કચ્છે ગુજરાતને વિકાસની ગતિ આપી છે : વડાપ્રધાન મોદી

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત છે. ગઈકાલે તેઓએ અમદાવાદમાં ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડની નવી ઇમારતનું ઉદ્‌ઘાટન કર્યું હતું. ત્યારબાદ સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજનું ઉદ્‌ઘાટન કર્યું હતું. જે બાદ સાંજે માતા હીરાબાને મળ્યાં હતા. ત્યારે આજે તેઓ કચ્છની મુલાકાતે આવ્યાં છે. ભુજમાં વડાપ્રધાનનો ૩ કિલોમીટરનો રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પરંપરાગત નૃત્યથી પીએમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. સવારે ભુજમાં આરટીઓ સર્કલથી માધાપર સામેના ભુજિયા કિલ્લાના સાંનિધ્યમાં સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા છે.

CM ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ તેમની સાથે હાજર રહ્યા છે. કચ્છીભાષામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણની શરૂઆત કરી હતી અને તેઓએ જણાવ્યું હતું કે, સ્મૃતિવન સમગ્ર દેશની વેદનાનું પ્રતિક છે આજે મન બહુ બધી ભાવનાઓથી ભરેલું છે. સ્મૃતિવનમાં ગયા બાદ બહાર નિકળવાનું મન જ થયું ન હતું. સ્મૃતિવનમાં પ્રદર્શન નિહાળીને જૂની યાદો તાજી થઈ ગઈ હતી.ભૂકંપના દિવસે હું દિલ્હીથી સીધો કચ્છમાં આવ્યો હતો. કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે હું સીએમ ન હતો. ત્યારે જ મે નક્કી કર્યુ કે હું તમારા દરેક દુખમાં ભાગીદાર બનીશ. ભૂંકપ બાદ કચ્છના લોકોની તેમજ મુખ્યમંત્રી બન્યા પછી મારી પણ પ્રથમ દિવાળી હતી જે અમે મનાવી ન હતી. ૨૦૦૧ની તબાહી બાદ કચ્છમાં થયેલું કામ અકલ્પનીય છે. કચ્છે સમગ્ર રાજ્યને વિકાસની ગતિ આપી છે, આજે કચ્છમાં દૂનિયાના સૌથી મોટા સિમેન્ટ પ્લાટન્ટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ હેઠળ ભુજિયા ડુંગરના સાંનિધ્યમાં રૂ. ૪૦૦ કરોડના ખર્ચે ૪૭૦ એકરમાં ભૂકંપ સ્મૃતિવન આકાર પામ્યું છે, જે દેશનો પ્રથમ અર્થક્વેક મેમોરિયલ પાર્ક બની રહેશે. ૧૦ વર્ષની લાંબી જહેમત બાદ વિશ્વકક્ષાનું ભૂકંપ સ્મૃતિવન કચ્છીવાસીઓ માટે સંવેદના પૂરી પાડનારું બની રહેશે. વર્ષ ૨૦૦૧માં આવેલા મહાભૂકંપમાં જીવ ગુમાવનારા ૧૩,૮૦૫ દિવંગત આત્માઓની સ્મૃતિને કાયમ રાખવા સદગતોની નામાવલિ તાલુકા મુજબ અલગ-અલગ તક્તીરૂપે કંડારી મૂકવામાં આવી છે. એની સાથે અહીં અભ્યાસુ લોકો માટે રીજનલ સાયન્સ સેન્ટર, અર્થક્વેક સિવ્યુલેટર સંકુલ, ૩૫ ચેકડેમ સહિતના પ્રકલ્પોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સ્થાનિક સાથે પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બની રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાદી ઉત્સવ અને અટલ બ્રિજનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ ગાંધીનગરના રાયસણ ખાતે માતા હીરાબાને મળ્યા હતા. જે બાદ આજે ભુજ શહેરના આરટીઓ સર્કલથી માધાપર સામેના ભુજિયા કિલ્લાના સાંનિધ્યમાં સ્મૃતિવનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું. ભુજમાં સ્મૃતિવનના લોકાર્પણ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેજ પર હતા, જે દરમિયાન સીઆર પાટીલને પણ લોકાર્પણ વિધિ વખતે સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા. સ્ટેજ પર જતી વખતે પાટીલ પગથીયું ચૂકી જતાં પડી ગયા હતા.

જોકે બાજુમાં જ ઉભેલા મુખ્યમંત્રીએ તેમનો હાથ પકડીને તેમને તરત ઉભા કરી દીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૧ના ભુકંપમાં દિવંગત થયેલાં લોકોની સ્મૃતિમાં ભુજીયા ડુંગર ખાતે બનાવેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું. સ્મારક અને સંગ્રહાલય સ્મૃતિવનનું લોકાર્પણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના મહાનુભાવો સાથે મેમોરિયલની વિવિધ ગેલેરીઓની મુલાકાત લીધી હતી. તેમણે પૃથ્વીનું સર્જન અને તેની રચનાના તબક્કા, ભૂકંપ સહિતની કુદરતી આપદાઓના ઉદભવ અને અસરો, બચાવની પ્રયુક્તિઓ, આપદાઓ બાદ પુનનિર્માણ સહિતની બાબતોની સમજણ આપતી ગેલેરીઓનું નિરીક્ષણ કરીને પ્રદર્શિત માહિતી, મોડેલ્સ અને પ્રસ્તુતિઓ નિહાળી હતી. વડાપ્રધાને આદિ શંકરાચાર્યના શ્લોક “સમ્યક સરતી ઇતિ સંસારપ.”ના ભાવ પર આધારિત ભૂકંપ સંગ્રહાલયના સંસારની ઉત્પત્તિ અને ગતિની વિભાવના સમજાવતી ફિલ્મ પણ રસપૂર્વક નિહાળી હતી. આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્મૃતિવનમાં નિર્માણાધીન ૫૦ ચેકડેમ પૈકી અંજાર – ૮ચેકડેમની મુલાકાત લીધી હતી. અહીંના વિવિધ ચેક્ડેમની દીવાલો પર નેમ પ્લેટમાં ભૂકંપમાં જીવ ગુમાવનાર ૧૨,૯૩૨ સદગતના નામ સમાવિષ્ટ કરીને તેમની સ્મૃતિ અમર કરવામાં આવી છે. આવી કુલ ૧૦૨૦ નેમ પ્લેટમાં તેમના ગામ, તાલુકા અને શહેરના નામની વિગત છે. ચેકડેમની મુલાકાત બાદ સન પોઇન્ટ પર જઇ બે દાયકામાં નવ નિર્માણ પામેલા ભુજનું વિહંગાવલોકન કર્યું હતું.

Share This Article