અમદાવાદ : ખોડલધામ સંસ્થાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ખોડલધામ સંસ્થામાંથી પરેશ ગજેરાએ રાજીનામુ આપ્યા બાદ હવે વધુ એક ફટકો પડ્યો છે. ખોડલધામ સંસ્થામાં આંતરિક વિવાદથી કંટાળી મહિલા સમિતિનાં પ્રમુખ શર્મિલાબહેન બાંભણીયા સહિત કન્વીનરોએ રાજીનામા આપી દેતાં પાટીદાર સમાજમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને સ્થાનિક રાજકારણ ગરમાયું છે. નવરાત્રી રસોત્સવ દરમિયાન આ કકળાટ શરૂ થયો હતો.
આતંરિક વિવાદથી કંટાળીને મહિલા સમિતિનાં પ્રમુખ સહિત કન્વીનરોએ રાજીનામા આપતા ખળભળાટ મચ્યો છે. મહિલાઓની નોંધ ના લેવાતી હોવાના આક્ષેપ સાથે રાજીનામા આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ખોડલધામનાં કાર્યક્રમોમાં સંખ્યા એકત્ર કરવી અને મોટાભાગની જવાબદારી મહિલા સમિતિ પાસે હોય છે. જો કે મહિલાઓની નોંધ ના લેવાતી હોવાના આક્ષેપ સાથે ખોડલધામ મહિલા સમિતિનાં પ્રમુખ, રાજકોટ જિલ્લા કન્વીનર, વોર્ડ કન્વીનરો અને ઝોન કન્વીનરોએ રાજીનામા આપી દીધા છે. મહિલા સમિતિનાં પ્રમુખ શર્મિલાબહેન બાંભણીયા, કન્વીનર અનિતાબેન દુધાત્રા, જાગૃતિબેન ઘાડિયા, જ્યોત્સનાબેન ટીલાળાએ રાજીનામા આપી દેતા ખોડલધામ સંસ્થાને ફટકો પડ્યો છે.
આ મહિલાઓનાં રાજીનામા બાદ અન્ય કન્વીનરોને રાતોરાત જવાબદારી સોંપવામાં આવી છે. તો એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે જેમને જવાબદારી સોંપવામાં આવી છે તે વધારે માનીતા છે. તો વિવાદને ટાળવા માટે અત્યારે રાજકોટમાં વોર્ડ વાઇઝ અને ઝોનનાં કન્વીનરોની ટીમ બનાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે ક, ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને મળેલી સફળતા બાદ પરેશ ગજેરાને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે ત્યારબાદ નરેશ પટેલ સાથેનાં વિવાદને લઇને ગજેરાએ ખોડલધામમાંથી રાજીનામુ આપ્યું હતુ. બીજી તરફ પરેશ ગજેરા લોકસભા ચૂંટણી લડશે તેવી પણ ચર્ચા છે. તેમના સમર્થકોએ રાજકોટનાં અનેક વિસ્તારોમાં તેમના પોસ્ટર લગાવ્યા હતા અને પરેશ ગજેરાએ કહ્યું છે કે, જો ઓફર મળશે તો તેઓ વિચારશે.