લગ્ન માટે ઉતાવળ કે ઢીલ — બંને ન ચાલે

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

લગ્ન માટે ઉતાવળ કે ઢીલ — બંને ન ચાલે

હમણાં એક મિત્રના દીકરાને એક પ્રશ્ન બાબતે મળવાનું થયું. એના લગ્નના માત્ર ચાર જ માસમાં તો એની પત્ની છૂટા છેડા આપવા તૈયાર થઇ ગઇ હતી…..મને થયું ચાર જ માસમાં કોઇ છોકરી છૂટા છેડા માટે તૈયાર થઇ જાય તો એમાં કદાચ લગ્ન પૂર્વેનું છોકરીનું અથવા છોકરાનુ કોઇ અફેર જ કારણભૂત હોઇ શકે, એ સિવાય તો આટલા શોર્ટપિરિયડમાં છૂટા પડવાની નોબત ન આવે. મેં આ અંગે વધારે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે આવું કોઇ જ કારણ ન હતું પણ છોકરી વડોદરાની હતી અને તેને અમદાવાદ પરણાવી હતી અને તેને અમદવાદમાં પતિના ઘરે રહેવાનુ ફાવતું ન હતું. પોતાના પપ્પાના ઘરને તે ભૂલી જ શકતી ન હતી. એનાં મમ્મી પપ્પાએ એને ઘણી સમજાવી કે……

“ દીકરી તો પારકી થાપણ છે એને તો પતિના ઘરને જ પોતાનું ઘર બનાવી દેવાનું હોય છે…”

“ ડાહી દીકરી તો સાસરિયે જ શોભે..”

“ વળી મમ્મી પપ્પાને ફોન કરીને ખબર અંતર ક્યાં નથી પૂછી શકાતા? “

“ લગ્નની ગંભીરતા છોકરીએ સમજવી પડે , છૂટા છેડા લીધા પછી એ શું કાયમને માટે મમ્મી પપ્પાના ઘરે રહી શકશે  ? “

“  પિયરમાં ભવિષ્યમાં તેનાં ભાઇ ભાભીઓ સાથે તેને ફાવશે ખરું  ?  “

—-  આવી અનેક દલીલો કરીને તેનાં મમ્મી પપ્પા તેમ જ તેનાં સાસુ સસરા પતિ વગેરે એ  સીધી કે આડકતરી રીતે તેને સમજાવવાની ઘણી કોશિશ કરી પણ છેવટે તે ન જ માની….

આ ઉપરથી એમ લાગે છે કે છોકરા કે છોકરીના લગ્ન બાબતમાં તેમણે પોતે કે તેમનાં વડીલોએ કશી ઉતાવળ ન કરવી  જોઇએ . પહેલાંના કરતાં આજે પ્રવાહ બદલાયો છે. વડીલોએગોઠવેલાંલગ્નો કરતાં છોકરા છોકરીએ ગોઠવેલાંલગ્નોને વડીલો દ્વારા સ્વીકારી લેવાનું વલણ વધતું જોવા મળી રહ્યું છે, એ કદાચ સારી નિશાની પણ લાગેછે. આમ છતાં મોટા ભાગનાં લગ્નો કે જે વડીલો દ્વારાજ ગોઠવાય છે તેમાં લગ્ન પહેલાં છોકરા છોકરીને સાથે હરવા ફરવાની અને એક બીજાના સ્વભાવને ઓળખવાની પૂરેપૂરી તક આપવી જોઇએ. જો આમ થાય તો લગ્ન પછી એ બન્નેનું દાંપત્ય ખૂબ જ સારી રીતે આગળ વધી શકશે…

દરેક મા બાપે છોકરા કે છોકરીને લગ્ન પહેલાં જ લગ્ન પછીના જીવન માટે સારી રીતે એજ્યુકેટ કરવાં જોઇએ . તેમને નવા સંબંધ અને સગપણ માટે માનસિક રીતે સુસજ્જ કરવાં જોઇએ. સમાજમાં આજે છૂટા છેડા લેવાનાકિસ્સા વધી રહ્યા હોય તેમ જણાય છે જે સારી બાબત ન કહેવાય. આપણે જાણીએ જ છીએ કે લગ્ન એ કંઇ ટૂકાગાળા માટે નો કોઇ સંબંધ નથી. એ પતિ પત્નીના જીવનના અંત સુધીનો સબંધ છે, તેને માટે પરિપક્વતાવાળાનિર્ણયો લેવાય તે જરુરી છે.એટલે છોકરા છોકરીના સગપણ પછી લગ્ન માટે ઉતાવળ કરવાને બદલે શક્ય હોય તો ઓછામાં ઓછું છ મહિના જવા દીધા પછી જ મગ ચોખા ભેગા થાય તો તેનાથી તેમના સંસારની ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે એમ મને લાગે છે.

બીજી તરફ ઘણા કિસ્સાઓમાં લગ્ન બાબતે ઘણી ઢીલ અથવા વિલંબકારી નીતિ જોવા મળે છે. સામાન્ય રીતે મોડામાંમોડુ પચ્ચીસ વર્ષની ઉંમર સુધીમાં છોકરીનું અને ત્રીસ વર્ષની ઉંમર સુધીમાં છોકરાનું લગ્ન યોગ્ય પાત્ર સાથે ગોઠવાઇ જાય તેવી દીર્ઘદષ્ટિ તેમના વડીલોએ રાખવી જ જોઇએ. પણ તેમાં આવા સંવાદ-દલીલો સાંભળવા મળે છે…..

“  થાય છે… થાય છે….  !!! ”

“ યાર શું ઉતાવળ છે  ? ‘

“  ઘણી છોકરીઓ કે છોકરાઓ છે એટલે ગમે ત્યાં મેળ  તો પડી જ જશે….”

“ મને ગમશે ત્યારે જ હું હા પાડીશ……”

આવી દલીલો બરાબર નથી. છોકરાએ કે છોકરીએ  પસંદગીની બાબતમાં જીદ્દી વલણ છોડવું જોઇએ. બાંધ છોડની ભાવના રાખવી જોઇએ. છોકરા કે છોકરીએ પોતાનું વ્યક્તિત્વ—લાયકાત—દેખાવ—અભ્યાસ વગેરે ધ્યાનમાં રાખીને જ સામેના પાત્રની પસંદગી કરવાનું રાખવું જોઇએ, નહિતર પછી ક્યાંય મેળ પડતો નથી ને પડે છે તો પછી બન્નેમાંથી કોઇ એકને કે પછી બન્નેને પસ્તાવાનો વારો આવે છે

આમ લગ્નની બાબતમાં ખોટી ઉતાવળ પણ ન ચાલે કે બિનજરુરી ઢીલ પણ સારુ પરિણામ આપતી નથી.

  • અનંત પટેલ

anat e1526386679192

Share This Article