ગીતાનો આજે કોલેજનો પહેલો દિવસ હતો. સવારથી એટલી ઉત્સાહિત હતી કે નવા કપડાં, નવી બેગ, નવી કોલેજ વિશે વાત કરતાં થાકતી નહોતી. બે દિવસથી સપના પણ કોલેજનાં જ આવતા હતા. તો આજે એવું શું થયું કે અચાનક તેનું મોઢું પડી ગયુ…? એવું તો શું થયુ કે કોલેજ જતાં પહેલા જ રસ્તામાંથી પાછી વળી ગઈ…?
ગીતા….ઘરથી સ્કૂલ અને સ્કૂલથી ઘર …રમવાનું તો પણ ઘરનાં આંગણે જ…બહારની દુનિયા શું છે તે વિશે ક્યારેય જાણવું પણ જરૃરી નહોતું સમજ્યું. ભર્યાભાદરા પરિવારમાં રહેલી ગીતાને ક્યારેય ઘરની બહાર કોઈ બહેનપણીની જરુર જ નહોતી પડી. આજે પહેલીવાર બસમાં એકલી કોલેજ જવા નીકળી હતી. મમ્મીએ બસનાં ભાડા સાથે થોડા છૂટા રૃપિયા પણ આપ્યા હતા કોલેજનાં કેન્ટિનમાં વાપરવા માટે. બસ સ્ટોપ સુધી મોટી બહેન મુકવા આવી. સામે કોલેજે કાકાનો દિકરો રાહ જોઈને ઉભો હતો. પણ…
હજી તો બસમાં પહેલો પગ મૂક્યો હતો અને ત્યાં જ એક અશુધ્ધ નજર તેની આંખો અને પછી સમગ્ર કાયા પર ફરતી રહી. તેનો કોલેજનો ઉત્સાહ ધીરે ધીરે ડરમાં પરિવર્તિત થવા લાગ્યો. કોઈ પણ જાતનાં સ્પર્શ વગર પણ કોઈ આંખો તેને વિંધીને ચીરી રહી હોય તેવું લાગવા લાગ્યું. આધેડ વયની એ આંખો એવી છોકરમત કરતી હતી કે લગભગ છ-એક વાર તેણે પોતાનો દુપટ્ટો સરખો કર્યો. બસની ગતિની સાથે મનની ગભરામણની સ્થિતિ પણ વધતી જતી હતી. બે બસ સ્ટોપની વાર હતી કોલેજ પહોંચવામાં પણ પેલો આધેડ ગીતાની પવિત્રતાને છંછેડી રહ્યો હોય તેમ તેની તરફ આવવા લાગ્યો. અદાલતમાં ગુન્હેગાર ગીતા પર હાથ રાખીને બોલવાનું શરુ કરે તેમ તેણે વાત કરવાનો પ્રયત્ન કર્યો. ગીતા થોડી પાછળ હટી…આધેડે તેનો દુપટ્ટો પકડ્યો. તેની નજર આમતેમ ફરી તો કંટક્ટર અને તમામ પેસેન્જર તેની તરફ જ જોઈ રહ્યાં હતા પરંતુ કંઈ પણ કહેવાને બદલે તેઓ મનોરંજનનાં ભાગ સ્વરૃપે કુતુહલ વશ ગીતા સામે જોઈ રહ્યાં હતા. મનમાં વિચારોનો કાફલો ચાલી રહ્યો હતો ત્યાં તો અને કંટેક્ટરે ઘંટળી વગાડી. વિચારોનાં યુધ્ધે ચડેલી ગીતા પહેલા સ્ટોપે જ ઉતર ગઈ. કોલેજ ક્યારેય નહીં જવું એવું નક્કી કરીને ત્યાંથી જ પાછી વળી. એક યુધ્ધમાં ગીતાએ અર્જુનને જીત અપાવી હતી. આજે ગીતાએ હાર અપાવી. આ હાર હતી ગીતાનાં મક્કમ પરિબળની…સાથે સાથે કંડેક્ટરની…એ તમામ પેસેન્જરની હાર હતી જે આ દ્રશ્ય નીહાળી તો રહ્યાં હતા પણ કંઈ પ્રતિક્રિયા ન આપી.