અમદાવાદ : સોમનાથ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચેલા લોકગાયક કલાકાર કિર્તીદાન ગઢવી મંદિરની પૂજા વખતે બરમુડો પહેરીને વિવાદમાં ફસાયાં છે. કિર્તીદાન ગઢવીએ બરમુડો પહેરીને મંદિરનાં દર્શન અને પૂજા કર્યાં હતાં. જો કે આ દરમ્યાન કોઈ અધિકારીઓ દ્વારા તેમને રોકવામાં આવ્યાં ન હતાં.
જો કે, સોમનાથ દાદાના લાખો શ્રધ્ધાળુ ભકતોની ધાર્મિક લાગણી આ વાતને લઇ દુભાતા સોમનાથ મંદિરનાં ટ્રસ્ટ પણ હરકતમાં આવ્યું હતું અને આ સમગ્ર મામલામાં જરૂરી તપાસ કરવાનાં આદેશ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સોમનાથ મંદિરમાં ટૂંકા વસ્ત્રો -અર્ધસ્ત્રો જેવા પરિધાન પહેરીને અંદર જવા પર મનાઈ છે. ત્યારે જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવી બરમુડો પહેરીને મંદિરનાં દર્શન કરવા પહોંચ્યા હતા. તેમણે બરમુડો પહેરીને ભોળાનાથના દર્શન કર્યા હતા એટલું જ નહી, સોમનાથ મહાદેવની પૂજા પણ બરમુડો પહેરીને કરી હતી. જેને પગલે મંદિરના નિયમોનું ઉલ્લંઘન અને શ્રધ્ધાળુ ભકતોની ધાર્મિક આસ્થા દુભાયાની વાતને લઇ કિર્તીદાન ગઢવી વિવાદમાં ફસાયાં હતા. મંદિર દ્વારા પણ કિર્તીદાન ગઢવીને રોકવામાં આવ્યા ન હતાં. મંદિરમાં આટલી સિક્યોરિટી હોવા છતાં કોઈ જ સિક્યોરિટી ગાર્ડે કિર્તીદાનને રોક્યા ન હતાં. જેનાં કારણે મંદિરની સિક્યોરિટી પર પણ કેટલાંક સવાલો ઉભા થયાં છે.
ઉલ્લેખનીય છે કે જો સામાન્ય વ્યક્તિએ હાફ પેન્ટ પહેર્યું હોય તો તેઓને રીતસરનાં તગેડી મુકવામાં આવે છે. છતાં કિર્તીદાન ગઢવી પ્રખ્યાત લોકગાયક હોવાંથી તેઓ હાફ પેન્ટમાં પહોંચી જતાં સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, સોમનાથ મહાદેવના મંદિરમાં આવનાર કોઈ પણને ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશવાની મનાઈ છે, તો પછી વીઆઈપી મહેમાન તરીકે કિર્તીદાન ગઢવી માટે કેમ અલગ નિયમ આવા અનેક સવાલો આ વિવાદ બાદ ચર્ચાતા જોવા મળ્યા હતા. અહીં સવાલ કિર્તીદાન ગઢવી કે મંદિરનાં ટ્રસ્ટનો ઉભો નથી થતો પરંતુ અહીં સવાલ છે સોમનાથ મહાદેવ સાથે જોડાયેલ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનો. બીજીબાજુ, ભારે વિવાદ અને ચકચાર બાદ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ પણ હરકતમાં આવ્યું હતું અને સમગ્ર મામલે જરૂરી તપાસના આદેશ આપ્યા હતા.