૨૭મી ફેબ્રુઆરીથી ગિરનાર શિવરાત્રિનો કુંભમેળો રહેશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : રાજ્ય સરકારે આગામી શિવરાત્રી દરમ્યાન તા.૨૭ ફેબ્રુઆરીથી તા.૪ માર્ચ દરમ્યાન ગીરનાર શિવરાત્રી કુંભ મેળાના ભવ્ય આયોજન માટે ૧૫ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મળેલી આ મેળાના આયોજન અંગેની બેઠકમાં તેમણે આ વિગતો આપી હતી. સાથે સાથે આ વર્ષે ગિરનારનો શિવરાત્રી કુંભમેળો સામાજિક સમરસતાની થીમ સાથે ઉજવાશે એમ મુખ્ય મંત્રી રૂપાણીએ જણાવ્યું હતું.

એટલું જ નહીં સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગ થી સ્વચ્છતા ઝુંબેશ કુંડો, નદી, નાળાની સફાઈ, મેરેથોન દોડ પર્વતારોહણ સ્પર્ધા, સ્પિરિચ્યુઅલ વોકના નવા આકર્ષણો પણ મેળામાં જોડવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીના નેતૃત્વમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં વિવિધ પાસા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. મેળાનું આયોજન સામાજિક સમરસતા થીમ ઉપર કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીએ જુનાગઢના આ મેળાને પ્રયાગરાજમાં યોજાતા કુંભમેળા સમકક્ષ મીની કુંભમેળા તરીકે યોજવાની નેમ સાથે ગુજરાતના અધિકારીઓની એક ટીમને જાત માહિતી માટે ત્યાં મોકલી હતી. આ ટીમના સૂચનો ધ્યાનમાં લઇને ગિરનાર કુંભ મેળો ભવ્ય બનાવવા વિજયભાઈ રૂપાણીએ આ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ મીની કુંભમેળામાં સંપૂર્ણ સ્વચ્છતા જળવાય તેનું ધ્યાન રાખવાનું રહેશે તેમજ સરકારી ભવનો ઉપર કુંભમેળાને અનુરૂપ ચિત્રો સુશોભન એલઇડી લાઇટ્‌સ હાઈ માસ્ક મુકવામાં આવશે.

આ મેળાના દિવસો દરમ્યાન ગિરનાર પર્વતની દીવાલ ઉપર લેઝર શો ફૂલો અને કલરની રંગોળી પણ કરવામાં આવશે. આ કુંભમેળામાં આવનારા મોટી સંખ્યાના સંતો માટે સંત સંકલન સમિતિ વિશ્વમ્ભર ભારતી બાપુ અને શેરનાથ બાપુ સાથે પરામર્શમાં રહીને રચવાનું પણ બેઠકમાં નક્કી થયું હતું. આ મેળામાં આવનારા શ્રદ્ધાળુઓ માટે વધુ સંખ્યામાં બસ ફાળવણી કરવા સાથે આ મેળો ભવ્ય સ્વચ્છ અને આધ્યાત્મિક ભાવનાનું આગવું પ્રતીક બને તેવા આયોજન માટે મુખ્યમંત્રીએ તાકીદ કરી હતી. તેમણે દર વર્ષે મેળામાં યોજાતી રવેડી ને બેન્ડ રાસ મંડળીઓ હાથી ઘોડા સાથે વધુ ધામધૂમ પૂર્વક યોજવા વિષયે પણ અગત્યના સૂચનો કર્યા હતા. આ બેઠકમાં યાત્રાધામ વિકાસ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અગ્ર સચિવ એમ.કે.દાસ, વન પ્રવાસન શહેરી વિકાસના અગ્ર સચિવો તેમજ વરિષ્ઠ અધિકારીઓ, જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર, કમિશનર, જીલ્લા કલેક્ટર તેમજ પૂજ્ય વિશ્વમ્ભર ભારતી બાપુ, શેરનાથ બાપુ સહિતના અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા. ગિરનાર પર્વતની દિવાલ પર લેસર શો મુખ્ય આકર્ષણ જમાવશે.

Share This Article