અમદાવાદ: એએમટીએસના સૌથી વધુ મહત્વપૂર્ણ એવા લાલ દરવાજા ટર્મિનસથી દૈનિક ૪૯ ઓપરેટિંગ રૂટનું સંચાલન થતું હોઈ અહીંથી ૧૮૮ બસ ઉપડે છે અને ૩૩ રૂટની બસની અવરજવર થતી હોઈ દૈનિક ૨.૨૫ લાખ ઉતારુઓથી આ ટર્મિનસ ધમધમે છે. એએમટીએસ અને અમ્યુકો તંત્ર માટે પણ લાલદરવાજા એ મહત્વનું અને મુખ્ય બસ ટર્મિનસ છે. જેથી લાલ દરવાજા ટર્મિનસના નવીનીકરણના જૂના શાસકોના પ્રોજેક્ટમાં કેટલાક મહત્વના ફેરફાર કરવાનું આયોજન હાથ ધરાયું છે. આ ફેરફાર મુજબ મુસાફરો માટે લાલ દરવાજા ટર્મિનસને સોલર પેનલથી ઝળહળતું કરાશે.
જો કે, કેટલાક ફેરફારો અને નવી ડિઝાઇનને લઇ લાલદરવાજા ટર્મિનસના નવીનીકરણનો પ્રોજેકટ થોડો વિલંબમાં પડયો છે. અગાઉના એએમટીએસના ચેરમેન ચંદ્રપ્રકાશ દવેના કાર્યકાળમાં લાલ દરવાજા ટર્મિનસના નવીનીકરણનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. ગત તા. ૪ જુલાઈ, ૨૦૧૮એ નવીનીકરણના પ્રોજેક્ટનું પ્લેટફોર્મ નંબર-૧ ખાતે ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રોજેક્ટ હેઠળ પહેલાં રૂ. ૧.૭૯ કરોડના ખર્ચે આરસીસી રોડનું નિર્માણ બાદ ટર્મિનસના કુલ સાત પ્લેટફોર્મનું એક પછી એક નવીનીકરણ હાથ ધરાવાનું હતું.
નવા પ્લેટફોર્મના નિર્માણ પાછળ રૂ. ૧.૭૯ કરોડ અને પ્લેટફોર્મ નંબર-૦ના સ્થાને રૂ. ૮૯.૩૪ લાખના ખર્ચે નવું ઓફિસ બિલ્ડિંગ આકાર લેવાનું હતું, જેમાં સીસીટીવી કેમેરા, વીઆઈપી વેઈટિંગ રૂમ, ર્રનિંગ સ્ટાફ માટે રેસ્ટરૂમ, ઓનલાઈન બુકિંગ સિસ્ટમ, વર્કશોપ, લોકરરૂમ સહિતની સુવિધા પૂરી પાડવાની કામગીરી બે વર્ષમાં પૂર્ણ કરવાની હતી. જોકે નવા શાસકોએ જૂના પ્રોજેક્ટની ડિઝાઈનમાં કેટલાક ફેરફાર સૂચવ્યા છે, જે મુજબ હવે ટર્મિનસને સોલર પેનલથી ઝળહળતું કરાશે. હાલમાં નવી ડિઝાઈન તૈયાર થઈ રહી હોઈ સમગ્ર પ્રોજેક્ટ વિલંબમાં મુકાયો છે, જેના કારણે ભૂમિપૂજનના અઢી મહિના બાદ પણ પ્રોજેક્ટલક્ષી કોઇ નક્કર કે અસરકારક કામગીરી હાથ ધરાઇ નથી. અલબત્ત, હવે નવા આયોજન અને ફેરફાર પ્રમાણે કામગીરી થશે તે નક્કી છે.