“અણસાર ” ( લઘુકથા સંગ્રહ.)
લેખિકા–સુનીતા ઇજ્જતકુમાર
આપણા જાણીતા લઘુકથા લેખક શ્રી ઇજ્જતકુમાર ત્રિવેદીનાં સુપુત્રી સુનીતા ઇજ્જતકુમાર ( પિતાજીના સાહિત્યિક વારસાને આગળ લઇ જતી દીકરી )નો હમણાં જ પ્રકાશિત થયેલ લઘુકથા સંગ્રહ ” અણસાર ” મળ્યો. માત્ર ત્રેવીસ જ લઘુકથાઓ જોઇને એમ થયું કે કેમ આટલી ઓછી લઘુકથાઓ ? પૂરી પચાસ પણ નહિ ?? પણ પછી થયુ, ઓછું છે એટલે એ ઉત્તમ જ હશે.. ને મારી ધારણા ખરેખર સાચી જ પડી..લેખિકાને આ સંગ્રહ બદલ ખૂબ ખૂબ અભિનંદન .
પૂ. શ્રી મોરારી બાપુના આશીર્વાદ અને શ્રી ભાગ્યેશભાઇ ઝા સાહેબ તેમ જ મુ. શ્રી મોહનલાલ પટેલની પ્રસ્તાવના વાંચતાં આ આખા સંગ્રહની દરેક કથાને શાંતિથી વાંચવાનું અને સમજવાનું નક્કી કર્યુ.
૧. બાનો છાંયડો– વહુને સાસુમાં થતું પોતાની બા (મમ્મી) નું દર્શન અને તે પછી તેના પતિએ પણ દીકરાની બાની જેમ જ લીધેલ કાળજીની ભાવવાહી કથા..
૨. કૂંપળ કોળાતી અને કુંજરાતી– યુવાન વયે વિધુર બનેલ સુખો તેના નાના દીકરા હાટુ (કે કદાચ પોતાના માટે ય હોય એમ બેવડા હેતુથી) અન્ય સ્ત્રી સાથે લગ્ન કરવા બળદ ગાડુ જોડીને લીલાછમ્મ ખેતરમાં થઇને ઝડપભેર નીકળે છે ત્યારે ખેતરમાંની કચડાઇ રહેલી કૂંપળો જોઇ એ કશાક વિચારમાં પડી જાય છે, કદાચ એને એ કૂંપળમાં પોતાનો નાનો ગગો દેખાય છે અને તે બીજુ લગ્ન કરવાનું માંડી વાળે છે…સુંદર રચના
૩. રણે મીઠી વીરડી– દુ:ખ સંભળાવી શકાય એવું પોતાનુ કોઇ ન હોવાથી મુક્ત મને રડી નહિ શક્તી નાયિકા એના પતિએ માનેલી બહેન એકાએક મધરાતે આવી મળતાં એની સમક્ષ મન મૂકીને પોતાની વ્યથા ઠાલવે છે એ વાંચતાં આંખ સહેજ ભીની થઇ ગઇ..
૪.જાંઘનો ઘા– નાની બેનને મળવા આવેલી મોટી બેન કાશી એના પતિ તરફથી થતી અવગણનાને સિફતથી છૂપાવી રાખે છે, પણ એનો નાનો દીકરો એની સાથે મસ્તી કરે છે ત્યારે એ જે રીતે ખુશ થાય છે એ જોતાં એમ લાગે છે કે એણે પતિની અવગણનાને ખૂબ સહજ રીતે પચાવી દીધી છે, એથી જ વાર્તાનું શીર્ષક “જાંઘનો ઘા ” યથાર્થ પૂરવાર થાય છે.
૫.ભીતરે કોરાતો મોભીડો– ત્રણ દીકરાઓને ત્યાં વારે રહેતાં મા બાપને મોટાને ત્યાં મહિનો પૂરો થતાં વચલાના ઘેર જવાનું થાય છે ત્યારે પાછું થેલા તૈયાર કરીને જવાનું ગમતું નથી એ મોટાનો નાનો દીકરો કળી જાય છે ને પોતાની માને કહે છે કે,
” જો તો મા, દાદા દાદી હડી કાઢી ને કેવાં હાંફે ચઢ્યાં છે , હવે એમણે કાંઇ અહીંથી તહીં થોડું જવાય હેં ? તું જ કે’તી’તી કે હાંફે ચઢ્યા પછી રઝળપાટ ન કરાય ! તું મને પ્રેમથી કહે એટલે તારું માનીને હું કેવો બેસી જાવ છું એટલે તું જ દાદા બાને કહે એ પણ તારું માનશે હેં ને …! ”
મોટાની વહુ અને મોટો એમના દીકરાની વાતને સ્વીકારીને મા બાપની હાંફને વધારે ચઢતી અટકાવી દઇ પોતાને ત્યાં જ રાખી લે છે..ચોટદાર અને ભાવનાસભર લઘુ કથા.
૬. પડી પટોળે ભાત– અન્યને પ્રેમના ઇશારા કરતાં જોઇ પોતાના હ્રદયમાં થતી પ્રેમની અનુભૂતિની સુંદર વાર્તા. એક વાક્ય સ્પર્શી ગયું. ” જો રૂમઝૂમ કરતી નદી બાજુમાંથી જ વહેતી હોય તો જીંદગીને ચાહતો શાણો માનવ તરસ્યો રહે ખરો ?”
૭. અનુવાદ– વૃધ્ધાવસ્થા અને વૃધ્ધ દંપતિ પ્રત્યેની સંવેદના વ્યક્ત કરતી સુંદર કથા.
