અમદાવાદ : ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને રાજય સરકારમાં કંઇક નવા-જૂની થાય તેવી જારદાર ચર્ચા અને અટકળો ઉઠવા પામી છે. હાલમાં જ જસદણની પેટાચૂંટણી જંગી બહુમતિથી જીતી ચૂકેલા કુંવરજી બાવળિયાને અચાનક દિલ્હીનું તેડું આવ્યું અને વડાપ્રધાન મોદી સાથે તેમની મુલાકાત થઈ. એ સમાચારના પગલે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. લોકસભાની ચૂંટણીમાં જ્ઞાતિ સમીકરણો સંતુલિત કરવા ભાજપ હાઈકમાન્ડ કુંવરજીભાઈને નાયબ મુખ્યમંત્રી બનાવે એવી શક્યતાઓ ચર્ચાઈ રહી છે. જોકે દિલ્હીથી પરત આવેલા કુંવરજીભાઈએ આ શક્યતા નકારી દીધી છે, પરંતુ અગાઉ ભાજપમાં જોડાવા અંગે પણ છેલ્લી ઘડી સુધી નનૈયો ભણ્યા પછી ય તેમણે કેસરી ખેસ પહેરી લીધો હતો.
એટલે તાર્કિક રીતે પણ મજબૂત જણાતી નાયબ મુખ્યમંત્રી બનવાની શક્યતા નકારી શકાય નહિ એવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. લોકસભામાં પાટીદારોની નારાજગી સરભર કરવા કોળી સમાજને રિઝવવાનો દાવના ભાગરૂપે ભાજપ દ્વારા મહત્વના ફેરફાર થઇ શકે છે. ગુજરાતમાં પાટીદારો લાંબા સમયથી ભાજપથી નારાજ છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ પાટીદારોની નારાજગીના કારણે ભાજપને ઓછામાં ઓછી ૧૫-૨૦ બેઠકોનું નુકસાન થયું હતું. હાલ ખેડૂતોના પ્રશ્નોમાં પણ પાટીદાર સમાજ મુખ્ય છે. આથી આગામી લોકસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજની ભાજપની પરંપરાગત વોટબેન્કમાં ગાબડું પડે એવો ભય અસ્થાને નથી. તેની સામે કોળી સમાજની સંખ્યા સમગ્ર રાજ્યમાં પાટીદાર કરતાં પણ વધારે છે. ખાસ કરીને લોકસભાની અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, જુનાગઢ અને રાજકોટ એ પાંચ બેઠક પર કોળી સમાજ નિર્ણાયક બની શકે છે. કુંવરજીભાઈને નાયબ મુખ્યમંત્રી બનાવવાથી આ પાંચ બેઠકો પર ભાજપની જીત આસાન થઈ શકે છે.
એ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ કોળી સમાજના મત ભાજપને મળી શકે. પેટાચૂંટણીમાં ૧૯ હજારથી વધુ મતોની સરસાઈ મેળવીને કુંવરજીએ પોતાની લોકપ્રિયતા સિદ્ધ કરી દીધી છે. કોળી સમાજ પર વર્ચસ્વ ધરાવતા પરસોત્તમ સોલંકી અને હીરાલાલ સોલંકી વારંવાર સમાજના સમર્થનના બદલામાં ભાજપની નેતાગીરીનું નાક દબાવતા રહે છે. આથી તેમનો વિકલ્પ ઊભો કરવા માટે જ કુંવરજીને નાયબ મુખ્યમંત્રી બનાવવાથી કોળી સમાજને પોતે મહત્વ આપ્યું એવો ભાજપ દાવો કરી કોળી સમાજના મતો મેળવવાની વ્યૂહરચના પાર પાડી શકે છે. પાટીદારોના મત વહેંચાય તો તેની સામે મહદ્દ અંશે કોંગ્રેસની વોટબેન્ક ગણાતા કોળી સમાજના મત તોડીને ખોટ સરભર કરી શકાય. એ માટે કુંવરજી બાવળિયા બિલકુલ યોગ્ય પસંદગી બની રહે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે અમિત શાહને ખાસ બનતું નથી એ જગજાહેર છે.
રૂપાણી સરકાર સાથે પણ નાયબ મુખ્યમંત્રી હોવા છતાં નીતિનભાઈને છાશવારે તણખા ઝરી ચૂક્યા છે. પરંતુ નીતિનભાઈનું કદ ઘણું મોટું હોવાથી તેમને નારાજ કરવાનું ભાજપને પરવડે તેમ નથી. એ સંજોગોમાં નીતિનભાઈને લોકસભાની ચૂંટણીમાં મહેસાણાના ઉમેદવાર બનાવીને કેન્દ્રમાં લઈ જવા સંમત કરી શકાય. ચૂંટણી પછી ભાજપની સરકાર બને કે ન બને એવી શક્યતાઓનો છેદ ઊડાડવા હાલ જ નીતિનભાઈને કેન્દ્રીય પ્રધાનમંડળમાં વજનદાર ખાતું આપી શકાય અને ચૂંટાવાની મુદત આવે ત્યાં સુધીમાં લોકસભાની ચૂંટણીનો સમય પણ આવી જાય. આમ કરવાથી પાટીદાર સમાજની નારાજગી પણ ખાળી શકાય. જા કે, હાલ આ બધી અટકળો અને ચર્ચા વચ્ચે ગુજરાતનું રાજકારણ જારદાર ગરમાયું છે અને સરકારમાં પણ આંતરિક ગણગણાટ વધી ગયો છે.