સ ફિકશન ફિલ્મમાં ૨૫૦-૩૦૦ની આસપાસ વીએફએક્સ શોટ્સ હોય છે પરંતુ શોર્ટ સર્કિટ ફિલ્મમાં ૧૧૩૨ જેટલા વીએફએક્સ શોટ્સ કંડારાયા છે.
આ ફિલ્મની સિનેમેટોગ્રાફી માટે ઇન્ટરનેશનલ ટીમ જોડાઇ હતી. ફિલ્મનું મ્યુઝિક જાણીતા મ્યુઝિક કમ્પોઝર મેહુલ સુરતીએ કમ્પોઝ કર્યું છે કે જેમણે તાજેતરમાં જ રિલીઝ થયેલી સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષયકુમારની ૨.૦ ફિલ્મનું મ્યુઝિક મિક્સ્ડ કર્યું હતું. તા.૧૧મી જાન્યુઆરીએ રિલીઝ થનારી શોર્ટ સર્કિટ ફિલ્મ સૌપ્રથમ સાયન્સ ફિકશન ટાઇમ થ્રીલર ઝોનમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની બેન્ચમાર્ક ફિલ્મ સાબિત થશે એમ તેમણે ઉમેર્યું હતું.