૮. કમાડ ખોલું ને વસંત– લાગણીસભર સુંદર કથા. વિનાયકના પ્રવચનને સાંભળવા બુરખો ઓઢીને આવેલી એની પત્ની અંતમાં ખરેખર વસંત બની જાય છે… અને એ રીતે બીજાના દંપત્યને માર્ગ ચીંધતા ડોક્ટરનું દાંપત્ય પણ મહેંકી ઉઠે છે..
૯ માટી.. વકવાળી ને વગરની– લાખો અને મણિમા, લાભુ અને જીવલીની આ વાતમાં દીકરા લાખાને ઉછેરવામાં રહી ગયેલી ખામીનો અહેસાસ જીવલી અને તેના દીકરા લાભુને જોતાં મણિમાને થઇ જાય છે ત્યારે વાચક પણ એ અહેસાસમાં કદાચ ડૂબી જાય છે,ના ના અરે ડૂબીજ જવાય છે ….. વાહ જીવલી વાહ.
૧૦. જીર્ણોધ્ધાર– અરજણની ગામ લોકો પ્રત્યેની સેવા અને ગામ માટે કશું ક કરી છૂટવાની ભાવનામાંથી પ્રગટતી એની દાતારીની કથા.
૧૧. પોત– સેવાભાવી ભાઇ પણ ભાભી ના મનમાં બા (સાસુ ) પ્રત્યેની કડવાશ, બાના મરણ પછી પોત બદલવા ઝડપથી પિયરે ગયેલી ભાભીને નાયિકા કહે છે, ” બાની પાછળ તો કંઇ જ નહોતું કરવાનું,પણ જો પહેલાં કંઇક કર્યુ હોત તો…”
૧૨. એકલોહિયાં– પરષોત્તમ અને નરોત્તમ બંન્ને મિત્રોની પોત પોતાની માની ઇચ્છા પૂરી કરવાની અને પૂરી નહિ કરવાની અદભૂત પણ વિચાર કરતા કરે તેવી થિયરીવાળી કથા…… અદભૂત
૧૩. ” આમ” ભણીની દોટ– અન્યને સુખી કરીને જ સમૃધ્ધ થવાય એવો બોધ આપતી લઘુકથા.
૧૪.”પંગુમ લંઘયતે ગિરિમ” માં પોતાના પતિ સાજણ અને અમથાની પત્ની દિવાળી વચ્ચે કશું રંધાઇ જાય એ પહેલાં જ દિવાળીને સાવચેત કરવાની અમથીની સમયસૂચકતા જબરદસ્ત……
૧૫. “ઇસ અને ઉપલુ” માં પતિ પત્નીની સમજણ અને “નાળ” વાર્તામાં નાળનું રૂપક ગમી ગયું.
૧૬ ” ધોબી પછાડ ” માં મંજુ પર દાનત બગાડનાર બાપુની ખુદની દીકરી જ સાસરેથી પાછી આવે છે ત્યારે તેમના હ્રદયમાં થતું પરિવર્તન દર્શાવતી સુંદર વાર્તાઓ છે.”અણસાર” સંગ્રહના શીર્ષકવાળી કથા કદાચ લેખિકાની પોતાની જ લાગે છે.આ કથામાં નાયક કે જે લેખિકાના પતિ છે તેમના મુખે અંતમાં કહેવાતું વાક્ય “અણસાર” નો ખરો અર્થ બતાવી જાય છે.
૧૭. ” ટપલી ” આ લઘુકથામાં સાસુ વહુનો કોઇ બગડેલાને સુધારવાનો સ્વાનુંભવ આલ્હાદક અને પ્રેરક..
૧૮. ” મા” મમતા – આ કથા વાંચતાં કુંવરબા જેવું મમતાળુ પાત્ર દરેક ગામમાં હોય તો કેવું ? એવું મનમાં થઇ આવે છે, કુંવરબાના શબ્દે માથાફરેલ કેશવ એની કાઢી મૂકેલ ઘરવાળીને એના પિયરે જઇ તેડી લાવે છે, વાહ કુંવરબા..
આ સંગ્રહ તેની લેખિકામાં રહેલી અપ્રતિમ સાહિત્ય રચવાની ક્ષમતાનો અણસાર દરેક વાચકને આપી જ જાય છે. અને એમાં પણ એમને જરૂરથી સફળતા મળશે જ…એવો મને વિશ્વાસ છે
એકંદરે આ સંગ્રહની બધી લઘુકથાઓ માણવી ગમે છે. આ વાર્તાઓ ખૂબ શાંતિપૂર્વક ધ્યાન રાખીને વાંચનાર ભાવક એનું હાર્દ સારી અને સાચી રીતે માણી શક્શે. દરેક વાર્તા પર ત્રણથી ચાર પાના જેટલી સમીક્ષા થઇ શકે એમ છે. તેમ છતાં મોટાભાગની કથામાં આવતું વર્ણન, ઘટનાક્રમ વગેરે જોતાં એવું લાગે છે કે લેખિકાએ નવલિકા ઉપર પણ હાથ અજમાવવા જેવો છે, અંતમાં લેખિકા તરફથી વધુને વધુ સરળ શૈલીમાં છતાં ગહન બોધ આપે તેવી લઘુકથાઓ અને નવલિકાઓ ગુજરાતી સાહિત્યને મળે તેવી અપેક્ષા અને તેને માટે હ્રદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
- અનંત પટેલ